ન્યૂઝીલેન્ડની વર્ક પરમિટને બહાને સાત યુવાનો સાથે રૂ.૭૦.૯૦ લાખનું ચીટિંગ

ક્રાઈમ બ્રાંચે બે એજન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધી
(એજન્સી) અમદાવાદ, અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરીને રહેતા ભારતીયોને ડિપોર્ટ કરવાની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે હજુ પણ લોકોને વિદેશમાં સ્થાયી થવાની ઈચ્છાઓ વધી રહી છે. લાખો કરોડો રૂપિયા ખર્ચીને કેનેડા, અમેરિકા, ન્યુઝીલેન્ડ સહિતના દેશોમાં સ્થાયી થવા માટે લોકો એજન્ટોનો સંપર્ક કરી રહ્યા છે. જેમાં કેટલાક એજન્ટો નિર્દોષ લોકોના રૂપિયા ચાંઉ કરીને ચીટિંગ આચરતા હોય છે.
ક્રાઈમ બ્રાંચના આર્થિક ગુના નિવારણ શાખામાં સાત યુવાનોનાં ભવિષ્ય સાથે ચેડાં કરનાર બે એજન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ન્યુઝીલેન્ડમાં વર્ક પરમિટ કરાવી આપવાની બાંયધરી આપીને બે એજન્ટે સાત યુવાનોનાં માતા-પિતા પાસેથી રૂ.૭૦.૯૦ લાખ ખંખેરી લીધા હતા. ક્રાઈમ બ્રાંચના આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
મેમનગર વિસ્તારમાં આવેલા સહજાનંદ રેસિડન્સીમાં રહેતા જયદીપ નાકરાણીએ ક્રાઈમ બ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખામાં દર્શિલ પટેલ અને જૈમિન પટેલ વિરુદ્ધ રૂ.૭૦.૯૦ લાખના ચીટિંગની ફરિયાદ કરી છે. જયદીપ નાકરાણી વિજય ચાર રસ્તા પાસે વિઝાલી નામની વિઝા કન્સલ્ટિંગનું તેમજ અભિવ્યક્તિ કમ્યુનિકેશન નામથી જાહેરાતો આપવાનું કામ કરીને ગુજરાન ચલાવે છે.
જયદીપે જાન્યુઆરી ર૦ર૦માં વિઝાલી કંપની સુરતથી અમદાવાદ ટ્રાન્સફર કરી હતી. ભારતીયો કોમન સેન્ટર ચલાવી વિઝા ટિકિટ, ઈમિગ્રેશન તેમજ વિવિધ યુનિવર્સિટી તથા રોજગાર માટે ઓનલાઈન અને ઓફલાઈન માર્ગદર્શન પુરું પાડતા હતા. નવેમ્બર ર૦ર૩માં ન્યુ રાણીપ ખાતે આવેલી માધવી બ્રિટિશ એકેડમી ફર્મના માલિક દર્શિલ પટેલે ન્યુઝીલેન્ડ વર્ક પરમિટની જાહેરાત ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરી હતી.
જયદીપ જાહેરાત વાંચીને તરત જ દર્શિલ પટેલને મળવા માટે તેની ઓફિસ પહોંચી ગયા હતા. ઓફિસે જતાંની સાથે જ દર્શિલે જણાવ્યું હતું કે ન્યુઝીલેન્ડ જવા માગતા લોકોને ૧૭ લાખ રૂપિયામાં મોકલી દેવામાં આવશે. ન્યુઝીલેન્ડ એરપોર્ટમાં લેન્ડ થયા બાદ તેમને રહેવાના સ્થળ સુધી પહોંચાડવાની તેમજ નોકરીની સુવિધા પણ ૧૭ લાખ રૂપિયામાં કરી આપવામાં આવશે. આ સાથે દર્શિલે જયદીપને એવું પણ કહ્યું હતું કે જવાની ટિકિટના રૂપિયા અલગથી ચુકવવાના રહેશે.
જયદીપને દર્શિલ પર વિશ્વાસ આવી જતાં તેમણે કુલ સાત લોકોને ન્યુઝીલેન્ડ મોકલવાની ડીલ કરી હતી. વેજલપુર ખાતે રહેતા તુષાર શર્મા, ઓઢવ ખાતે રહેતા વિશ્વ પટેલ, મહેસાણા જિલ્લામાં રહેતા વ્યોમ ચૌધરી, સાબરકાંઠા જિલ્લામાં રહેતા દ્રુપદ પટેલ, મહેસાણા જિલ્લાના કનોડિયા ગામનો નરેન્દ્રસિંહ પરમાર, ગાંધીનગર જિલ્લાનો વિવેક પટેલ અને ગાંધીનગર જિલ્લાની બ્લેશી પરેરાને ન્યુઝીલેન્ડ મોકલવાનું ફાઈલ થયું હુતં અને તેમના રૂપિયા નકકી કરવામાં આવ્યા હતા. સાતે યુવક અને યુવતીઓનાં ડોકયુમેન્ટ જયદીપે દર્શિલ તેમજ જૈમિન પટેલને આપ્યા હતા.
જયદીપ નાકરાણીએ સાત યુવક-યુવતીના કુલ રૂ.૭૦.૯૦ લાખ રૂપિયા દર્શિલ પટેલને આપ્યા હતા. રૂપિયા મોકલી આપ્યા બાદ દર્શિલ અને જૈમિન પટેલે વર્ક પરમિટ વિઝા નહીં અપાવતાં ચીટિંગ આચર્યું હતું બંને જણાએ ખોટા ખોટા ડોકયુમેન્ટ તેમજ વાયદા આપીને જયદીપ નાકરાણીને ગોળગોળ ફેરવ્યા હતા. દર્શિલ અને જૈમિને રૂપિયા પરત આપી દેવાની બાંયધરી આપી હતી, પરંતુ તેમને કોઈ રૂપિયા આપ્યા નહી અને ચીટિંગ આચર્યું હતું.
જયદીપ નાકરાણીએ તરત જ ક્રાઈમ બ્રાંચના આર્થિક ગુના નિવારણ શાખામાં પુરાવા સાથે ફરિયાદ કરી દીધી હતી. આર્થિક ગુના નિવારણ શાખાના કર્મચારીઓએ જયદીપની અરજી પર ઈન્વેસ્ટિગેશન કર્યા બાદ દર્શિલ અને જૈમિને રૂ.ે૭૦.૯૦ લાખનું ચીટિંગ આચર્યુ હોવાનો ભાંડો ફૂટયો હતો. ગઈકાલે કાઈમબ્રાંચે દર્શિલ પટેલ અને જૈમિન પટેલ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.