માતૃભાષાના ગૌરવને ઉજાગર કરવા પોતાનું અનન્ય યોગદાન આપનાર શ્રેષ્ઠીઓને ‘સાહિત્ય ગૌરવ પુરસ્કાર’

ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા શુક્રવાર તા. 21-02-2025ના રોજ વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સાહિત્ય ગૌરવ પુરસ્કાર સમારોહ યોજાયો હતો.
મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે રાજ્યના મંત્રીશ્રીઓ સહિત સાહિત્ય જગતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં માતૃભાષાના ગૌરવને ઉજાગર કરવા પોતાનું અનન્ય યોગદાન આપનાર શ્રેષ્ઠીઓને ‘સાહિત્ય ગૌરવ પુરસ્કાર’ તેમજ ‘યુવા ગૌરવ પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ અકાદમી તરફથી રાજ્યભરના 75 ગ્રંથાલયોમાં ₹15 લાખના પુસ્તકો અર્પણ કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે માતૃભાષાની મહત્તાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિરાસત ભી, વિકાસ ભી’ મંત્રને અનુસરીને રાજ્ય સરકાર આપણી સાંસ્કૃતિક વિરાસત એવી માતૃભાષા ગુજરાતીના જતન અને સંવર્ધન માટે સમર્પિત છે.
આ સાથે જ તેમણે નવી પેઢી સુધી માતૃભાષાનો વારસો પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરવા સાહિત્ય ક્ષેત્રના મહાનુભાવોને આહવાન કર્યું હતું.