Western Times News

Gujarati News

પ્રાકૃતિક ખેતીમાં અતિ ઉપયોગી રસાયણમુક્ત જંતુનાશક શસ્ત્ર– ‘બ્રહ્માસ્ત્ર’

પ્રતિકાત્મક

આણંદ, પ્રાકૃતિક ખેતીમાં પાકના રક્ષણ માટે રાસાયણ યુક્ત દવાઓનો ઉપયોગ કરવામાં આવતો નથી. પરંતુ કુદરતી રીતે તૈયાર કરવામાં આવતાં જંતુનાશક શસ્ત્રો જેવાં કે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, દશપર્ણી અર્ક, ખાટી છાશ, સુંઠાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે છે પાકને પૂરતું રક્ષણ મળે છે જેથી ખેત ઉત્પાદનમાં અને ખેડૂતોની આવકમાં વધારો થાય છે.

જંતુનાશક શસ્ત્રો પૈકિના ‘બ્રહ્માસ્ત્ર’ બનાવવાની પ્રક્રિયા.

પ્રાકૃતિક ખેતીમાં બહ્માસ્ત્રનો ઉપયોગ મોટા કીડી મંકોડાના નિયંત્રણ કરવા માટે થાય છે. બહ્માસ્ત્ર બનાવવા માટે  ર૦ લીટર દેશી ગાયનુ ગૌમૂત્ર, ૨ કિગ્રા કડવા લીમડાના પાનની ચટણી, ૨ કિગ્રા કરંજના પાનની ચટણી, ૨ કિગ્રા સીતાફળના પાનની ચટણી, ૨ કિગ્રા એરંડાના પાનની ચટણી, ૨ કિગ્રા ધતુરાના પાનની ચટણી, ર કિલો બીલીપત્રના પાનની ચટણી પૈકી કોઈ પણ પાંચ જાતની ચટણીના મિશ્રણને ઢાંકી ધીમા તાપે એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરીને ઠંડુ પડવા દેવું.

ત્યારબાદ ર દિવસ સુધી સવાર-સાંજ ૫-૫ મિનિટ માટે ઘડિયાળના કાંટાની દિશામાં હલાવવું પછી ગરમ કપડાથી ગાળીને ઉપયોગ કરવો. બહ્માસ્ત્રને ૬ મહિના સુધી સંગ્રહણ કરી અને ઉપયોગમાં લઈ શકાય છે. પ્રતિ એકર ૧૦૦ થી ૨૦૦ લીટર પાણીમાં ૬ થી ૮ લીટર બ્રહ્માસ્ત્ર ઉમેરીને તેનો છંટકાવ કરવો જોઈએ.

પ્રાકૃતિક ખેતીમાં પાકના રક્ષણ માટે રાસાયણ યુક્ત દવાઓનો ઉપયોગ કરવામાં આવતો નથી. પરંતુ કુદરતી રીતે તૈયાર કરવામાં આવતાં જંતુનાશક શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવે છે જેથી ખેત ઉત્પાદનમાં અને ખેડૂતોની આવકમાં વધારો થાય છે. પ્રાકૃતિક ખેતીના પાકમાં કીડી અને મંકોડાના નિયંત્રણમાં બ્રહ્માસ્ત્ર અતિ ઉપયોગી નીવડે છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા આહવાન કર્યું છે. ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત એ પ્રાકૃતિક ખેતીના વ્યાપને વધારવા માટે રાજ્યભરમાં મુહિમ શરૂ કરી છે. પ્રાકૃતિક ખેતી અપનાવીને ખેડૂતો ઓછા ખર્ચે વધુ આવક મેળવી શકે છે. તેમજ પ્રાકૃતિક ખેતી પર્યાવરણને પણ સંરક્ષિત રાખવામાં અગત્યનું યોગદાન આપે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.