થલતેજ ગામ મેટ્રો રૂટ પર મંદિર તેમજ મકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું

(એજન્સી)અમદાવાદ, જ્યાં વિવાદ હોય ત્યાં સમસ્યા આપોઆપ ઉત્પન્ન થઈ જતી હોય છે. આવું જ કંઈક બન્યું છે. થલતેજ ગામમાં. વર્ષોથી દબાણ દૂર કરવાના મામલે સર્જાયેલા વિવાદનો ગઈકાલે કેટલાશ અંશે અંત આવી ગયો છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોલીસ સાથે કરેલા મેગા ડિમોલિશનના કારણે ટ્રાફિકજામની સમસ્યા વકરી છે.
થલતેજ ગામ બાજુથી નીકળનારા વાહનચાલકો ડિમોલિશનના કારણે તોબા પોકારી ગયા છે જ્યારે કેટલાક વાહનચાલકોને અંદરોઅંદર બબાલ પણ થઈ હતી. એક બાજુ ડિમોલિશન ચાલી રહ્યું છે જ્યારે બીજી બાજુ વાહનચાલકો હેરાન થઈ ગયા હતા.
થલતેજમાં જ્યારથી મેટ્રો સ્ટેશન બનાવવાની જાહેરાત થઈ ત્યારથી જ વિવાદનો પ્રારંભ થયો હતો. મેટ્રો પ્રોજેક્ટને લઈ કેટલાક દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી પરંતુ તેની સામે ગ્રામજનોએ કાનૂની લડત આપી હતી.
કોરોનાકાળ પહેલાં શરૂ થયેલી કાનૂની લડતનો અંત આવ્યો છે જેના પગલે ગઈ કાલે થલતેજમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વળતર આપવાની બાંહેધરી આપતા ગ્રામજનોએ કાનૂની લડત પાછી ખેંચી લીધી હતી.
ગઈકાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા થલતેજમાં મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું. ડિમોલિશન દરમિયાન કોઈ માથાકૂટ થાય નહીં તે માટે પોલીસ કાફલો પણ ખડકી દેવાયો હતો. પોલીસના બંદોબસ્ત વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે બિલ્ડીંગ, દુકાન તેમજ મંદિર પર પણ હથોડા ઝીંકયા હતા. ડિમોલિશન થતાંની સાથે જ ગ્રામજનો પણ ભેગા થઈ ગયા હતા.
મેટ્રો પ્રોજેકટની શરૂઆત થતાંની સાથે જ ટ્રાફિક જામની સમસ્યાએ માઝા મૂકી હતી. થલતેજ સર્કલથી ગામ તરફ જવાનું હોય તો વાહનચાલકો હેરાન-પરેશાન થઈ જતા હતા. કન્ટ્રકશનના કારણે લગાવેલા બેરિકેડ, ઉડતી ધૂળ અને તેમજ વાહનોની સતત અવર-જવરના કારણે આસપાસના સ્થાનિક લોકો હેરાન થઈ ગયા હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે સંખ્યાબંધ દુકાન, મકાન તેમજ મંદિર પર હથોડા ઝીંકીને પોતાની કામગીરી કરી હતી. કોર્પોરેશનની કામગીરીના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. થલતેજ ગામમાં જવાનો રસ્તો સાંકડો છે અને તેમાં પણ મેટ્રોના પિલર તેમજ બેરિકેડ લગાવેલા હોવાથી લોકોને પહેલાંથી ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો.
ગઈકાલથી શરૂ થયેલા ડિમોલિશનના કારણે લોકોને ચાલવા માટે પણ પ્રોબ્લેમ થઈ રહ્યો છે. થલતેજમાં સ્થાનિક લોકોએ થલતેશ્વરી માતાનું મંદિર બનાવ્યું હતું. જો કે મેટ્રો પ્રોજેકટ આવી જતાં મંદિરનો વિવાદ સર્જાયો હતો. ઘણા વર્ષ પહેલાં થલતેજમાં રહેતા એક પટેલ પરિવાર અને કેટલાક લોકોને જમીન ફાળવી હતી. આજે પણ આ જમીન તે લોકોની જ છે. માતાજી પર શ્રદ્ધા રાખીને તે જમીન પર મંદિર બનાવી દેવાયું હતું.
જ્યારે મંદિરનું કામ ચાલુ હતું ત્યારે મેટ્રો પ્રોજેકટ આવી ગયો હતો. જેના લીધે મંદિરનું કામ રોકાઈ ગયું હતું. જો કે, ગઈકાલે ડિમોલિશન થતાંની સાથે જ અડધું મંદિર તોડી નાંખવામાં આવ્યું છે. હજુ પણ આ જમીનના કેટલાક હિસ્સાના માલિકો મંદિર બનાવવાના છે. મંદિરની સામે જ અભિક્રમ કોમ્પલેક્ષ આવેલું છે.
જેમાં હજુ સુધી હથોડા મારવામાં આવ્યા નથી. આ કોમ્પલેક્ષના દુકાનદારોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોેરશન સામે કોર્ટમાં લડત આપી હતી જેને લઈ આ બિલ્ડીંગ પર ડિમોલિશન હાથ ધરાયું નથી.