મતદાન કરે તે પહેલા જ આપના ઉમેદવારના પિતાનું મૃત્યુ થયું

ધોરાજી નગરપાલિકાના આપના ઉમેદવાર અજયભાઈ કંડોલિયાના પિતા હરસુખભાઈનું મતદાન મથકે મોત થયું
ધોરાજી, ગુજરાતમાં આજે, ૧૬ ફેબ્રુઆરીએ ૬૬ નગરપાલિકા તથા મધ્યની બે બેઠકો સાથે ૬૮, ૩ તાલુકા પંચાયત અને ૧ મહાનગર પાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી થવાની છે. આ તમામ જગ્યાએ સવારના ૭ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધીમાં મતદાન થઈ રહ્યું છે. ત્યારે રાજકોટના ધાનેરામાંથી દુઃખદ સમાચાર મળ્યા છે. રાજકોટ જિલ્લાની ધોરાજી નગરપાલિકાના આપના ઉમેદવારના પિતાનું મતદાન કરે તે પહેલાં જ મતદાન મથકે નિધન થયું છે.
ધોરાજી નગરપાલિકાના આપના ઉમેદવારના પિતાનું મતદાન કરે તે પહેલાં જ મતદાન મથકે જ હાર્ટ એટેક આવતાં મોત થયું છે. વોર્ડ નંબર ૮ના આપ ઉમેદવાર અજયભાઈ કંડોલિયાના ૫૭ વર્ષીય પિતા હરસુખભાઈ કંડોલિયા ટેકનિકલ હાઈસ્કૂલના મતદાન મથકે મતદાન કરવા ગયા હતા. પરંતુ મતદાન કરે તે પહેલાં જ તેમનું મોત નિપજ્યું હતું.
અજયભાઈ કંડોલિયાના ૫૭ વર્ષીય પિતા હરસુખભાઈને તરત જ તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મતદાન સમયે જ ઉમેદવારના પિતાનું મોત થતાં કંડોલિયા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
નોંધનીય છે કે, ધોરાજી નગરપાલિકાની ૯ વોર્ડની ૩૬ બેઠકો માટે શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે. ધોરાજીમાં ગત ૫ વર્ષથી કોંગ્રેસનું શાસન હતું. ત્યારે ધોરાજીમાં રોડ-રસ્તા તેમજ પાણીના કોઈ કામો ન થયા હોવાનો ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડેલીયાએ આક્ષેપ કર્યો હતો. જ્યારે છેલ્લા ૨ વર્ષથી પાલિકામાં વહીવટદાર શાસન છે. જેમાં ઘણા કામો થયા છે. કોંગ્રેસે ઉપલેટામાં ખનીજ માફિયા બેફામ બન્યા હોવાના આક્ષેપ કર્યા હતા. જેને ભાજપના ધારાસભ્યએ પાયાવિહોણા ગણાવ્યા.