ઉજ્જૈનના મહાન સમ્રાટ રાજા વિક્રમાદિત્ય અને તેમની કૂળદેવી હરસિદ્ધિ માતાની કથા

ઉજ્જૈનનું પ્રાચિન નામ અવંતિકા હતું.અવંતિકા સપ્તપુરીમાંની એક છે.અહીયાં જ્યોતિર્લિંગની સાથે સાથે શક્તિપીઠ પણ આવેલું છે.ક્ષિપ્રા નદીના કિનારે વસેલ આ નગરીમાં અનેક મહાન રાજાઓ થયા તે પૈકીના એક હતા ચક્રવર્તી સમ્રાટ વિક્રમાદિત્ય.ઉજ્જૈનના રાજા નાબોવાહનના પૂત્ર ગંધર્વસેન અને તેમની પત્ની સૌમ્યદર્શના(વીરમતિ)ને ત્રણ સંતાન હતાં.
સૌથી મોટી પૂત્રી મૈનાવતી અને બે પૂત્રો ભતૃહરિ અને વિક્રમસેન હતા.મૈનાવતીનું લગ્ન ધારાનગરીના રાજા પદ્મસેન સાથે કરવામાં આવ્યું હતું જેમનાથી એક પૂત્ર ગોપીચંદનો જન્મ થયો હતો.ગોપીચંદે જ્વાલેન્દ્રર નાથ પાસેથી યોગ દિક્ષા લઇ તપસ્યા કરવા જંગલમાં ચાલ્યા ગયા હતા.મૈનાવતીએ પણ શ્રી ગુરૂ ગોરખનાથ પાસેથી દિક્ષા લીધી હતી.
આજે આપણા દેશમાં જે સંસ્કૃતિ છે તે વિક્રમાદિત્યને આભારી છે.અશોક મૌર્યે બૌદ્ધ ધર્મ અપનાવીને પચ્ચીસ વર્ષ રાજ કર્યું હતું.તે સમયે ભારતમાં સનાતન ધર્મ લગભગ સમાપ્ત થઇ જવાની અણી ઉપર હતો.લોકોએ બૌદ્ધ અને જૈન ધર્મ અંગિકાર કર્યો હતો.રામાયણ અને મહાભારત જેવા ગ્રંથો ખોવાઇ ગયા હતા.મહારાજ વિક્રમાદિત્યે પુનઃ તેને સ્થાપિત કર્યા હતા.ભગવાન શિવ અને વિષ્ણુના મંદિર બનાવ્યા અને સનાતન ધર્મને બચાવ્યો હતો.
વિક્રમાદિત્યના નવ રત્નોમાંના એક કાલિદાસે અભિજ્ઞાન શાકુંતલમ્ લખ્યું જેમાં ભારતનો ઇતિહાસ છે.તે સમયે ઉજ્જૈનના રાજા ભતૃહરિએ રાજપાટ પોતાના નાના ભાઇ વિક્રમાદિત્યને સોંપીને ગુરૂ ગોરખનાથ પાસેથી દિક્ષા લઇ જંગલમાં ચાલ્યા ગયા હતા.વીર વિક્રમાદિત્યે ગુરૂ ગોરખનાથ પાસેથી દિક્ષા લઇને રાજપાટ સંભાળવા લાગ્યા કે જેમના કારણે સનાતન ધર્મ અને અમારી સંસ્કૃતિ બચી છે.તે સૌથી લોકપ્રિય અને ન્યાયપ્રિય રાજા હતા.તેમનું સવિસ્તાર વર્ણન ભવિષ્યપુરાણ અને સ્કંદપુરાણમાં મળે છે.તેમને દેશને સોનાની ચિડીયા બનાવી સ્વર્ણિમ રાજ્ય બનાવ્યું હતું.
