આગામી સાત દિવસમાં ૮૦ હજાર ગુજરાતીઓ પ્રયાગરાજ પહોંચશે

પ્રયાગરાજ મહાકુંભમાં ગુજરાતી શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું
(એજન્સી)અમદાવાદ, મહાકુંભનો મહિમા એવો છે કે દરેક વ્યક્તિ સંગમમાં ડૂબકી મારવા માંગે છે. છેલ્લા એક મહિનામાં અમદાવાદથી ૧પ લાખથી વધુ શ્રદ્ધાળુ મહાકુંભ માટે પ્રયાગરાજ રવાના થયા છે. તેમાંથી કેટલાક લોકો ટ્રેન દ્વારા અને કેટલાક ભકતો બસ અને ખાનગી વાહન દ્વારા પ્રયાગરાજ જવા રવાના થયા હતા. પ્રયાગરાજ મહાકુંભમાં ડૂબકી લગાવવા માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતી શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર પ્રયાગરાજ તરફ જવા માટે ઉમટી પડયું છે.
આરટીઓએ અત્યાર સુધીમાં ૧પ૦૦ જેટલી સ્પેશિયલ પરમીટ જારી કરી છે. એટલું જ નહીં અગામી સાત દિવસમાં ૮૦ હજાર ગુજરાતીઓ પ્રયાગરાજ જાય તેવી પણ શક્યતા છે. ર૬મી ફેબ્રુઆરી સુધી અમદાવાદથી પ્રયાગરાજ જતી તમામ ટ્રેનોમાં રિગ્રેટ સ્ટેટસ છે. કન્ફર્મ ટિકિટ તો સ્વપ્ન સમાન છે પરંતુ વેઈટીંગ ટિકિટ પણ મેળવવી મુશ્કેલ છે.
વેઈંટીંગ ટિકિટ ઉપલબ્ધ ન હોવાને કારણે મોટી સંખ્યામાં મુસાફરો પણ અમદાવાદથી ખાનગી બસ દ્વારા રવાના થયા હતા. દરરોજ વિવિધ ટૂર અને ટ્રાવેલ્સની પ૦ જેટલી બસ શહેરથી પ્રયાગરાજ જવા રવાના થઈ રહી છે. મહાકુંભ મેળાનો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે. ત્યારે અમદાવાદ સહિત રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓનો મહાસાગર પવિત્ર સ્નાન માટે પ્રયાગરાજ તરફ ઉમટી રહ્યો છે.
ર૬મીના રોજ અંતિમ સ્નાન અને ભારે ભીડ હોવાના પગલે ર૧મીએ શહેરમાંથી મોટી સંખ્યામાં ખાનગી ટ્રાવેલ્સની બસ ઉપડી રહી છે. લોકો ભીડના કારણે ડરી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ ભીડ પહેલાં વિચિત્ર ગંગામાં ડૂબકી લગાવવા બે દિવસ વહેલા પહોંચી રહ્યા છે. મુસાફરો અમદાવાદથી પ્રયાગરાજ જતી બસનું ઓનલાઈન બુકિંગ લઈ રહ્યા છે. સ્થીતિ એવી છે કે આ બસનું સ્લિપર ભાડું ટ્રેનના સેકન્ડ એસી જેટલું થઈ ગયું છે. યાત્રી દીઠ ૪૦૦૦ રૂપિયા સુધીનું ભાડું વસૂલવામાં આવે છે.
મહાકુંભની તારીખ લંબાવવા અંગે સ્પેશિયલ મીડિયા પર ફેલાતી અફવા પર પ્રયાગરાજના જિલ્લા કલેકટરે સ્પષ્ટતા કરી છે. તેમણે ભકતોને અપીલ કરી કે તેઓ કોઈપણ પ્રકારની અફવા પર ધ્યાન ન આપે કારણ કે સરકાર અને વહીવટી તંત્ર તરફથી મેળાની તારીખ લંબાવવાનો કોઈ પ્રસ્તાવ નથી. હાલમાં સોશિયલ મીડિયા પર મહાકુંભ વિશે એક અફવા છે કે પ્રયાગરાજ મહાકુંભમાં ભારે ભીડને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર, મહાકુંભ મેળા અને જિલ્લા વહીવટી તંત્રે મેળાને માર્ચ સુધી લંબાવ્યો છે.
પ્રયાગરાજના ડીએમ રવિન્દ્ર મંધડે આવી અફવાઓને સંપૂર્ણપણે નકારી કાઢી છે તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે આ માત્ર અફવા છે. મહાકુંભ ર૬ ફેબ્રુઆરીના રોજ નિર્ધારિત તારીખે સમાપ્ત થશે.
બાકી રહેલા દિવસોમાં લોકો આરામદાયક સ્નાન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સંગમમાં સ્નાન કર્યા પછી લોકો તેમના ગંતવ્યસ્થાને પાછા ફરે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દારાગંજમાં પ્રયાગ સંગમ સ્ટેશન બંધ છે. આ સ્ટેશન મેળાની બાજુમાં હોવાથી અહીં મોટી ભીડ એકઠી ન થાય તે માટે તેને કાયમી ધોરણે બંધ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્ય સ્ટેશનો કાર્યરત છે અને ત્યાંથી મોટી સંખ્યામાં લોકો અવર-જવર કરી રહ્યા છે.