Western Times News

Gujarati News

ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ્દ કરવા બાબતનું વિધેયક સર્વાનુમતે વિધાનસભામાં પસાર કરાયું

રાજ્યમાં “ગુજરાત સ્ટેટ એલાઈડ એન્‍ડ હેલ્થકેર કાઉન્‍સિલ”  અમલમાં આવતા ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ્દ થશે

ગુજરાત સ્ટેટ કાઉન્સીલ ફોર ફિઝિયોથેરાપીની તમામ કામગીરી , કાઉન્સીલનું ફંડ , સંસાધનો, માનવબળ, તેમના તમામ અધિકાર અને જવાબદારીઓ હવે “ગુજરાત સ્ટેટ અલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલ“ માં તબદીલ થશે

ગુજરાત સ્ટેટ એલાઈડ એન્‍ડ હેલ્થકેર કાઉન્‍સિલ દ્વારા ફિઝીયોથેરાપી કાઉન્‍સિલની તમામ કામગીરી આવરી લેવામાં આવનાર હોઇ રાજ્યમાં અલાયદી ફિઝીયોથેરાપી કાઉન્સિલની હવે જરૂરીયાત રહેતી નથી-આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે આજે ૧૫મી વિધાનસભાના છઠ્ઠા સત્રમાં ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ(રદ્દ કરવા બાબત)નું વિધેયક ગૃહમાં રજૂ કર્યું હતુ.

આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે આ બિલ અંગેની વિગતો ગૃહ સમક્ષ રજુ કરતા જણાવ્યુ હતું કે, ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ એક્ટ, ૨૦૧૧ રાજ્યમાં અમલમાં હતો. જેના અંતર્ગત ગુજરાત સ્ટેટ કાઉન્‍સીલ ફોર ફિઝીયોથેરાપીની રચના કરાઇ હતી. Bill to cancel Gujarat State Physiotherapy Council passed unanimously in Assembly

તાજેતરમાં ભારત સરકારે “નેશનલ કમિશન ફોર એલાઇડ એન્‍ડ હેલ્થકેર પ્રોફેસન્‍સની” રચના કરેલ છે. આ કમિશનનો હેતુ દેશભરના એલાઈડ અને હેલ્થકેર વ્યવસાયિકોના શિક્ષણ અને સેવાઓના ધોરણોના નિયમન અને દેખરેખ, સંસ્થાઓનું મુલ્યાંકન, સેન્ટ્રલ અને સ્ટેટ રજીસ્ટરની જાળવણી, રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિગેરે કરવા માટેનો છે.

આ એક્ટ હેઠળ કુલ-૫૬ પ્રકારના એલાઈડ અને પેરામેડીકલ અભ્યાસક્રમોનો સમાવેશ કરીને ૧૦ કેટેગરીમાં વિભાજિત કરાયા છે.

ભારત સરકારના આ કાયદાની કલમ-૨૨ની જોગવાઈ મુજબ દરેક રાજ્યએ સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થ કેર કાઉન્સિલની રચના કરવાની થતી હોવાથી ગુજરાત સરકારે પણ તા.૨૬/૧૧/૨૦૨૪ના જાહેરનામાથી “ગુજરાત સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થ કેર કાઉન્સિલ”ની રચના કરી છે. જેમાં તા.૨૦/૧૨/૨૦૨૪ના જાહેરનામાથી ચેરમેન તથા વિવિધ સભ્યોની પણ નિમણૂંક પણ કરાઇ છે.

ભારત સરકારના એક્ટમાં સમાવિષ્ટ કુલ-૫૬ વિવિધ એલાઈડ હેલ્થકેર અભ્યાસક્રમોમાં ફિઝીયોથેરાપી કોર્ષનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. ગુજરાતમાં હાલમાં ઉક્ત ૫૬ અભ્યાસક્રમો પૈકી અંદાજે ૩૦ જેટલા અભ્યાસક્રમો ચાલે છે.

રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલ સ્ટેટ એલાઈડ એન્‍ડ હેલ્થકેર કાઉન્‍સિલ દ્વારા ફિઝીયોથેરાપી કાઉન્‍સિલની તમામ કામગીરી પણ આવરી લેવામાં આવનાર હોવાથી ફિઝીયોથેરાપી કાઉન્સિલની હવે જરૂરીયાત રહેતી નથી તેમ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું

જેના પરિણામે  આજનું રદ્દ કરવા બાબત વિધેયક ગુજરાત વિધાનસભામાંથી પસાર થતા રાજ્યમાં ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર ફિઝીયોથેરાપી એક્ટ-૨૦૧૧નો અંત આવશે તેમ ઉમેર્યું હતું.

ફિઝીયોથેરાપી કાઉન્‍સિલના અંતની સાથે કાઉન્‍સિલમાં કાર્યરત તમામ સ્ટાફને નવી બનાવવામાં આવેલ “ગુજરાત સ્ટેટ એલાઈડ એન્‍ડ હેલ્થકેર કાઉન્‍સિલ”માં સમાવી લેવામાં આવશે અને તેઓ આ નવી કાઉન્‍સિલમાં કાર્ય કરશે.

ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ એક્ટ, ૨૦૧૧ હેઠળની ગુજરાત સ્ટેટ કાઉન્સીલ ફોર ફિઝિયોથેરાપીની તમામ કામગીરી , કાઉન્સીલનું ફંડ સંસાધનો, માનવબળ, તેમના તમામ અધિકારો અને જવાબદારીઓ સાથે સ્ટેટ અલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલને તબદીલ થશે. અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં હાલ ૦૫ સરકારી તેમજ ૬૮ સ્વ-નિર્ભર મળીને કુલ-૭૩ ફિઝિયોથેરાપી કોલેજો કાર્યરત છે, ફિઝીયોથેરાપી કાઉન્સિલમાં તા.૧૭-૦૨-૨૦૨૫ની સ્થિતિએ કુલ ૨૧,૬૬૮ ફિઝીયોથેરાપીસ્ટોનું રજીસ્ટ્રેશન થયેલ છે.

ભારત સરકારના એક્ટ હેઠળ કુલ-૫૬ પ્રકારના એલાઈડ અને પેરામેડીકલ અભ્યાસક્રમોનો સમાવેશ કરવામાં આવેલ છે. જેને ૧૦ કેટેગરીમાં વિભાજિત કરેલ છે.

(૧) મેડીકલ લેબોરેટરી અને લાઈફ સાયન્સિસ કેટેગરીમાં –  ૧૧  કોર્સ  

(૨) ટ્રોમા, બર્નકેર અને સર્જીકલ/એનેસ્થેશિયા રીલેટેડ ટેક્નોલોજી – ૬ કોર્સ

(૩) ફિઝીયોથેરાપી પ્રોફેશનલ – ૧  કોર્સ

(૪) ન્યુટ્રીશન સાયન્સ પ્રોફેશનલ – ૨ કોર્સ

(૫) ઓપ્થેલ્મિક સાયન્સ પ્રોફેશનલ – ૩ કોર્સ

(૬) ઓક્યુપેશનલથેરાપી પ્રોફેશનલ – ૧ કોર્સ

(૭) કોમ્યુનિટી કેર, બીહેવરલ હેલ્થ સાયન્સિસ અને અધર પ્રોફેશનલ્સ – ૧૪ કોર્સ

(૮) મેડીકલ રેડીયોલોજી, ઈમેજીંગ એન્ડ થેરાપ્યુટીક ટેક્નોલોજી પ્રોફેશનલ – ૫ કોર્સ

(૯) મેડીકલ ટેક્નોલોજીસ્ટ એન્ડ ફિઝીશિયન એસોસીયેટ – ૯ કોર્સ

(૧૦) હેલ્થ ઈન્ફોર્મેશન મેનેજમેન્ટ એન્ડ હેલ્થ ઈન્ફોર્મેટીક પ્રોફેશનલ – ૪ કોર્સ

આ વિધેયકની ચર્ચામાં ધારાસભ્ય સર્વ શ્રી શૈલેષભાઇ પરમાર, પાયલબેન કુકરાણી, દર્શનાબેન દેશમુખ , કિરીટ ભાઇ પટેલ, મુકેશકુમાર પટેલ, ઉમેશભાઇ મકવાણા અને રિવાબા જાડેજા એ પોતાના વિચારો રજૂ કર્યા હતા. ચર્ચા ના અંતે આ વિધેયક ગૃહમાં સર્વાનુમતે પસાર કરાયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.