વડોદરાના કમાટીબાગ ઝૂમાં 6 સાબર હરણને કેવડિયાથી લવાયા

વડોદરા, વડોદરા શહેરના કમાટીબાગના ઝૂમાં એનિમલ એકસચેન્જ પ્રોગ્રામ હેઠળ કેવડિયા ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલયમાંથી છ સાબર હરણ લાવવામાં આવ્યા છે જેમાં ચાર નર અને બે માદા છે. વડોદરાના ઝૂનો સ્ટાફ કેવડિયા આ પ્રાણીઓને લેવા માટે ગયો હતો જે સહી સલામત આવી જતાં આજે સીધા પિંજરામાં લોકોને જોવા માટે મૂકી દેવાયા છે.
વડોદરા ઝૂના અધિકારી ડૉ.પ્રત્યુષ પાટણકરે જણાવ્યું હતું કે, વડોદરા કોર્પોરેશન દ્વારા ગયા વર્ષે ચાર એનિમલ એકસચેન્જ પ્રોગ્રામ બનાવ્યા હતા. જેમાં આ એક કેવડિયાનો એનિમલ એકસચેન્જ પ્રોગ્રામ પણ હતો. વડોદરાથી કેવડિયા ગોલ્ડન પેજન્ટ (મરઘા કુળનું દેખાવે સુંદર પીંછાવાળું પક્ષી)ની જોડી, સફેદ મોરની માદા સહિતના પક્ષીઓ આપ્યા છે. વડોદરાથી કેવડિયા નજીકમાં છે ત્યાંના અને અહીંના વાતાવરણમાં કોઈ ફરક નથી. સાબર હરણ પણ ત્યાં પિંજરામાં મૂકેલા જ હતા.
અહીં વડોદરા લવાયા ત્યારે દોડીને સીધા પિંજરામાં પહોંચી ગયા હતા. સાબર હરણને વર્ષાવન અને સુકા પાનખરના જંગલમાં રહેવાનું ગમે છે. ગીરનું જંગલ અને દક્ષિણ ગુજરાતનું જંગલનું વાતાવરણ તેને અનુકૂળ આવે છે જેને કાદવ કિચડવાળું તળાવ પણ ગમે છે. અહીં પિંજરામાં કાદવ કિચડવાળું તળાવ પણ બનાવ્યું છે. સાબર હરણ ચિત્તલ જેવું દેખાવે સુંદર નથી હોતું.
પરંતુ સહેલાણીઓમાં તેનું આકર્ષણ હોય છે. અગાઉ અહીંના પ્રાણી સંગ્રહાલયમાં સાબર હરણ હતા પરંતુ વર્ષ ર૦ર૧માં ખરવા મોવાસા નામના રોગથી ૧૩ સાબર હરણના મરણ થયા હતા. ખરવા મોવાસા રોગ ખરી વાળા પશુધનમાં જોવા મળે છે જે ખોરાક, પાણી અને પશુઓની લાળથી ફેલાય છે. એક વખત એક સાબરનું બચ્ચું બચી ગયું હતું જે હજી પણ છે.