રૂપિયાની લેતી-દેતીના મામલે માથામાં કાચની બોટલ મારીને યુવકની જાહેરમાં હત્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/12/death.jpg)
અમદાવાદ, કાલુપુર વિસ્તારમાં ગઈકાલે ધોળા દિવસે હત્યાનો બનાવ બન્યો છે. રૂપિયાની લેતી-દેતીના મામલે માથામાં પથ્થર તેમજ કાચની બોટલ મારીને યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. હત્યાની જાણ પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
કાલુપુર વિસ્તારમાં રહેતા ઈકબાલ ઘાંચીએ કાલુપુર પોલીસ સ્ટેશનમાં શિવા ઉર્ફે શિવાજી ચૌધરી વિરૂદ્ધ હત્યાની ફરિયાદ કરી છે. ઈકબાલ ઘાંચીના ભાઈ ઈસ્લામ ઘાંચીની ગઈકાલે શિવા ઉર્ફે શિવાજી ચૌધરીએ ઘાતકી હત્યા કરી નાંખી હતી. રૂપિયાની લેતી-દેતીના મામલે ગઈકાલે શિવા અને ઈસ્લામ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જ્યાં મામલો બીચકયો હતો.
શિવાએ ઈસ્લામ પાસે ઉછીના રૂપિયાની માગણી કરી હતી જે તેણે આપવાનો ઈન્કાર કર્યો હતો. આથી શિવો ઉશ્કેરાયો હતો અને તેના માથામાં કાચની બોટલ મારી દીધી હતી. ત્યારબાદ પથ્થર માર્યો હતો. ઈજાગ્રસ્ત ઈસ્લામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તબીબોએ મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધીને શિવાને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યા છે.