Western Times News

Gujarati News

રાજ્યના વીજગ્રાહકોને વર્ષ-૨૦૨૪ દરમિયાન કુલ ૨૦૦૪ કરોડની રાહત અપાઈ: ઊર્જા મંત્રી 

વર્ષ દરમિયાન બે વખત વીજ દરોમાં ઘટાડો કરાયો-છેલ્લાં ત્રણ વર્ષમાં રાજ્યની રિન્યૂએબલ ઊર્જા ઉત્પાદન ક્ષમતા ૧૫,૪૦૦  મેગાવોટથી વધારી ૩૨,૩૦૦ મેગાવોટ કરવામાં આવી: ઊર્જા મંત્રીશ્રી

રાજ્ય વિધાનસભાના બજેટ સત્રમાં રાજ્યના ગ્રાહકોને  અપાયેલી વીજરાહત અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વર્ષ-૨૦૨૪ દરમિયાન રાજ્યમાં બે વખત વીજદરોમાં ઘટાડો કરવામાં આવતાં કુલ સરેરાશ રૂ. ૨૦૦૪ કરોડની રાહત આપવામાં આવી છે.

આ અંગેની વિગતો આપતાં ઊર્જા મંત્રીશ્રીએ જણાવ્યું કે વીજ નિયમન પંચ દ્વારા દર ત્રણ મહિને રાજ્યમાં જે પ્રમાણમાં વીજ ઉત્પાદન થાય, તેની સામે થયેલા ખર્ચની ગણતરી કરીને તે મુજબ ફ્યૂઅલ ચાર્જ નિયત કરવામાં આવે છે. A total relief of Rs 2004 crore will be provided to the electricity consumers of the state during the year 2024: Energy Minister

મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાત સમગ્ર દેશમાં રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે સોલાર અને વિન્ડ એનર્જીમાં અગ્રસ્થાને છે. છેલ્લાં ત્રણ વર્ષમાં રાજ્યની કુલ રિન્યૂએબલ ઊર્જા  ઉત્પાદન ક્ષમતા ૧૫,૪૦૦ મેગાવોટથી વધીને ૩૨,૩૦૦ મેગાવોટ કરવામાં આવી છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન બે વખત વીજ દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તા. ૧-૧-૨૦૨૪ની અસરથી યુનિટદીઠ ૫૦ પૈસા, જ્યારે તા. ૧-૧૦-૨૦૨૪થી ૪૦ પૈસા એમ બે વખત ઘટાડો કરવામાં આવતાં વર્ષ-૨૦૨૪માં વીજગ્રાહકોને કુલ રૂ. ૨૦૦૪ કરોડની સરેરાશ રાહત આપવામાં આવી છે. વીજ નિયમન પંચ દ્વારા આગામી સમીક્ષા ન થાય ત્યાં સુધી રાજ્યના ૧ કરોડ ૫૦ લાખ વીજગ્રાહકો માટે આ ઘટાડો લાગુ રાખવામાં આવશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

આ ઘટાડાથી વર્ષ-૨૦૨૪ દરમિયાન જુનાગઢ જિલ્લાના ૪,૩૯,૯૧૭ વીજગ્રાહકોને કુલ રૂ. ૧૬.૬૮ કરોડની રાહત આપવામાં આવી હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

આ જ પ્રકારે, રાજ્યના બીપીએલ કાર્ડ ધારકોને વીજબિલના દરોમાં અપાતી રાહત અંગે ઊર્જા મંત્રીશ્રીએ જણાવ્યું કે અન્ય રહેણાંક વિસ્તારોના વીજ ગ્રાહકોની સરખામણીએ બીપીએલ કાર્ડધારકો માટે વીજદરો ઓછા હોય છે. જે મુજબ રહેણાંક વિસ્તારના ગ્રાહકો માટે ફિક્સ્ડ ચાર્જ રૂ. ૧૫/-થી ૭૦/- છે, જ્યારે બીપીએલ કાર્ડધારકો માટે ફિક્સ્ડ ચાર્જ રૂ. ૫/- છે. આ જ પ્રાકારે ગ્રામ્ય વિસ્તારોમાં પ્રથમ ૫૦ યુનિટદીઠ ચાર્જ રૂ. ૨.૬૫, જ્યારે શહેરી વિસ્તારોમાં પ્રથમ ૫૦ યુનિટના રૂ. ૩.૦૫ની સરખામણીએ બીપીએલ કાર્ડધારકો માટે પ્રથમ ૫૦ યુનિટ દીઠ રૂ. ૧.૫૦ લેખે વીજ ચાર્જ આકારવામાં આવે છે.

વધુમાં, મંત્રીશ્રીએ જણાવ્યું કે, જ્યોતિગ્રામ યોજનાનો લાભ મેળવતાં દરિયાકાંઠાના વિસ્તારોમાં કેબલિંગના કામનું નવીનીકરણ કરવાનું પણ આયોજન છે, જેના માટે નાણાકીય અંદાજપત્રમાં પણ આયોજન કરવામાં આવ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.