વિક્રમાદિત્યના સમયમાં સોનાના સિક્કા ચલણમાં હતા.હિંદુ કેલેન્ડર પણ વિક્રમાદિત્યે સ્થાપિત કર્યું છે.આજે જે જ્યોતિષ ગણના,હિન્દી સંવત્સર,વાર,તિથીઓ, રાશિ,નક્ષત્ર,ગોચર વગેરે તેમની રચના છે.તે ઘણા પરાક્રમી,બળવાન અને બુદ્ધિમાન રાજા હતા.તેઓમાનતા હતા કે “જે થવાનું હશે તે થશે જ અને જે નહીં થવાનું હોય તે નહીં થાય.”
વિક્રમાદિત્યને પાંચ પત્નીઓ હતી.મલયાવતી,મદનલેખા,પદ્મિની,ચેલ્લ અને ચિલ્લમહાદેવી.તેમને બે પૂત્રો વિક્રમચરિત અને વિનયપાલ તથા બે પૂત્રીઓ વિદ્યોત્તમા અને વસુંધરા.મહાકવિ કાલિદાસના પુસ્તક જ્યોતિર્વિદભરણ અનુસાર વિક્રમાદિત્ય પાસે ૩૦ મિલિયન સૈનિકો,૧૦૦ મિલિયન વાહનો,૨૫ હજાર હાથીઓ અને ૪૦૦ સમદ્રી જહાજોની એક સેના હતી.વિશ્વ વ્યાપાર સુગમતાથી થાય તે માટે તેમને વિશ્વમાં સૌથી પહેલી ૧૦૦ માઇલ લાંબી સડક બનાવી હતી.
સમ્રાટ વિક્રમાદિત્યના જીવનથી જ સિંહાસન બત્તીસી અને વિક્રમ-વેતાલ નામની કથાઓ જોડાયેલી છે.કહેવાય છે કે અવંતિકા નગરીની રક્ષા ચારેય દિશાઓમાં સ્થિત દેવીઓ આજે પણ કરે છે.વિક્રમાદિત્યને માતા હરસિદ્ધિ અને માતા બગલામુખીએ સાક્ષાત દર્શન આપી આર્શિવાદ આપ્યા હતા.માન્યતા અનુસાર ઉજ્જૈનના રાજા મહાકાળ છે અને તેમના આધિન રહીને જ કોઇપણ રાજા રાજ કરી શકે છે.
સુપ્રસિદ્ધ વિક્રમાદિત્ય ભારતમાં સંસ્કૃત અને સ્થાનિક ભાષાઓ એમ બંનેમાં ખૂબ લોકપ્રિય એવું પાત્ર છે.જે પણ ઘટના અથવા સ્થાપત્યની ઐતિહાસિક વિગતો અજાણી હોય તેની સાથે તેનું નામ સગવડતા માટે જોડી દેવામાં આવે છે,તેની આસપાસ વાર્તાઓનું આખું ચક્ર વિકસ્યું છે.સંસ્કૃતમાં તેમાંની બે સૌથી વધુ જાણીતી વાર્તાઓ છે વેતાલ પચ્ચિસી અને સિંહાસન-બત્રિસી.આ બંને કથાઓના વિવિધ સંસ્કરણો સંસ્કૃતમાં અને અન્ય સ્થાનિક ભાષાઓમાં જોવા મળે છે.
ભૂત-વેતાળની વાર્તાઓ એવી પચ્ચીસ વાર્તાઓ છે જેમાં રાજા એક ભૂતને પકડવાનો અને તેને કબજામાં રાખવાનો પ્રયત્ન કરે છે, આ ભૂત એક કોયડો ધરાવતી વાર્તા કહે છે અને રાજા માટે એક પ્રશ્ન મૂકીને તેને પૂરી કરે છે. ખરેખર તો પહેલાં એક સાધુએ ભૂતને પોતાની પાસે લઈ આવવા માટે રાજાનો સંપર્ક કર્યો હતો અને તેને કહ્યું હતું કે તેણે એમ એક શબ્દ પણ બોલ્યા વિના કરવું, નહીં તો ભૂત પાછું તેના સ્થાને ઊડીને જતું રહેશે.
