ટ્રમ્પ ભારત આવતાં પહેલાં પાકિસ્તાન જશે
વોશિંગ્ટન, પાકિસ્તાનનાં વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ બુધવારનાં જાણકારી આપી છે કે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ જલદી તેમના દેશનો પ્રવાસ કરી શકે છે. મહેમૂદ કુરૈશીએ જણાવ્યું કે દાવોસમાં પ્રધાનમંત્રી ઇમરાન ખાન સાથેની મુલાકાત દરમિયાન ટ્રમ્પે પાકિસ્તાન આવવાનું આશ્વાસન આપ્યું છે. ઇમરાન ખાન સ્વિટઝરલેન્ડનાં દાવોસમાં ચાલી રહેલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. કુરૈશીએ જણાવ્યું કે દાવોસમાં ટ્રમ્પ અને ઇમરાન ખાનની કલાક સુધી ચાલેલી મુલાકાત દરમિયાન અનેક મહત્વનાં મુદ્દાઓ પર ચર્ચા થઈ. આ બેઠકમાં કુરૈશી તેમજ ટ્રમ્પની સંપૂર્ણ ટીમ પણ સામેલ થઈ.
કુરૈશીએ કહ્યું કે, “પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાને મુલાકાતમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો અને ટ્રમ્પે પણ આ વાતને લઇને સહમતિ વ્યક્ત કરી કે કાશ્મીર વિવાદનું સમાધાન નીકાળવામાં આવવું જોઇએ.” જો કે અમેરિકા તરફથી આવું કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું. કુરૈશીએ કહ્યું કે, “ટ્રમ્પની મુલાકાતમાં વેપારને લઇને ચર્ચા થઈ અને અમેરિકાનાં એક વેપારી પ્રતિનિધિમંડળ પાકિસ્તાનનાં પ્રવાસે આવશે.”
ઇમરાન ખાન સાથે મુલાકાત પહેલા ટ્રમ્પે મંગળવારનાં પ્રેસ વાર્તામાં કાશ્મીર મુદ્દા પર ભારત-પાકિસ્તાનની વચ્ચે મધ્યસ્થતાનો પ્રસ્તાવ આપ્યો હતો. ટ્રમ્પે કહ્યું હતુ કે, “વર્તમાનમાં અમેરિકા પાકિસ્તાનની જેટલું નજીક આવ્યું છે તેટલું પહેલા ક્યારેય નથી આવ્યું.” ટ્રમ્પે કહ્યું હતુ કે, “અમે કાશ્મીર પર વાત કરવા માટે તૈયાર છીએ. જો અમે મદદ કરી શકીએ છીએ તો નિશ્ચિત રીતે તૈયાર છીએ.” જો કે ભારતે કેટલાક કલાક બાદ જ તેમના પ્રસ્તાવને ફગાવી દીધો હતો.
રિપોર્ટ્સ પ્રમાણે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફેબ્રુઆરી મહિનામાં ભારતનાં પ્રવાસે આવનારા છે. આ દરમિયાન અમેરિકાનાં હ્યૂસ્ટન શહેરમાં આયોજિત કરવામાં આવેલા ‘હાઉડી મોદી’ જેવો જ ‘હાઉડી ટ્રમ્પ’ કાર્યક્રમ થઈ શકે છે.