નજીવી બાબતે જાનમાં ઢોલ વગાડવા આવેલા ઢોલીને જાનૈયાઓએ રહેંસી નાંખ્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/12/FIGHT.jpg)
પ્રતિકાત્મક
(એજન્સી)અમદાવાદ, શહેરના ઠક્કરનગર અને બાપુનગરમાં એક જ દિવસમાં થયેલી બે હત્યાની શાહી હજુ સૂકાઈ નથી ત્યારે ગઈકાલે કાલુપુર અને ગીતામંદિર પાસે બે લોકોની હત્યા કરાતા ચકચાર મચી ગઈ છે.
ગઈકાલે લગ્નના વરઘોડામાં ઢોલ વગાડનાર યુવકની ચાર માથાભારે જાનૈયાઓએ છરીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી છે. ગીતામંદિર રોડ પર આવેલા કૃષ્ણનગર નાળા રોડ ખાતે રહેતા ભીખા સોલંકીએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ભરત ઉર્ફે ભલી રાઠોડ, અમિત ઉર્ફે ખાધુ સિંધવ, જયેશ ઉર્ફે જગો અને રાઠોડ અને જિજ્ઞેશ ઉર્ફે જીગો સિંધવ વિરૂદ્ધ હત્યાની ફરિયાદ કરી છે.
ભીખા સોલંંકી મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રહેવાસી છે અને છેલ્લા ઘણા વર્ષોથી અમદાવાદમાં રહે છે. ભીખા સોલંકી પત્ની મંજુલા, દિકરો મહેન્દ્ર ઉર્ફે કરણ, દીકરી નેહા સાથે રહે છે. નેહાએ લાંભા ખાતે રહેતા યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને હાલ તે સાસરીમાં રહે છે. આ સાથે મહેન્દ્ર ઉર્ફે કરણ લેબોરેટરીમાં નોકરી કરે છે અને શુભ પ્રસંગમાં ઢોલ વગાડવા માટે પણ જાય છે.
ગઈકાલે મોડી રાતે મહેન્દ્રની ઘાતકી હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ગઈકાલે ભીખા સોલંકી તેના પરિવાર સાથે ઘરે હાજર હતા ત્યારે રોનક પરમાર નામનો યુવક દોડતો દોડતો આવ્યો હતો અને આવતાની સાથે જ રોનકે જણાવ્યું હતું કે, હું અને મહેન્દ્ર હિરેન ખંડાગળેના ત્યાં લગ્ન હોવાથી ઢોલ વગાડવા માટે ગયા હતા. રાતના સાડા દસ વાગ્યાની આસપાસ મજૂરગામ ચાર રસ્તા પાસે જાહેર રોડ પર ઢોલ વગાડતા હતા
તે સમયે નાચવામાં અમારો હાથ જિજ્ઞેશ ઉર્ફે જીગા તથા અમિતને અડી ગયો હતો. આ મામલે જિજ્ઞેશ, અમિત સહિતના લોકોએ મહેન્દ્ર સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. ચારેય જણાએ ભેગા થઈને મહેન્દ્રને શરીર પર છરીના ઘા ઝીંકી દીધા હતા જેમાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મહેન્દ્ર પર હુમલાની જાણ થતાંની સાથે જ તેના પરિવારજનો હોસ્પિટલ પહોંચી ગયા હતા.
ટૂંકી સારવાર દરમિયાન ડૉક્ટર્સે મહેન્દ્રને મૃત જાહેર કર્યો હતો. મહેન્દ્રના મૃત્યુના સમાચાર મળતાની સાથે જ ગીતામંદિર, મજૂરગામ સહિતની જગ્યા પર સન્નાટો વ્યાપી ગયો હતો. ઘટનાની જાણ પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પોહંચી ગયા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને હત્યા કરનાર ત્રણેય યુવકોની ધરપકડ કરી લીધી હતી. પોલીસે ચાર યુવકો વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જિજ્ઞેશ, જયેશ, ભરત અને અમિત વહેલી સવારથી મહેન્દ્ર પર હુમલો કરવાનું આયોજન કરી રહ્યા હતા. ચારેય શખ્સો નશેડી છે અને નશાની હાલતમાં આ હત્યાકાંડને અંજામ આપ્યો છે.
મહેન્દ્રના ઘણા દુશ્મનો હોવાનું તેના પરિવારજનો કહી રહ્યા છે. વીસ વર્ષીય મહેન્દ્રએ બે મહિના પહેલાં પણ છરીના ઘા ઝીંકવામાં આવ્યા હતા. જેની દુશ્મનાવટને લઈ મહેન્દ્રના માથામાં માથાભારે શખ્સોએ છરીના ઘા માર્યા હતા. જેમાં તે બચી ગયો હતો.
આ મામલે મહેન્દ્રએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી હતી. ગઈકાલે છીપા કબ્રસ્તાનની બાજુમાં આવેલા ખુલ્લા પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગ હતો આથી ત્યાં મહેન્દ્ર ઢોલ વગાડવા ગયો હતો જેમાં તેની હત્યા કરાઈ છે. પોલીસે મોડી રાતે બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.