હવે રાજા તો જ ચૂપ રહી શકે જો તેને ઉત્તર ખબર ન હોય, એ સિવાય ચૂપ રહે તો તેનું માથું ફાટી જાય. દુર્ભાગ્યે રાજાને ખબર પડી કે તેને દરેક પ્રશ્નનો જવાબ આવડે છે અને તેથી છેવટે જયાં સુધી છેલ્લા પ્રશ્ને વિક્રમાદિત્યને મૂંઝવ્યો નહીં ત્યાં સુધી ભૂતને પકડવાનું અને પછી તેના પાછા છટકી જવાનું ચક્ર સતત ચોવીસ વખત ચાલ્યું.આ વાર્તાઓનું એક વૃત્તાન્ત કથા-સરિતસાગરમાં કોતરેલું જોવા મળે છે.
સિંહાસનની વાર્તાઓ વિક્રમાદિત્યના સિંહાસન સાથે જોડાયેલી છે.આ સિંહાસન ખોવાઈ ગયું હતું અને સદીઓ પછી ધારના પરમાર રાજા,રાજા ભોજ તેને શોધી કાઢે છે.રાજા ભોજ પોતે સુપ્રસિદ્ધ હતો અને વાર્તાઓના આ સંગ્રહમાંની વાર્તાઓ તેના આ સિંહાસન પર બિરાજવાના પ્રયત્નો સાથે સંકળાયેલી છે.આ સિંહાસન બત્રીસ મહિલા પૂતળીઓથી શણગારાયેલું હતું અને આ પૂતળીઓ બોલી શકતી હતી,
પૂતળીઓ તેને સિંહાસન પર ચઢવા આહ્વાન આપતી પણ જો તે તેઓ જે વાર્તા કહે તેમાંના વિક્રમાદિત્ય જેટલું ઉદાર હૃદય ધરાવતો હોય તો જ તે આ સિંહાસન પર ચઢી શકે.આમ એમાં વિક્રમાદિત્યની બત્રીસ વાર્તાઓ છે અને દરેક કિસ્સામાં રાજા ભોજ પોતે તેનાથી નિમ્ન છે એમ સ્વીકારે છે.અંતે તેની નમ્રતાથી પ્રસન્ન થઈને પૂતળીઓ તેને સિંહાસન પર ચઢવા દે છે.
ઉજ્જૈનમાં જ્યોતિર્લિંગની સાથે સાથે ક્ષિપ્રા નદીના કિનારે શક્તિપીઠ આવેલું છે જ્યાં માતા હરસિદ્ધિ બિરાજે છે.માતા સતીના અંગ જ્યાં-જ્યાં પડ્યા ત્યાં શક્તિપીઠના રૂપમાં સ્થાપના થઈ.ધર્મગ્રંથોમાં કુલ એકાવન શક્તિપીઠો બતાવી છે.આ શક્તિપીઠોમાં એક માતા હરસિદ્ધિ છે.અહીં માતા સતીની કોણી પડી હતી.તેમનું મંદિર મઘ્યપ્રદેશના ઉજ્જૈન અને ગુજરાતના દ્વારકા બન્ને જગ્યાએ આવેલું છે.
માતાજીની સવારની પૂજા ગુજરાતમાં અને રાતની પૂજા ઉજૈનમાં થાય છે.માતાનું મૂળ મંદિર ગુજરાતના દ્વારકામાં આવેલું છે.અહીથી જ મહારાજ વિક્રમાદિત્ય તેમને પ્રસન્ન કરીને પોતાની સાથે ઉજ્જૈન લઈ ગયા હતા.આ વાતનું પ્રમાણ છે કે બન્ને દેવીઓનો પૃષ્ઠ ભાગ એક જેવો છે.આવો તેની કથા જોઇએ..
