Western Times News

Gujarati News

અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાઓની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ

બોર્ડ પરીક્ષાઓના સુચારું આયોજન અંગે પરીક્ષા સ્થળ સંચાલકશ્રીઓ અને પ્રતિનિધિઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું

આગામી ૨૭ ફેબ્રુઆરીથી અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં શરૂ થઈ રહેલી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાઓના સુચારું આયોજન અને તૈયારીઓની સમીક્ષા અર્થે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અમદાવાદ-ગ્રામ્ય સુશ્રી કૃપાબેન જહાના અધ્યક્ષસ્થાને પરીક્ષા સ્થળ સંચાલકશ્રીઓ અને સરકારી પ્રતિનિધિઓની બેઠક સરખેજ માધ્યમિક શાળા ખાતે યોજાઈ હતી.

બેઠકમાં પરીક્ષાના સુચારુ આયોજન અને સફળ અમલીકરણ સુનિશ્ચિત કરવા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું તથા હકારાત્મક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

બેઠકમાં અમદાવાદ-ગ્રામ્યના ધોરણ ૧૦ ના ૦૪ ઝોન અને ધોરણ ૧૨ના ૦૪ ઝોન મળીને કુલ ૦૮ ઝોનના તમામ ૨૪૫ પરીક્ષા કેન્દ્રોના સ્થળ સંચાલકો અને ૪૩૬ સરકારી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી બોર્ડ પરીક્ષાઓમાં ગેરરીતીનો એક પણ કેસ થાય નહિ તે માટે જિલ્લાની તમામ શાળાઓને બોર્ડ દ્વારા નિયત થયેલ ‘શિક્ષા કોષ્ટક’ મોકલી આપવામાં આવ્યા છે. બેઠકમાં શાળાઓ વિદ્યાર્થીઓ સમક્ષ  ‘શિક્ષા કોષ્ટક’  મૂકે અને તે અંગેની વિસ્તૃત સમજ વિદ્યાર્થીઓને આપે તથા વિદ્યાર્થીઓ પ્રમાણિક રીતે પરીક્ષા આપે એવું વાતાવરણ સુનિશ્ચિત કરવા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

વધુમાં, વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રની અંદર  મોબાઈલ કે અન્ય કોઇપણ પ્રકારના ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ સાથે લઈને ન જાય તે માટે યોગ્ય ચકાસણી વ્યવસ્થા કરવા માટે પણ સૂચના આપવામાં આવી હતી.

સાથે જ, સમગ્ર પરીક્ષા દરમ્યાન પરીક્ષા સ્થળના સીસીટીવી સર્વેલન્સ અંગે સૌ ઉપસ્થિતોને બોર્ડની અદ્યતન સૂચનાની સમજ આપવામાં આવી હતી તેમજ માર્ગદર્શિકા મુજબ દરેક પરીક્ષા સ્થળ પર સીસીટીવીના સતત મોનીટરીંગ માટે અલગથી ‘સીસીટીવી મોનીટરીંગ સુપરવાઈઝર’ રાખવામાં આવે તે સુનિશ્ચિત કરવા જણાવવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.