ડેટ્રોઈટમાં પાણી થીજી જતાં સેંકડો વાહન બરફમાં ફસાયાં

(એજન્સી)ડેટ્રોઈટ, અમેરીકાના મિશીગ્ન રાજયના ડેટ્રોઈટ શહેરમાં પાણીની મુખ્ય અંડરગ્રાઉન્ડ પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા સમગ્ર શહેરમાં પુરની સ્થિતી સર્જાઈ હતી. એટલું જ નહી તીવ્ર ઠંડીને કારણે આ પાણી થીજી જતાં સેકડો વાહનો બરફમાં ફસાઈ ગયા હતાં. આ અંગે સોશીયલ મીડીયા પર વાયરલ થયેલાં એક વીડીયોમાં દક્ષીણ પશ્ચિમી ડેટ્રોઈટની અનેક સ્ટ્રીટમાં બરફના જામી ગયેલા સ્તરમાં ફસાયેલી ગાડીઓ જોઈ શકાય છે.
મળતા અહેવાલો પ્રમાણે ગત સપ્તાહે ડેટ્રોઈટ શહેરને પાણીનો પુરવઠો પુરી પાડતી આશરે ૧૦૦ વર્ષે જુની એક અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન ફાટી જતાં સમગ્ર શહેરમાં પાણી ફરી વળ્યું હતું. એકાએક શહેરમાં પાણીનો પ્રવાહ વધતા લોકો પોતાના ઘરમાં પુરાઈ રહેવા મજબુર બન્યા હતા. આ દરમયાન તાપમાનનો પારો ગગડી માઈનસ ર૧ થઈ જતાં આ પાણી થીજીને બરફ થઈ ગયું હતું.
જેને કારણે સ્ટ્રીટમાં પાર્ક કરાયેલી ગાડીઓ બરફમાં જામ થઈ ગઈ હતી. એટલું જ નહી પાણીની પાઈપલાઈનમાં સર્જાયેલા ભંગાણને કારણે હજારો લોકો પાણી અનેવીજળી વગર રહેવા મજબુર બન્યાં હતાં. સોશીયલ મીડીયા પર એક યુઝરે કોમેન્ટ કરતાં જણાવ્યું હતું કે, મે અત્યાર સુધી જોયેલી સૌથી ભયાનક હોનારત છે.