“વેસ્ટર્ન ટાઈમ્સના રાજકીય અવલોકનને સમર્થન કરતું દિલ્હીનું ચૂંટણી પરિણામ”!!
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/04.jpg)
BJPએ દિલ્હીમાં ત્રિપાંખીયા જંગમાં વ્યુહાત્મક પ્રચાર કરી પ્રજાનું સમર્થન મેળવ્યું પણ Congressએ મત વિભાજનનો ચક્રવ્યુહ ઘડીને AAPના વિજયરથને રોકી કિંગમેઈકર બની ?! #Delhielection2025
ઈન્ડિયા બ્લોકના નેતાઓએ આત્મદર્શન કરી રાષ્ટ્રીય વિપક્ષ કોંગ્રેસના કાબેલ અને પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતા પ્રિયંકા ગાંધીને ઈન્ડીયા બ્લોકનું સુકાન વ્યુહાત્મક રીતે મહિલા નેતૃત્વને સોંપવું જોઈએ ?!
તસ્વીર ગુજરાત હાઈકોર્ટની છે ! બીજી તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટની છે ! ગુજરાત હાઈકોર્ટની રચના તા. ૦૧-૦૫-૧૯૬૦ માં થઈ ત્યારે પ્રથમ ચીફ જસ્ટીસ શ્રી એસ. ટી. દેસાઈની નિયુક્તિ થઈ હતી ! અને પ્રથમ પાંચ ન્યાયાધીશો નિયુક્ત થયેલા ! ત્યારથી આજ વર્ષ ૨૦૨૫ સુધીમાં ચીફ જસ્ટીસ તરીકે સુનિતાબેન અગ્રવાલ છે ! ગુજરાત હાઈકોર્ટે દેશના બંધારણીય મૂલ્યો, માનવ અધિકારો અને પ્રજાને નિષ્પક્ષ અને નિડરતા પૂર્વક ન્યય આપીને ગુજરાતની પ્રજાને સ્વતંત્રતાની રક્ષા કરી છે !
સરકારો આવી ને ગઈ પણ ન્યાયતંત્ર ગઈકાલે કે આજે ડગ્યું નથી ! દેશમાં સમાન સિવીલ કોડની વાતો કરાય છે ! એક ટાઈમ ઈલેકશનની વાતો કરાય છે ! પરંતુ દેશનું બંધારણ શું કે છે તે નેતાઓ જોતાં જ નથી ! બંધારણની કલમ-૧૪ માં શું કહેવાયું છે ?! અને સુપ્રિમ કોર્ટે આપેલા ચૂકદા શું છે ?! તેનું જ્ઞાન અને ભાન નેતાઓને ભાગ્યે જ હોય છે ! કાયદામંત્રી અને ગૃહમંત્રીએ કાયદા ક્ષેત્રના જ્ઞાની હોય એ જરૂર છે ! પણ આવું કોઈપણ પક્ષની સરકારો જોતાં નથી !
માટે દેશની વડી અદાલતોની રખેવાળીના લીધે જ દેશ ટકી રહ્યો છે એવો પણ એક માહોલ છે ! બીજી તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટની છે ! દેશના બંધારણની કલમ-૧૨૪ હેઠળ પ્રથમ ૭ ન્યાયાધીશોની નિયુક્તિ થઈ હતી ! ત્યાર પછી ન્યાયામૂર્તિઓની સંખ્યા નકકી થઈ હતી ! ભારતની સુપ્રિમ કોર્ટના પ્રથમ ચીફ જસ્ટીસ શ્રી પતંજલી શાસ્ત્રી હતાં ! આજે ચીફ જસ્ટીસ સંજીવ ખન્ના ! સુપ્રિમ કોર્ટે પણ દેશના બંધારણ મુજબ ન્યાયધર્મ નિભાવ્યો છે !
વર્ષ ૧૯૫૦ થી આજદિન સુધી લોકોની આઝાદીની અને દેશની લોકશાહી અને નાગરિક સ્વાતંત્ર્યની રક્ષા કરી છે ! માટે દેશની લોકશાહી સીસ્ટમને ઉથલાવી પાડવાની કોઈ નેતાની તાકાત પણ નથી અને સત્તા પણ નથી ! પરંતુ એક તરફ સત્તા માટે ગમે તેવા નિર્ણયો કરતા નેતાઓ દેશના બંધારણનો અભ્યાસ કરી કાયદાશાસ્ત્રીઓ જોડે બેસીને નિર્ણય નથી કરતા !