હાલાર અને સોરઠની ધરતીની સરદહ ઉપર આવેલ હરસિધ્ધિમાતાનું તીર્થધામ ભગવાન શ્રી કૃષ્ણ તથા રાજા વિક્રમાદિત્યના કુળદેવીનું સ્થાનક છે.હાલરના સાગરકાંઠાના ગાંધવી ગામની હદમાં મેઢાખાડીના કિનારે હરસિધ્ધિમાતાજીનું મંદિર આવેલ છે.કોયલા ડુંગર ઉપર આવેલ હરસિધ્ધિમાતાનું મંદિર ચાલુકય કાળનું મંદિર છે.અહીની આરતી અત્યંત અદભૂત હોય છે.લગભગ એક કલાક આરતી ચાલે છે.
એવું કહેવાય છે કે હરસિદ્ધિમાતા આરતી દરમ્યાન હાજર રહે છે.ત્યાં હિંડોળા છે જે આપોઆપ જુલવા માંડે છે.વાતાવરણ ખુબ જ શાંત છે.ત્યાં પ્રભાતસેન નામના રાજા રાજ્ય કરતા હતા.તેમને પ્રભાવતી નામની પતિવ્રતા રાણી હતી
જે હરસિદ્ધિમાતાની પરમ ભક્ત અને ઉપાસક હતી.કૌરવ-પાંડવ સમયે ભગવાન શ્રીકૃષ્ણે અસુરો અને જરાસંઘ પર વિજય પ્રાપ્ત કરવા માટે આ દેવીની આરાધના કરી હતી અને દ્વારકામાં વસ્યા પછી પણ તેઓ હર્ષદ માતાની આરાધના કરતા હતા આથી જ યાદવોના કુળદેવી તરીકે માતા હરસિધ્ધિ જાણીતા છે.
લોકવાયકા મુજબ કચ્છના જૈન વેપારી શેઠ જગડુશા વેપારીના વહાણોનો કાફલો દરિયાઈ તોફાનમાં ફસાયો ત્યારે તેમણે હરસિદ્ધિ માતાનું સ્મરણ કર્યું હતું.માતાજીએ શેઠની પરીક્ષા કરી હતી કે પુત્ર પરિવારનું બલિદાન આપે તો તારૂં વહાણ બચાવીશ.આ વાત ઉપર શેઠ જગડુશા કબુલ થયા હતા.તોફાનમાં ચડેલો કાફલો અહીં કોયલા ડુંગરના કાંઠે આવી ચડ્યો હતો.માતાની કૃપાથી શેઠ જગડુશાએ ઈ.સ.૧૩૦૦માં હાલના મંદિરનું નિર્માણ કર્યું હતું.
એકવાર નવરાત્રીના પવિત્ર તહેવાર દરમિયાન પ્રભાવતીની સાથે હરસિદ્ધિમાતા એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરીને ગરબે રમતાં હતાં.મહેલના ઉત્સવને જોતા રાજા પ્રભાતસેને આ સુંદર સ્ત્રી તરફ આકર્ષણ થાય છે તેથી મોડી રાત્રે જ્યારે માતાજીએ ટેકરી પર પાછા જવાનું શરૂ કર્યું ત્યારે રાજાએ તેમનો પીછો કરી માતાજી ઉપર કુદ્રષ્ટિ કરી તેથી માતાજી કોપાઇમાન થઇને રાજાને શ્રાપ આપ્યો કે તારે રોજ સવારે ઉકળતા તેલની કઢાઇમાં પડવું પડશે અને હું તારા શરીરનું ભક્ષણ કરીશ.
તારી રાણી પ્રભાવતીની ભક્તિના ફળસ્વરૂપે હું તને પુનઃ સજીવન કરીશ.ત્યારથી રાજા પ્રભાતસેન રોજ પોતાના શરીરનો ભોગ આપવા જતો હતો.આ શ્રાપના કારણે રાજા પ્રભાતસેનના સ્વાસ્થ્ય પર અસર થઇ અને તે ખૂબ જ નબળા અને પાતળા બન્યા હતા.
