અમદાવાદીઓ બે દિવસમાં ૬ લાખની મિલેટ વાનગીઓ આરોગી ગયા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/12.02.2025-A-4-e1739356778667-1024x527.jpeg)
અમદાવાદે માણી મિલેટ્સની મોજ-રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવમાં અમદાવાદીઓએ અધધ ૩૬ લાખના મિલેટ્સ અને પ્રાકૃતિક કૃષિ પ્રોડક્ટ્સ ખરીદ્યા તથા લાઈવ વાનગીઓ આરોગી
૧૦૫ વેચાણ/પ્રદર્શન સ્ટોલ્સ પરથી ૩૦ લાખની મિલેટ્સ અને પ્રાકૃતિક કૃષિ પ્રોડક્ટ્સની ખરીદી થઈ-૨૫ લાઈવ ફૂડ સ્ટોલ્સ પરથી લોકોએ ૬ લાખના મિલેટ્સ અને પ્રાકૃતિક કૃષિ પ્રોડક્ટ્સ આરોગ્યા
અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ૮ અને ૯ ફેબ્રુઆરીના દિવસોમાં યોજાયેલા રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ ૨૦૨૫ને વ્યાપક પ્રતિસાદ સાંપડ્યો હતો.
મિલેટ મહોત્સવમાં અમદાવાદ શહેર/જિલ્લા સહિત આસપાસના જિલ્લાઓમાંથી આવેલા મુલાકાતીઓએ અધધ ૩૬ લાખના મિલેટ્સ અને પ્રાકૃતિક કૃષિ પ્રોડક્ટ્સ ખરીદ્યા હતા તથા લાઈવ વાનગીઓ આરોગી હતી. કુલ ૧૦૫ વેચાણ/પ્રદર્શન સ્ટોલ્સ પરથી મુલાકાતીઓએ ૩૦ લાખની મિલેટ્સ અને પ્રાકૃતિક કૃષિ પ્રોડક્ટ્સની ખરીદી કરી હતી. જ્યારે ૨૫ લાઈવ ફૂડ સ્ટોલ્સ પરથી લોકોએ ૬ લાખના મિલેટ્સ અને પ્રાકૃતિક કૃષિ પ્રોડક્ટ્સ આરોગ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસીય કાર્યક્રમમાં મિલેટ ઉત્પાદકો, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદકો, ઓર્ગેનિક ખાદ્ય ઉત્પાદકો સહિત ખેડૂતો, સંસ્થાઓ અને વેપારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
મિલેટ્સ અને પ્રાકૃતિક કૃષિ પેદાશોને લોકોના રોજિંદા આહારનો ભાગ બનાવવા અને વધુને વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવતા કરવાના ઉદ્દેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં અમદાવાદ શહેર/જિલ્લા સહિત આસપાસના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં મુલાકાતીઓ, ખેડૂતો અને સંસ્થાઓએ મિલેટ્સ અને પ્રાકૃતિક કૃષિ પેદાશોની ખરીદી કરી હતી તથા લાઈવ ફૂડ કાઉન્ટર પરથી અવનવી મિલેટ્સની વાનગીઓ આરોગી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મિલેટ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું, જ્યારે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં સમાપન સમારંભ યોજાયો હતો.