જીવરાજ પાર્ક પાસે હીટ એન્ડ રન : યુવાન ગંભીર
અમદાવાદ: શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં વેજલપુર રેલવે ટ્રેક પાસે મોના સોસાયટી નજીક આજે વહેલી સવારે એક કારે બાઈકને ટક્કર મારતાં એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાના પગલે લોકોનાં ટોળેટોળાં એકત્ર થઈ ગયાં હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતાં અને ગંભીર રીતે ઘવાયેલાં યુવકે જીવરાજ મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગેની વિગત એવી છે કે, શહેરનાં જીવરાજપાર્ક વિસ્તારમાં વેજલપુર રેલવે ટ્રેક પાસે આજે વહેલી સવારે પૂરઝડપે એક કાર પસાર થઈ રહી હતી આ દરમ્યાનમાં એક યુવક પણ બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો અચાનક જ કારનાં ચાલકે ટક્કર મારતાં બાઈક ઉપર બેઠેલો યુવક ફંગોળાઈને રસ્તા ઉપર પટકાતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અક્સ્માતની આ ઘટનાથી આસપાસનાં નાગરીકો દોડી આવ્યાં હતા અને લોકોનાં ટોળેટોળાં એકત્ર થઈ જતાં સમગ્ર રસ્તા ઉપર ટ્રાફિકજામ થઈ ગયો હતો.
અકસ્માતનાં પગલે લોકોમાં ભારે રોષ જાવા મળતો હતો. બીજી બાજુ ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસના અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યાં હતા અને ટોળાંને વિખેરી કાઢી અક્સ્માતમાં ઇજા પામેલાં યુવકને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સમાં જીવરાજ મહેતા હોસ્પિટલમાં ખસેડ્યો હતો.