દેશના યુવાનો ગમે તે ફેકલ્ટીના હોય પરંતુ તેમને દેશના બંધારણનો અભ્યાસ ફરજીયાત બનાવવો જોઈએ ! આ નિર્ણય શ્રી નરેન્દ્રભાઈ મોદી કરે અને વિરોધપક્ષો સાથ આપે તો દેશ માટે શ્રેષ્ઠ કામ થઈ શકે છે ! જે કરવું જોઈએ !! ત્રીજી તસ્વીર મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, પંડિત જવાહરલાલ નહેરૂ, ર્ડા. રાજેન્દ્ર પ્રસાદ, ર્ડા. ભીમરાવ આંબેડકર, મૌલાના અબુલ કલામ આઝાદની જેવા મહાનુભાવોએ દેશના બંધારણની રચનામાં યોગદાન આપ્યું છે !! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)
ગુજરાત હાઈકોર્ટ અને દેશની સુપ્રિમ કોર્ટે નાગરિક સ્વાતંત્ર્ય અને બંધારણીય મૂલ્યોને જીવંત રાખતા અનેક ચૂકાદા આપી નેતાઓને તેમની મર્યાદાઓનું ભાન કરાવ્યું છે ?!
મહાત્મા ગાંધીએ કહ્યું છે કે, “માણસ એ પોતાના વિચારોનું સર્જન છે, એ જે વિચારે છે તેવો બની જાય છે”!! સરદાર વલ્લભભાઈ પટેલ કહે છે કે, “જલિયાનવાલા બાગમાં જેઓ દેશની આઝાદી માટે સામે ચાલીને લોકો મોતને ઘાટ ઉતર્યા હતાં તેઓ માત્ર શીખો જ નહોતાં તેમાં હિન્દુઓ અને મુસલમાનો પણ મોટી સંખ્યામાં હતાં પણ રોષનું શમન જો બીજા હજારો નિર્દાેષની કતલ કરવાથી કરીશું તો પછી જલિયાનવાલા બાગમાં જેઓ શહીદ થયા તેઓના શું આપણે સુપાત્ર વારસદારો ગણાઈશું ખરાં ?!”
જયારે પંડિત જવાહરલાલ નહેરૂ કહે છે કે, “નિષ્ફળતા ત્યારે જ મળે છે જયારે આપણે આપણાં આદર્શાે, હેતુઓ અને સિધ્ધાંતો ભુલી જઈએ છીએ”!! દિલ્હીની ચૂંટણીનું પરિણામ એ તમામ રાજકીય પક્ષોની આંખ ઉઘાડનારૂં છે કેમ કે, એ બધાં જ રાજકીય પક્ષોના મુખ્ય નેતાઓ જાણે છે તા. ૨૧ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ વેસ્ટર્ન ટાઈમ્સના એક તસ્વીર સમાચારમાં દિલ્હીની ચૂંટણીનું વિશ્લેષણ કરતા વેસ્ટર્ન ટાઈમ્સે કહ્યું હતું કે,
“મત વિભાજન આ વખતે ચૂંટણીનું પરિણામ બદલવામાં કામિયાબ થશે ?!” ભા.જ.પ. જીત્યું કારણ કે કોંગ્રેસ દ્વારા થયેલું મત વિભાજનમાં “આપે” ૧૪ બેઠકો ગુમાવી અને ભા.જ.પ. જીત્યુ ! ભા.જ.પે. આક્રમક પ્રચાર કરી વોટર રેટ સુધાર્યાે ! જેમાં આમ આદમી પાર્ટીના નેતા અરવિન્દ કેજરીવાલનો રાજકીય અહંકાર ઓગળી ગયો ! કોંગ્રેસ દિલ્હીમાં ૧૦ વર્ષમાં કાર્યકરોની કેડર પાર્ટી ન બનાવી શકી ! તેની નબળાઈ બહાર આવી !!
કોંગ્રેસ અને વિરોધ પક્ષોએ દેશમાં લોકશાહી મજબુત કરવા અને દેશના વાસ્તવિક પ્રશ્નો ઉકેલવા માટે યુવાન મહિલા નેતૃત્વના હાથમાં સુકાન સોંપીને મજબુત આત્મબળ ધરાવતા કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને ઈન્ડિયા બ્લોકના નેતા તરીકે રજૂ કરવા જોઈએ તો પછી જુઓ મોટી રાજકીય ટકકર સર્જાશે ?!
અમેરિકાના પ્રમુખની ભારતની પ્રજા સાથેના વર્તન માટે નારાજગી વ્યક્ત કરી ભારત સરકારે ભારતીયોને પાછા લાવવા ખાસ વિમાન મોકલી ભારતીયોનું અપમાન થતું કેમ ન રોકયું ?! કહી અનેક સવાલો પ્રિયંકા ગાંધીએ ઉઠાવ્યા હતાં ! અનેક વાસ્તવિક મુદ્દાઓ પણ પ્રિયંકામાં ગાંધીની પ્રક્રીયા અભ્યાસપૂર્ણ હોય છે અને મજબુતીથી બોલી શકે છે !
