રેલવે ટિકિટમાં દર મહિને કરોડોના કાંડનો પર્દાફાશ
નવી દિલ્હી: રેલવે પ્રોટેક્શન ફોર્સે ટિકિટ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ સંબંધમાં સોફ્ટવેર ડેવલપરની ધરપકડ કરવામાં આવી છે. આ રેકેટના તાર પાકિસ્તાન, બાગ્લાદેશ અને દુબઇ સાથે જાડાયેલા હોવાની માહિતી હાથ લાગી છે. રેલવે ટિકિટમાં કોંભાડ મારફતે ઉભી કરવામાં આવતી રકમને ત્રાસવાદી ફંડિગમાં લગાવી દેવામાં આવતી હોવાનો પણ ખુલાસો થયો છે. રેલવે ટિકિટમાં કોંભાડ કરીને દર મહિને કરોડો રૂપિયાની કમાણી કરવામાં આવી રહી હતી. ત્રાસવાદી ફંડિંગમાં આ નાણાંનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાની વિગત સપાટી પર આવી છે.
આરપીએફ દ્વારા કહેવામાં આવ્યુ છે કે ઝારખંડમાં રહેનાર ગુલામ મુસ્તફાની ભુવનેશ્વર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. તેને સોમવારના દિવસે જ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. કેટલીક નવી ચોંકાવનારી વિગત હજુ ખુલી શકે છે. હજુ સુધી આ નેટવર્કના સંબંધમાં ૨૭ લોકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે. હવે મામલાની તપાસ આઇબી અને એનઆઇએને સોંપી દેવામાં આવી છે.
આ રેકેટના ભાગરૂપે ૧.૪૮ મિનિટમાં જ ત્રણ ટિકિટ બુક કરતા હતા. સેંકડો આઇડી મારફતે રમત ચાલી રહી હતી. જેનાથી અંદાજ લગાવી શકાય છે કે આ રેકેટ મારફતે મિનિટોના ગાળામાં જ હજારો ટિકિટ પર હાથ સાફ કરવામાં આવતો હતો. સામાન્ય રીતે એક ટિકિટને મેનુવલી બુક કરવા માટે ૨.૫૫ મિનિટ લાગે છે. સ્પષ્ટ છે કે આ ગેંગના પરિણામસ્વરૂપે જરૂરિયાતવાળા લોકોને ટિકિટ મળતી ન હતી. તેમને પરેશાન થવાની ફરજ પડી રહી હતી. હજુ ઉંડી તપાસ આ મામલે ચાલી રહી છે.