Western Times News

Gujarati News

વર્ષ 2019માં વિદેશી પર્યટકોના આગમનમાં વધારો નોંધાયો

CAA કે કલમ 370ને દૂર કરવાથી પર્યટન પર કોઇ અસર નથી પડીઃ પ્રહલાદસિંહ પટેલ- પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અમારા બ્રાન્ડ એમ્બેસેડર છે’

નવી દિલ્હી,  કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી પ્રહલાદ સિંહ પટેલે વર્ષ 2019ના અંતિમ બે મહિનાઓમાં વર્ષ 2018ના અંતિમ બે મહિનાના સમયગાળાની તુલનામાં ભારતમાં વધારે પર્યટકો આવ્યા હોવાનું દર્શાવતા આંકડા રજૂ કર્યા હતા.

દેશમાં પર્યટકોના પ્રવાહમાં વૃદ્ધિ મુદ્દે, શ્રી પટેલે જણાવ્યુ હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અમારા બ્રાન્ડ એમ્બેસેડર છે અને તેથી જ પર્યટકોના આગમનની સંખ્યામાં વધારો થયો છે. તેમણે જણાવ્યું હતું કે, તમિલનાડુના ચેન્નઇ શહેર નજીક મહાબલીપુરમના નામે પ્રખ્યાત મમલ્લાપુરમ ખાતે પ્રધાનમંત્રી દ્વારા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની યજમાની કરાયા બાદ, અહીં આવનારા પર્યટકોની સંખ્યામાં 35 ટકાનો વધારો જોવા મળ્યો છે.

શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ને નાબૂદ કરવી, રામ મંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદા અને તાજેતરમાં જ પસાર થયેલા નાગરિકતા સંશોધન કાયદો (CAA)ને કારણે સર્જાયેલા ખટરાગ છતાં 2019માં ભારતમાં પર્યટકોના આગમનમાં વધારો થયો છે. પર્યટન મંત્રાલયના ડેટા અનુસાર, એવા સમયે જ્યારે નવ દેશોએ પોતાના નાગરિકો માટે પ્રવાસન સંબંધિત માર્ગદર્શિકા જારી કરી છે ત્યારે પર્યટન સેક્ટરમાં ઉપરની તરફનું વલણ જોવા મળ્યું છે.

પર્યટન મંત્રી દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા આંકડા અનુસાર, નવેમ્બર 2018ના 10,12,569ની સંખ્યાની તુલનામાં, નવેમ્બર 2019માં ભારતમાં 10,91,946 વિદેશી પર્યટકો આવ્યા હતા અને તેમાં 7.8 %નો વધારો જોવા મળ્યો હતો, તેવી જ  રીતે ડિસેમ્બર 2018ના 11,91,498 આંકની સરખામણીમાં ડિસેમ્બર 2019માં 12,25,672 વિદેશી પર્યટકોએ ભારતની મુલાકાત લીધી હતી.

આ આંકડાઓ સાથે એ પણ સૂચવે છે કે નવેમ્બર અને ડિસેમ્બર 2019માં વર્ષ 2018ના તે મહિનાઓની તુલનામાં વિદેશી હુંડિયામણની આવકમાં વધારો થયો હતો. નવેમ્બર 2018માં 16,584 કરોડ રૂપિયાની આવક થઇ હતી જ્યારે 2019માં તે આંકડો 19,831 કરોડ રૂપિયા હતો. તેવી જ રીતે ડિસેમ્બર 2018માં વિદેશી હુંડિયામણની આવક 19474 કરોડ રૂપિયા હતી જે ડિસેમ્બર 2019માં વધીને 22,617 કરોડ રૂપિયા થઇ ગઇ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.