ત્યારે પ્રિયંકા ગાંધીને ઈન્ડિયા બ્લોકનું સુકાન સોંપવાની જરૂર છે ! કારણ કે બિહાર, યુ.પી. સહિત કેટલાક રાજયોની ચૂંટણી માટે ટેબલ વર્ક અત્યારથી કરાવી યુવાનોની કેડરબેઝ પાર્ટીમાં યુવક – યુવતીઓને સ્થાન આપવાની ક્ષમતા પ્રિયંકા ગાંધીમાં જોવાય છે ! ત્યારે વિપક્ષોની એકતા સાથે કામ કરી શકવાની ક્ષમતા પણ જણાય છે !! કોંગ્રેસ છોડી ગયા બાદ બનેલા નાના નાના પક્ષોને કોંગ્રેસમાં પુનઃ જોડાણ કરીને કોંગ્રેસનો વિસ્તાર જરૂરી છે ! આમ કોંગ્રેસને મજબુત કરવા માટે તથા વિપક્ષને મજબુત કરવા માટે મહિલા સક્ષમ વ્યક્તિત્વને સુકાન સોંપવાની ખાસ જરૂર છે !!
ભા.જ.પે. મજબુત નેતૃત્વ કરીને પક્ષની એકતાને ટકાવી રાખનાર નરેન્દ્રભાઈ મોદીના પ્રભાવશાળી વ્યક્તિત્વ જેવું બીજું વ્યક્તિત્વ કયાંય જોવા મળતું નથી ! નરેન્દ્રભાઈ મોદીએ હવે કેટલાંક રાજકીય કડક નિર્ણયો કરીને દેશમાં સગવડીયા રાજનિતિ પર બ્રેક મારી દેશના લોકોને યોગ્ય માર્ગદર્શન આપવાની જરૂર છે !
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે કે, “મને રાષ્ટ્ર માટે મરી છુટવાની તક નથી મળી, પરંતુ રાષ્ટ્ર માટે જીવતવાની તક અવશ્ય મળી છે”!! જયારે અમેરિકાના પ્રમુખ બેન્જામીન ફ્રેન્કલીને કહ્યું છે કે, “મૃત્યુ પામ્યા પછીય જો તમે અમર થવા માંગતા હોવ તો એવું કાંઈક લખી જાઓ જે વાંચવા લાયક હોય, એવું કાંઈક કરી જાઓ જે લખવા લાયક હોય”!!
શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૩૭૦ ની કલમ નાબૂદ કરી રાજકીય દુરંદેશીતા દર્શાવી છે ! રામ મંદિરના નિર્માણ સામે અવરોધો દુર કરી પ્રાણ પ્રતિષ્ઠા કરી ! ત્રિપલ તલ્લાકનો ઈલાજ કરીને મહિલાઓને સુરક્ષા કવચ પુરૂં પાડયું ! નવા સંસદના મકાનનું નિર્માણ કર્યું ! દેશમાં સર્વનો સાથ સૌના વિકાસની વાત પ્રજા સમક્ષ મુકીને એવા અનેક પડકારરૂપ કામો કર્યાે છે ! જે ઈતિહાસના પાને તેઓ “વિકાસ પુરૂષ” તરીકે અમર રહેશે !
નરેન્દ્રભાઈ મોદીનું વ્યક્તિત્વ એવું છે જેમની નિર્ણય કરવાની ક્ષમતા છે અને માનવીને પારખવાની ક્ષમતા એવી છે કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીની તોલે આવે એવા કોઈ નેતા ભા.જ.પ.માં હાલ જોવા મળતા નથી ! પણ દેશ – વિદેશની સમસ્યાઓનો નિકાલ કરી શકે એવી ક્ષમતાનો શૂન્યઅવકાશ હાલ ભા.જ.પ.માં જણાય છે !
નરેન્દ્રભાઈ મોદી સામે પણ હજુ અનેક મોટા પડકારો છે ! તેને પહોંચી વળવા પોતાના પ્રધાન મંડળમાં કેટલાક સક્ષમ અને વધુ કાબેલ નેતૃત્વની જરૂર છે ! આ માટે કોંગ્રેસે ભૂતકાળમાં ર્ડા. મનમોહનસિંહ સહિત અનેક નેતાઓને રાજસભામાં ચૂંટી લાવી પ્રધાનમંડળમાં મજબુત કેડર ઉભી કરી હતી ! આ માટે હવે કાયદામંત્રી તરીકે સુપ્રિમ કોર્ટના નિવૃત્ત સક્ષમ ન્યાયમૂર્તિશ્રીને રાજસભામાં ચૂંટવાની જરૂર છે !
પ્રમાણિક આઈ.પી.એસ. અધિકારીને રાજસભમાં લઈને રાજય કક્ષાના ગૃહમંત્રાલયનો હવાલો સોંપવાની જરૂર છે અનને કાબેલ અને કડવા પણ મજબુત નિર્ણય કરી શકે તેવા અર્થશાસ્ત્રીને પ્રધાન મંડળમાં લેવાની જરૂર છે ! જેથી શ્રી નરેન્દ્રભાઈ મોદી પોતે દેશના બીજા સળગતા પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રીત કરી શકે ?! અને પોતાના ભાવિ અનુગામી તરીકે કોઈ યુવાન નેતૃત્વને તૈયાર કરવાની જરૂર છે ! આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.