Western Times News

Gujarati News

સૌરાષ્ટ્રને ઇનિંગ્સથી હરાવીને ગુજરાત રણજી સેમિફાઇનલમાં

અમદાવાદ, પ્રિયજિત જાડેજા અને અરઝાન નાગવાસવાલા સહિતના બોલર્સની વેધક બોલિંગ સામે સૌરાષ્ટ્રની બેટિંગનું પતન થતાં ગુજરાતની ટીમે રાજકોટમાં રમાયેલી રણજી ટ્રોફી ક્વાર્ટર ફાઇનલમાં એક ઇનિંગ્સ અને ૯૮ રનથી વિજય હાંસલ કરીને રણજી ટ્રોફીની સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. ગુજરાત માટે સદી ફટકારનારા જયમિત પટેલને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાયેલી ક્વાર્ટર ફાઇનલમાં સૌરાષ્ટ્ર તેના બીજા દાવમાં ૧૯૭ રનમાં આઉટ થઈ ગયું હતું. આ મેચમાં સૌરાષ્ટ્રએ તેના પ્રથમ દાવમાં ૨૧૬ રનનો સ્કોર નોંધાવ્યો હતો જેના જવાબમાં ગુજરાતે જયમિત પટેલ અને ઉર્વિલ પટેલની સદીની મદદથી ૫૧૧ રનનો વિશાળ સ્કોર રજૂ કર્યાે હતો. આમ સૌરાષ્ટ્ર ઇનિંગ્સના પરાજયથી બચવા માટે ૨૯૬ રનના દેવા સામે રમી રહ્યું હતું.

મંગળવારે મેચના ચોથા દિવસે તે ૧૯૭ રનમાં આઉટ થઈ ગયું હતું.સૌરાષ્ટ્રની ટીમે મંગળવારે ચોથા દિવસની રમતનો પ્રારંભ વિના વિકેટે ૩૩ રનના સ્કોરથી કર્યાે ત્યારે એમ લાગતું હતું કે તેઓ લડત આપીને મેચને રસપ્રદ બનાવશે પરંતુ તેમ બન્યું ન હતું.

ગુજરાતના ઝડપી બોલર અરઝાન નાગવાસવાલા અને પ્રિયજિત જાડેજાએ સુંદર બોલિંગ કરી હતી. ૨૮મી ઓવરમાં ૬૭ રનના સ્કોરે ગુજરાતને પ્રથમ સફળતા અપાવતાં પ્રિયજિતે ઓપનર ચિરાગ જાનીને આઉટ કર્યાે હતો. જાનીએ ૨૬ રન કર્યા હતા. અનુભવી બેટ્‌સમેન ચેતેશ્વર પૂજારા માત્ર બે રન કરી શક્યો હતો અને ૩૦મી ઓવરમાં જાડેજે તેને પણ આઉટ કરી દીધો હતો.

આમ સૌરાષ્ટ્ર મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું.ફર્સ્ટ કલાસ ક્રિકેટમાં પોતાની કારકિર્દીની અંતિમ મેચ રમી રહેલો શેલ્ડન જેક્સન ૨૭, વર્તમાન સિઝનમાં અગાઉની મેચોમાં શાનદાર પ્રદર્શન કરનારો અર્પિત વસાવડા ૧૧, પ્રેરક માંકડ આઠ અને સમર ગજ્જર સાત રનના અંગત સ્કોરે આઉટ થઈ જતાં પાંચ દિવસની આ મેચ ચોથા દિવસે જ પૂરી થઈ જશે તેની ખાતરી થઈ ગઈ હતી.

પ્રિયજિત અને નાગવાસવાલા વેધક બોલિંગ કરી રહ્યા હતા તો તેમને સામે છેડેથી આઇપીએલના સફળ બોલર રવિ બિશ્નોઈનો પણ સહકાર સાંપડ્યો હતો. બિશ્નોઈએ બે મહત્વના ખેલાડી શેલ્ડન જેક્સન અને સમર ગજ્જરને આઉટ કર્યા હતા. વર્તમાન સિઝનની અગાઉની મેચોમાં ઢગલાબંધ વિકેટો ખેરવનારા સ્પિનર સિદ્ધાર્થ દેસાઈને આ ઇનિંગ્સમાં વિકેટ મળી ન હતી. જાડેજાએ ચાર, નાગવાસવાલાએ ત્રણ, બિશ્નોઈએ બે અને કેપ્ટન ચિંતન ગજાએ એક વિકેટ લીધી હતી.

સૌરાષ્ટ્ર માટે ઓપનર હાર્વિક દેસાઈએ સર્વાેચ્ચ સ્કોર નોંધાવતાં ૧૦૩ બોલની મક્કમ ઇનિંગ્સમાં ૫૪ રન ફટકાર્યા હતા જેમાં નવ ચોગ્ગાનો સમાવેશ થતો હતો. આ વિજય સાથે ગુજરાતની ટીમે રણજી ટ્રોફી ૨૦૨૪-૨૫ની સિઝનની સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. સેમિફાઇનલમાં તેનો મુકાબલો કેરળ અને જમ્મુ-કાશ્મીરની ટીમ વચ્ચેની મેચના વિજેતા સામે થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.