કુડાસણ ખાતે ઓર્બિટ મોલની સાઈટ પર જમીન ધસી : ૪ મોત
અમદાવાદ: ગાંધીનગરના કુડાસણ પાસેની નવા બની રહેલા પ્રમુખ આનંદ ઓર્બિટ મોલની કન્સ્ટ્રક્શન સાઈટ પર બપોર બાદ અચાનક જમીન ઘસી પડી હતી. જમીન ઘસી પડતા માટીમાં ચાર જેટલા મજૂરો દટાઇ જતાં મોતને ભેટયા હતા. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
ગાંધીનગરના કુડાસણ પાસેની નવા બની રહેલા પ્રમુખ આનંદ ઓર્બિટ મોલની કન્સ્ટ્રક્શન સાઈટ પર આજે ખોદકામ દરમ્યાન અચાનક ભેખડ-જમીન ધસી પડતાં ગમખ્વાર દુર્ઘટના સર્જાઇ હતી. ચાર શ્રમિક મજૂરો દટાઇ જતાં તમામને કાઢવા માટે હાજર લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી. ભેખડની માટીમાં દટાયેલી શ્રમિકોને બહાર કાઢવા માટે બે જેસીબી મશીનની મદદ લેવાઈ હતી.
ભારે જહેમત બાદ ચારેય મજૂરોને બહાર કાઢીને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે સિવિલ હોસ્પિટલના હાજર ડોક્ટરે તમામને મૃત જાહેર કર્યા હતા. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને શ્રમિક સમાજમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. સ્થાનિક પોલીસે પણ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી.