મોડાસાને દબાણમુક્ત બનાવવા 26થી વધુ દબાણો દૂર કરાયા

૧૭ દુકાનોમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયો, જાહેરમાં ગંદકી બદલ ર૮ વેપારીઓ સામે કાર્યવાહી
મોડાસા, મોડાસા નગરના મુખ્ય માર્ગો ઉપર ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટયો છે. મુખ્ય માર્ગો ઉપર અડચણરૂપ હાથલારીઓ અને કેબિનો ખડકી દેવામાં આવતા નગરપાલિકાના પ્રમુખ વિરજભાઈ શેઠ અને મુખ્ય અધિકારી ભદ્રેશભાઈ પટેલે આદેશ કરી ગેરકાયદેસર દબાણો હટાવવા જણાવતાં નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહીના ભાગરૂપે મંગળવારે ર૬થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને પાલિકા દ્વારા ૧૭ દુકાનોમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટીકનો જથ્થો પણ ઝડપી જપ્ત કર્યો હતો અને દંડનીય કાર્યવાહી કરી હતી.
મોડાસા નગરના જાહેર માર્ગો પરથી અડચણરૂપ ર૬થી વધુ દબાણો દૂર કરાતા વહીવટકર્તા અને લોકોને હાશકારો થયો હતો તેમજ મોડાસા નગરપાલિકાની જુદી જુદી બે ટીમો દ્વારા સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત હાથ ધરાયેલ ચેકિંગ હેઠળ જાહેર રોડ ઉપર ગંદકી ફેલાવતા કસૂરવાર ર૮ વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી રૂ.૪પ૦૦/-નો દંડ વસૂલ્યો હતો.
પ્રમુખ નિરજભાઈ શેઠ અને મુખ્ય અધિકારી ભદ્રેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સેનેટરી ઈન્સ્પેકટર સુનિલ રાજપુરોહિતની રાહબરી હેઠળ બે ટીમો મોડાસા નગરના શામળાજી રોડ અને મેઘરજ રોડના વિસ્તારમાં આવેલ વાણિજય એકમોના સ્થળોએ હાથ ધરાયેલી તપાસમાં જાહેર રોડ ઉપર ગંદકી ફેલાવતા ર૮ વેપારીઓ ઝડપાયા હતા તેમના પાસેથી રૂ.૪પ૦૦/-નો દંડ વસૂલ્યો હતો.
મોડાસા નગરના માલપુર રોડ અને કોલેજ રોડ ઉપરના કુલ ર૬ દબાણો દૂર કરાયા તે કામગીરીને આવકારી નગરજનોએ બિરદાવી હતી, પરંતુ લોકમૂખે ચર્ચાય છે તે મુજબ નહેરૂ કેબિન એસો.ના ૮૯ કેબિન ધારકોએ તેમના કબજાવાળી કેબિનની જગાના બદલે તેટલા જ માપની દુકાનની જમીન યોગ્ય વ્યાજબી કિંમત લઈ કેબિન ધારકોને સરકારે વેચાણ આપતાં તે બે સ્થળોએ નહેરૂ શોપિંગ સેન્ટર નિર્માણ પામ્યુ છે
જેથી તા.ર૬ ફેબ્રુઆરી સુધીમાં કેબિન હટાવી જગ્યા ખુલ્લી કરી શોપિંગમાં પોતાની દુકાનનો કબજો લેવાનો છે, પરંતુ ત્યારબાદ નગરપાલિકાએ આ કેબિનવાળી રોડને લગત ખાલી કરેલ જમીન ઉપર ફૂટપાથ બનાવી ટ્રાફિક સમસ્યા દૂર કરી શકાશે. નગરપાલિકાના વહીવટકર્તાઓને ધ્યાન રાખવાની ફરજ રહેશે કે તે ખાલી કરેલ કેબિનવાળી જમીન ઉપર ફરીથી કોઈ બીજા કેબિન કે હાથલારીવાળા કબજો કરે નહી તેનો અમલ કરવાનો રહેશે. બે કેબિનવાળાઓએ રકમ ભરી નથી કે કબજો છોડયો નથી કે નવી દુકાનનો કબજો લીધો નથી તે વિવાદ ઉકેલવો પડશે.