રાહુલ ગાંધીને ભારતીય સેના વિષે શું કહ્યુ કે 24 માર્ચે કોર્ટમાં હાજર થવું પડશે

નવી દિલ્હી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ભારતીય સેના પર ટિપ્પણી કરવી ભારે પડી છે. લખનઉની એમપી-એમએલએ કોર્ટે સેના પર નિવેદન કરવા બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ નોટીસ જારી કરી છે. કોર્ટના આદેશ મુજબ, રાહુલ ગાંધીએ ૨૪ માર્ચે કોર્ટમાં હાજર થવું પડશે.
ભારતીય સેના વિરુદ્ધ અપમાજનક ટિપ્પણી કરવાના માનહાનીના કેસમાં રાહુલ ગાંધીને નોટિસ ફટકારવામાં આવી છે. બોર્ડર રાડ ઓર્ગેનાઈઝેશનના પૂર્વ ડાયરેક્ટર ઉદય શંકર શ્રીવાસ્તવે કોંગ્રેસ નેતા વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે.
રાહુલ ગાંધીએ ૧૬ ડિસેમ્બર-૨૦૨૨માં ભારત જોડો યાત્રા દરમિયાન ભારતીય સેના પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ફરિયાદ મુજબ રાહુલે પત્રકારોને કહ્યું હતું કે, ‘૨૦૨૨માં ૯મી ડિસેમ્બરે ચીની સૈનિકો દ્વારા ભારતીય સૈનિકોને માર મારવા મુદ્દે કોઈ કંઈ પૂછતું નથી.’
રાહુલ ગાંધીએ નિવેદન આપ્યા બાદ ૧૨ ડિસેમ્બર-૨૦૨૨ના રોજ ભારતીય સેનાએ પણ વળતો જવાબ આપ્યો હતો. સેનાએ રાહુલના નિવેદનનું ખંડન કર્યું હતું. સેનાએ સત્તાવાર નિવેદન આપ્યું હતું કે, ‘ચીનની સેના અરૂણાચલ પ્રદેશમાં ગેરકાયદે ઘૂસી હતી, જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો અને ચીનની સેના પરત જતી રહી.’
ફરિયાદીના જણાવ્યા મુજબ, તેઓ સેનાનું સન્માન કરે છે અને રાહુલ ગાંધીએ સેનાની મજાક ઉડાવી માનહાની કરી છે. કોર્ટે સુનાવણી હાથ ધર્યા બાદ રાહુલ ગાંધીને ૨૪ માર્ચે હાજર થવા નોટીસ ફટકારી છે. કોર્ટે રાહુલ ગાંધીને આરોપી તરીકે ૨૪ માર્ચે હાજર થવા આદેશ આપ્યો છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ અગાઉ દાવો કર્યો હતો કે, ‘સેનાના વડાએ એવું કહ્યું કે, લદ્દાખ સેક્ટરમાં ઘૂસણખોરી થઈ હતી.’ ત્યારબાદ સેનાના વડાએ કહ્યું કે, ‘અમે ચીન સાથે વાતચીતથી રસ્તો આગળ વધાર્યો છે. બંને દેશો વચ્ચે વાતચીતથી તમામ શંકાઓ દૂર થશે.’
કોંગ્રેસની ભારત જોડો યાત્રાના ૧૦૦ દિવસ પૂરા થવા પર રાહુલે જયપુરમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ‘કેન્દ્ર સરકાર ચીનના મુદ્દાને નજરઅંદાજ કરી રહી છે. તવાંગ મુદ્દાને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભારત સરકાર ઉંઘી રહી છે અને ચીને યુદ્ધની તૈયારી કરી લીધી છે.
ભારત સરકાર વ્યૂહાત્મક રીતે કામ કરતી નથી, તે ઘટનાના આધારે કામ કરે છે. જ્યારે ભૌગોલિક રાજકારણની વાત આવે છે, ત્યાં ઘટનાઓ કામ કરતી નથી, શક્તિ કામ કરે છે. ચીને ૨૦૦૦ ચોરસ કિલોમીટર જમીન પર કબજો જમાવ્યો છે, પરંતુ ચીન પર કોઈ સવાલ કરી રહ્યું નથી. ભારતના ૨૦ જવાનો શહીદ થયા હતા. ચીન અરુણાચલ પ્રદેશમાં આપણા જવાનોને માર મારી રહ્યા છે.’