નાગરિકોની સમસ્યાનો ઉકેલ ન આવતા ધારાસભ્યએ સબ ઝોનલ ઓફિસની તાળાંબંધી કરી

(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના જમાલપુર- ખાડિયા વિધાનસભા વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યા વકરી રહી છે. નાગરિકો દ્વારા આ અંગે વારંવાર ફરિયાદ કરવામાં આવતી હોવા છતાં સ્થાનિક ઈજનેર અધિકારીઓ તદ્દન નિષ્ક્રિય છે
તેથી ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને સ્થાનિક લોકોએ એકત્રિત થઈ જમાલપુર સબ ઝોનલ ઓફિસે રજુઆત કરવા ગયા હતા જયાં યોગ્ય પ્રતિભાવ ન મળતાં ઝોનલ ઓફિસના મુખ્ય બહારથી લોક કરી તેની ચાવી કમિશનરને સોંપી હતી. જોકે ઝોનના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર તરફથી ખાત્રી મળ્યા બાદ લોક ખોલવામાં આવ્યું હતું.
જમાલપુર ખાડિયા ના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા ના જણાવ્યા મુજબ તેમની વિધાનસભાના જમાલપુર, ખાડિયા તેમજ બહેરામપુરા વોર્ડના પ્રજાના પ્રશ્નો અને તેમની સમસ્યાઓ માટે દર સોમવારે પોતાના કાર્યાલય પર હાજર રહે છે. લોકો ની ડ્રેનેજ, પાણી, પથ્થર, અને અન્ય સમસ્યાઓનોં નિકાલ કરે છે. પરંતુ છેલ્લા ૧૫ દિવસ થી જમાલપુર વોર્ડ અને ખાડિયા વોર્ડ કે જે કોટ વિસ્તાર છે અને જ્યાં ડ્રેનેજ અને ગંદા પાણીની સમસ્યા રહે છે
ત્યાં છેલ્લા ૧૫ દિવસ આસ્ટોડિયા દરવાજા થી પાંચ પીપળી થી ઇસ્લામપૂરા થઈ નવી મસ્જીદ સુધીની મેઇન ડ્રેનેજ લાઇન ભરાવવા ના કારણે તેની સાથેની ઈન્ટરનલ લાઈનો ખારાવાલા ડેહલો, તાડની શેરીની, તમામ ગલીઓ, બોલવાલા ચોક, મોટા બંબા, પાનવાલી ગલી, કાજીના ધાબા, તાઈવાડા, તેમજ જમાલપુર હેબતખાન મસ્જીદ, બાવાજીની પોળ, વગેરે મેઇન લાઈનો સાથે કનેકટેડ પોળોમાં ડ્રેનેજની ખુબજ ગંભીર સમસ્યાઓ છે
વારંવાર ડ્રેનેજ ઉભરાય છે તેમજ ઉપરોક્ત સ્થળોએ પોલ્યુશન યુક્ત પાણી સવારના સપ્લાય થાય છે. તેમજ ખાડિયા વોર્ડના ખાટકીવાડ, ગોળલીમડા, નાડીયાવાડ, નગીના મસ્જીદ, મારુવાસ, અને ભાટિયારવાડ જેવા મુખ્ય વિસ્તારોમાં ડ્રેનેજની સમસ્યાઓં તેમજ બહેરામપુરા વોર્ડ ના કનુ દૂધાત ની ચાલી, ચેપીરોગ, સામે પણ ડ્રેનેજનું પાણી બેક મારે છે અને
જમાલપુર ખાડિયા વિધાનસભામાં ત્રણેય વોર્ડમાં ડ્રેનેજ અને ગંદા પાણીની સમસ્યાઓને ગંભીરતા થી લઈ લોકોના આરોગ્ય સાથે કોઈ હાનિ ન થાય તે માટે વોર્ડ કક્ષના અધિકારીઓ સાથે મિટિંગ કરતાં તેઓ પાસે કોઈ જવાબ ન હતો અને વિસ્તારની સમસ્યાઓના નિવારણની જવાબદારી વોર્ડ લેવલ ના આસી.સીટી.એન્જી થી લઈ સુપરવાઇઝર સુધીની હોય છે પરંતુ વોર્ડ કક્ષાના અધિકારીઓ પોતાની ફરજ બજાવતા ન હોવાથી જમાલપુર સબ ઝોનલ ઓફિસને તાળાં બંધી કરી હતી અને તાળાંની ચાવી .મ્યુ. કમિશનર ને સોંપી હતી.
આ સમગ્ર મુદ્દે ડે. મ્યુ. કમિશનર મધ્યઝોન તથા આસી.મ્યુ. કમિશનર તથા એડી.સિટી.એન્જી સાથે રૂબરૂ મિટિંગ કરી તમામ સમસ્યાઓથી તેઓને વાકેફ કર્યા હતા. ડે. મ્યુ. કમિશનર મધ્યઝોન દ્વારા એક અઠવાડિયામાં તમામ કામો પૂર્ણ કરી આપવા તેમજ રોજ બરોજ ની પ્રજાના સમસ્યાઓને ટોપ પ્રાયોરીટી થી પૂર્ણ કરવાનું ચોક્કસ આશ્વાસન આપ્યું છે
પરંતુ આવનાર દિવસોમાં પ્રજાના પ્રાથમિક પ્રશ્નોનોં નિરાકરણ અ.મ્યુ.કો દ્વારા ન કરવામાં આવે તો મ્યુ. કમિશનર ઓફિસ દાણાપીઠ ને પણ તાળાબંધી કરવામાં આવશે તેવી ચેતવણી પણ તેમણે આપી હતી.