GTUના કુલપતિ ડૉ. રાજુલ કે. ગજ્જરને ISTEની પ્રતિષ્ઠિત માનદ ફેલોશીપ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા

તા.14મી ફેબ્રુઆરીએ પંજાબના રોપર ખાતે આવેલ લામરીનટેક સ્કિલ યુનિવર્સિટીમાં ઈન્ડિયન સોસાયટી ફોર ટેકનીકલ એજયુકેશનના 54મો વાર્ષિક સમારોહમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના કુલપતિ ડૉ. રાજુલ કે. ગજ્જરને ઈન્ડિયન સોસાયટી ફોર ટેકનીકલ એજ્યુકેશન(ISTE), દિલ્હી દ્વારા તેની પ્રતિષ્ઠિત માનદ ફેલોશીપ આપવામાં આવી હતી.
આ સમારોહમાં પંજાબ સરકારશ્રના કેબિનેટ અને નાણાંમંત્રીશ્રી, AICTEના અધ્યક્ષશ્રી તેમજ ISTEના અધ્યક્ષશ્રીની ઉપસ્થિતિમાં કુલપતિ ડૉ. રાજુલ કે. ગજ્જરને આ માનદ ફેલોશીપથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ડૉ. રાજુલ ગજ્જરને તકનીકી શિક્ષણના વિવિધ આયામો જેમ કે, NEP-2020ના અમલમાં જીટીયુ દ્વારા દેશભરમાં હરણફાળ, શિક્ષણમાં સ્કિલ બેસ્ડ ટ્રેનિંગના કોર્સિસ, તકનીકી સંશોધન અને શિક્ષણને ઉદ્યોગો સાથે સંલગ્ન કરવાનો પ્રયાસ, ઇનોવેશન ઈકોસિસ્ટમને પ્રોત્સાહન બદલ આ માનદ ફેલોશીપ પ્રદાન કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ડૉ. ગજ્જરે દેશભરમાં AICTE અને NBA જેવી રેગ્યુલેટરી સંસ્થાઓના ઉચ્ચસ્તરીય કમિટીઓમાં અધ્યક્ષતા અને પ્રેરણાદાયક યોગદાનની પણ ISTE દ્વારા નોંધ લીધેલ છે. ઈન્ડિયન સોસાયટી ફોર ટેકનીકલ એજ્યુકેશન, દિલ્હીના ચેરમેનના અધ્યક્ષસ્થાને રચાતી સર્ચ કમિટી દ્વારા આ અંગે યોગ્ય ઉમેદવારોની શોધ કરીને આ ફેલોશિપ અપાતી હોય છે.