રોકાણ માટે ભારત આવવાનો આ સમય છેઃ મોદીએ ફ્રાન્સના રોકાણકારોને કહ્યું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/Modi-france-1.jpg)
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને મોદી સાથે પેરિસમાં ૧૪માં ‘ભારત-ફ્રાન્સ સીઈઓ ફોરમ’માં હાજરી આપી
(એજન્સી)નવીદિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સમાં છૈં સમિટની બાજુમાં ફ્રેન્ચ રોકાણકારોને આકર્ષિત કરતા સંબોધનમાં કહ્યું કે ભારત આવવાનો આ શ્રેષ્ઠ સમય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સની કંપનીઓને ભારતની વિકાસ ગાથાનો એક ભાગ બનીને અમર્યાદિત તકોનો વિચાર કરવા આમંત્રણ આપ્યું હતું. વડા પ્રધાને ફ્રાન્સની કંપનીઓને કહ્યું કે ભારતમાં રોકાણ કરવાનો આ ‘યોગ્ય સમય’ છે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન પણ મોદી સાથે પેરિસમાં ૧૪માં ‘ભારત-ફ્રાન્સ સીઈઓ ફોરમ’માં હાજરી આપી હતી. મોદીએ તેમના સંબોધનમાં ભારત અને ફ્રાન્સ વચ્ચે વધતા દ્વિપક્ષીય વેપાર અને આર્થિક સહયોગ અને બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને આપેલા પ્રોત્સાહનનો ઉલ્લેખ કર્યો હતો.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત અને ફ્રાન્સ માત્ર લોકતાંત્રિક મૂલ્યોથી જોડાયેલા નથી, અમારી મિત્રતાનો પાયો ઊંડો વિશ્વાસ, નવીનતા અને જન કલ્યાણની ભાવના પર આધારિત છે. અમારી ભાગીદારી માત્ર બે દેશો સુધી મર્યાદિત નથી. અમે વૈશ્વિક સમસ્યાઓ અને પડકારોના ઉકેલ માટે સાથે મળીને કામ કરી રહ્યા છીએ. મારી છેલ્લી મુલાકાત દરમિયાન, અમે અમારી ભાગીદારી માટે ‘૨૦૪૭ રોડમેપ’ની રૂપરેખા આપી હતી.
આ પછી, અમે દરેક ક્ષેત્રમાં વ્યાપકપણે સહકાર આપી રહ્યા છીએ.” તેમણે એરોસ્પેસ, બંદરો, સંરક્ષણ, ઇલેક્ટ્રોનિક્સ, ડેરી, રસાયણો અને ઉપભોક્તા ચીજવસ્તુઓ જેવા ક્ષેત્રો તરફ ધ્યાન દોર્યું, જ્યાં ભારત-ફ્રાન્સ સહયોગ પહેલેથી જ ચાલી રહ્યો છે.ફ્રાન્સના ઉદ્યોગોને ભારતની વિકાસયાત્રામાં જોડાવા આમંત્રણ આપતાં વડાપ્રધાન મોદીએ કહ્યું, “જ્યારે ફ્રાન્સની કાર્યક્ષમતા અને ભારતનો સહકાર એક સાથે આવે છે,
જ્યારે ભારતની ઝડપ અને ફ્રાન્સની ચોકસાઈ એક સાથે આવે છે, જ્યારે ફ્રાન્સની ટેકનોલોજી અને ભારતની પ્રતિભા એક સાથે આવે છે. પછી માત્ર વ્યાપારનો માહોલ જ નહીં પણ વૈશ્વિક પરિવર્તન આવશે.પેરિસમાં ૧૪મા ‘ઈન્ડિયા-ફ્રાન્સ સીઈઓ ફોરમ’માં મોદીએ ન્યૂ ઈન્ડિયાની વાર્તા સંભળાવી ત્યારે દુનિયાને આશ્ચર્ય થયું. નવા ભારતની તાકાત વિશે માહિતી આપતા પીએમ મોદીએ કહ્યું કે અમે અમારા દેશમાં ૧૨૦ નવા એરપોર્ટ ખોલવા જઈ રહ્યા છીએ. આનાથી તમે ભારતમાં નવી શક્યતાઓની કલ્પના કરી શકો છો.