એકવાર રાજા પ્રભાતસેનના માસીના દિકરા ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્ય દ્વારકાની તીર્થયાત્રાએ જતાં તેમના મહેમાન બને છે.ભાઇની આવી સ્થિતિ જોઈને રાજા વિક્રમાદિત્યએ કારણ પુછ્યું ત્યારે પ્રભાતસેને તમામ વાત કહી સંભળાવી ત્યારે વિક્રમાદિત્યે કહ્યું કે ચિંતા ના કરશો આવતી કાલે તમારી જગ્યાએ હું ભોગ આપવા માટે જઇશ.બીજા દિવસે રાજા વિક્રમાદિત્ય પોતે ગયા અને ઉકળતી તેલની કઢાઇમાં પડી પોતાના દેહનું બલિદાન આપ્યું
ત્યારે રાજા વિક્રમની આવી પરોપકારની ભાવના જોઇ હરસિદ્ધિમાતા પ્રગટ થયા અને વિક્રમને બે વરદાન માંગવાનું કહ્યું.વિક્રમાદિત્યે પહેલા વરદાનમાં પોતાના ભાઇ પ્રભાતસેનને શ્રાપમાંથી મુક્તિ આપવાનું તથા બીજા વરદાનમાં માંગ્યું કે આપ મારી સાથે ઉજ્જૈનનગરીમાં પધારો.માતા હરસિદ્ધિએ તથાસ્તુ કહ્યું પણ એક વચન લીધું કે હું સવાર થતાં હું તારી પાછળ ઉજ્જૈન આવીશ પણ જે જગ્યાએ તારા મનમાં શંકા જાગશે ત્યાંથી એક ડગલું પણ આગળ નહી આવું.
બીજા દિવસે વહેલી સવારે રાજા વિક્રમાદિત્ય માતા હરસિદ્ધિને પગે લાગી પ્રાર્થના કરીને ઉજ્જૈન જવા નીકળે છે અને માતાજી તેમની પાછળ ઝાંઝરના અવાજ સાથે ઉજ્જૈન જાય છે.ધીમે ધીમે ચાલતાં રાજા ક્ષિપ્રા નદીના કિનારે પહોંચે છે ત્યારે માતાજીના ઝાંઝરનો અવાજ અચાનક બંધ થઇ જાય છે ત્યારે રાજાના મનમાં શંકા થાય છે કે માતાજી તેમની પાછળ આવ્યા છે કે નહી તે જોવા માટે પાછું વળીને જુવે છે
તેથી મારા હરસિદ્ધિ ત્યાં ક્ષિપ્રા નદીના કિનારે જ રોકાઇ જાય છે પછી ત્યાં જ રાજા વિક્રમાદિત્ય માતા હરસિદ્ધિનું વિશાળ અને ભવ્ય મંદિર બંધાવે છે.આ ભવ્ય મંદિરમાં માતા હરસિદ્ધિ સ્વંય બિરાજમાન થયા છે.આ મંદિરમાં તેમની સાથે દેવી અન્નપૂર્ણા અને દેવી મહાકાળી પણ બિરાજમાન છે.
મંદિરના પ્રાંગણમાં ભગવાન શિવનું કોટેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે.હરસિદ્ધિ માતાના મંદિરની સામે એક નાનો અને એક મોટો ભવ્ય અને વિશાળ બે દીપ-સ્તંભ આવેલા છે જે શિવ-શક્તિનું પ્રતિક છે.બંન્ને સ્તંભ ઉપર ૧૧૦૦ દીપ પ્રજ્વલિત કરવામાં આવે છે જેના માટે લગભગ ૬૦ કિલો તેલની જરૂર પડે છે.
આલેખનઃ વિનોદભાઇ માછી નિરંકારી નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ ૯૭૨૬૧૬૬૦૭૫(મો)
According to popular legend, King Vikramaditya built the Harsiddhi Mata temple in Ujjain, India to honor the divine feminine energy. The temple is one of the 51 Shakti Peethas, which are sacred sites dedicated to the goddess Sati.