વ્યાજખોરો 10.50 લાખનું ૧૦ થી ૪૦ ટકા જેટલું વ્યાજ વસૂલતા હતા

કડીમાં પઠાણી ઉઘરાણી કરનાર ચાર વ્યાજખોરો વિરૂદ્ધ ફરિયાદ નોધાઈ
મહેસાણા, કડીના કરણનગર વિસ્તારમાં પરિવાર સાથે રહેતા યુવાનને રૂ.૧૦.પ૦ લાખની રકમ ૧૦ થી ૪૦ ટકા જેટલું વ્યાજ વસૂલવા જાનથી મારી નાંખવાની ધમકી સાથે પઠાણી ઉઘરાણી કરનાર ચાર વ્યાજખોરો સામે કડી પોલીસ મથકે ગુનો નોધાવા પામ્યો છે.
ઉપરોકત શખ્સોએ યુવાન પાસેથી ઉંચું વ્યાજ વસૂલવા સહીઓવાળા કોરા ચેક લઈ લીધા હતા. વ્યાજખોરોની ધમકીઓથી ભયભીત યુવાને કડી પોલીસ મથકે પહોંચી ચારેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
કડીના કરણનગર રોડ સ્થિત ઉત્સવ ગ્રીન્સ રો-હાઉસમાં પરિવાર સાથે રહેતા અને મહેસાણા તાલુકાના ગોઝારિયાના વતની જિજ્ઞેશભાઈ કરશનભાઈ પ્રજાપતિ વિજાપુરમાં આવેલા સિરામીકના કારખાનામાં નોકરી કરે છે અને ઘરે પશુપાલન કરી ગુજરાન ચલાવે છે. આજથી દોઢ વર્ષ અગાઉ જિજ્ઞેશભાઈ પ્રજાપતિને જરૂરિયાત હોઈ કડીની વાત્સલ્ય વાટિકામાં રહેતા મેહુલ ભાનુપ્રસાદ વ્યાસ પાસેથી રૂ.પ૦ હજાર વ્યાજે લીધા હતા.
ત્યારબાદ તબક્કાવાર નાનીકડીના ભાવેશ ગોસ્વામી પાસેથી રૂ.૩ લાખ, કડીની રુદ્રાક્ષ સોસાયટીમાં રહેતો વિષ્ણુ અમરતભાઈ રબારી પાસેથી રૂ.૩ લાખ અને કપૂર નાયક પાસેથી રૂ.૪ લાખ સહી કરેલા કોરા ચેક આપી વ્યાજે લીધા હતા.
ઉપરોકત ચારેય શખ્સોએ લાંબા સમયથી ૧૦ થી ૪૦ ટકા સુધીનું ઉંચા વ્યાજની વસુલાત કરી હોવા છતાં ચેક બાઉન્સ કરાવવાનીધમકી આપી વધુ વ્યાજ લેવાનો મનસુબો બનાવ્યો હતો. યુવાનને વારંવાર જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવતા તેણે કંટાળી કડી પોલીસ મથકે પહોંચી ચારેય વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી હતી.