નિર્ભયાના દોષિતોની સુરક્ષા પર રોજ ૫૦ હજારનો ખર્ચ
નવી દિલ્હી, નિર્ભયા ગેંગ રેપ અને હત્યા કેસના ચારેય દોષિતોની સુરક્ષા પર હાલમાં જેલ વહીવટીતંત્ર દ્વારા દરરોજ ૫૦ હજાર રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે. આ ખર્ચ એ જ દિવસે શરૂ કરી દેવામાં આવ્યા હતા જે દિવસે તેમને ફાંસી પર લટકાવી દેવા માટે ડેથ વોરંટ જારી કરવામાં આવ્યા હતા. સેલની બહાર ૨૪ કલાક તૈનાત કરવામાં આવેલા ૩૨ સુરક્ષા ગાર્ડ તેમજ ફાંસી આપવા માટે કરવામાં આવી રહેલા અન્ય કામો પર આ પૈસા ખર્ચ કરવામાં આવી રહ્યા છે. સિક્યુરિટી ગાર્ડની દર બે કલાકમાં નોકરી બદલાઇ રહી છે. સિક્યુરિટી ગાર્ડ આરામ કરી શકે તે માટે તેમના શિફ્ટ બદલી દેવામાં આવે છે. સેલની બહાર રહીને પોતાની નજર સતત રાખી શકે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેલ સુત્રોના કહેવા મુજબ ચારેય કાતિલને તિહારની જેલ નંબર ૩માં અલગ અલગ સેલમાં રાખવામાં આવ્યા છે.
દરેક દોષિતના સેલની બહાર બે સિક્યુરીટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. જે પૈકી એક હિન્દી અને અંગ્રેજી જ્ઞાન ધરાવનાર તમિળનાડુ સ્પેશિયલ પોલીસના જવાનો તેમજ એક તિહાર જેલના જવાનો હોય છે. દરેક બે કલાકમાં ગાર્ડને આરામ આપવામાં આવે છે. શિફ્ટ બદલાઇ ગયા બાદ બીજા ગાર્ડને તૈનાત કરી દેવામાં આવે છે. દરેક એક કેદી માટે ૨૪ કલાક માટે આઠ આઠ સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. એટલે કે ચાર કેદીઓ માટે કુલ ૩૨ ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. આ તમામ ગાર્ડ ૨૪ કલાકમાં ૪૮ કલાક સુધી કામ કરી રહ્યા છે. જેલ અધિકારીઓએ કહ્યુ છે કે ડેથ વોરંટ જારી થઇ ગયા પહેલા તેમને અન્ય કેદીઓ સાથે રાખવામાં આવ્યા હતા. જા કે ડેથ વોરંટ જારી કરવામાં આવ્યા બાદ જેલમાં આપઘાત ન કરી લે તે માટે અથવા તો કોઇ ભાગી જવાના પ્રયાસ ન કરવામાં આવે તે માટે સુરક્ષા મજબુત કરવામાં આવી છે.
કોઇ ગતિવિધી ન કરે તે માટે પણ પગલા લેવામાં આવી રહ્યા છે. દરેક બે કલાકની શિફ્ટમાં ડબલ ગાર્ડ મુકવામાં આવ્યા છે. સાથે સાથે સીસીટીવી પણ રાખવામાં આવ્યા છે. તમામ લોકો જાણે છે કે તેમને ફાંસી આપવા માટેની નવી તારીખ નક્કી કરવામાં આવી ચુકી છે. પહેલી ફેબ્રુઆરીના દિવસે તેમને ફાંસી આપવામાં આવનાર છે. હવે જલ્લાદને ૩૦મી જાન્યુઆરીના દિવસે બોલાવવામાં આવી રહ્યો છે. જેથી તેમને ફાંસી આપતા પહેલા ટ્રાયલ પણ કરી શકે. બુધવારના દિવસે એટલે કે ગઇકાલે પવન અને વિનયના પરિવારના સભ્યોએ જેલમાં તેમની સાથે વાત કરી હતી. બુધવારના દિવસે પણ તેમની મુલાકાત કરાવવામાં આવી હતી. નિર્ભયાના મામલે ઉંડી તપાસનો દોર ચાલ્યો હતો. તમામ કાયદાકીય પ્રક્રિયા હવે પૂર્ણ કરવામાં આવી ચુકી છે. દોષિતો માટે હવે વિકલ્પો રહ્યા નથી. તેમની તમામ પ્રકારની અરજીઓને ફગાવી દેવામાં આવી છે. જાણકાર લોકોના કહેવા મુજબ તેમના માટે હવે બચવાની બાબત શક્ય દેખાઇ રહી નથી.