જનજાતીય સમુદાયનું ઉત્થાન અને તેમનું સશક્તિકરણ એ મોદી સરકારની પ્રાથમિકતા છે: અમિત શાહ

અમિત શાહે નવી દિલ્હી સ્થિત ગુજરાત ભવનમાં ગ્રામીણ અને આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો
મોદી સરકાર 50%થી વધુ વસ્તી ધરાવતા અને ઓછામાં ઓછા 20,000 આદિજાતિ લોકોવાળા પ્રત્યેક તાલુકામાં એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ શરૂ કરાવીને ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ કરાવી રહી છે
આઝાદી પછીના 6 દાયકાઓ સુધી દેશમાં ફક્ત એક સેન્ટ્રલ ટ્રાયબલ યુનિવર્સિટી હતી, મોદી સરકારે એક દાયકામાં 2 નવી ટ્રાયબલ યુનિવર્સિટીઓ શરૂ કરી
‘રાષ્ટ્ર નિર્માણમાં વિદ્યાર્થીઓની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે અને તેમની સફળતા જ ભારતને અગ્રેસર બનાવવામાં મદદરૂપ થશે’ – શ્રી અમિત શાહ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી
તબીબી, ઇજનેરી અને ટેક્નિકલ શિક્ષણમાં આદિવાસી વિદ્યાર્થીઓ માટે ભાષા અવરોધરૂપ રહી છે, જેને ધ્યાનમાં રાખીને મોદી સરકારે માતૃભાષામાં પરીક્ષા આપવાનો વિકલ્પ પ્રદાન કર્યો છે. Gujarat Bhavan new delhi amit Shah
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીના ચાણક્યપુરી સ્થિત ગુજરાત ભવનમાં ગુજરાતના ડાંગ જિલ્લાના સંતોકબા ધોળકિયા વિદ્યામંદિરના ગ્રામીણ અને આદિવાસી સમાજના વિદ્યાર્થીઓની સાથે એક પ્રેરક શૈક્ષણિક સંવાદ કર્યો. આ વિશિષ્ટ કાર્યક્રમ આ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયક અને પોતાના અનુભવોને શેર કરવા માટેનો એક અનોખો અવસર બન્યો.
શ્રી અમિત શાહે આ પ્રસંગે શિક્ષણ, યુવા સશક્તિકરણ અને રાષ્ટ્રીય વિકાસમાં વિદ્યાર્થીઓની ભૂમિકા અંગે પોતાના વિચારો રજૂ કર્યા. આ સંવાદનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને પ્રેરિત કરવાનો અને તેમની શૈક્ષણિક તેમજ કારકિર્દી સાથે સંકળાયેલી જિજ્ઞાસાઓને સંતોષવાનો હતો. ગૃહમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓના પ્રશ્નોના ઉત્તર આપીને મહેનત, સમર્પણ અને દૃઢ સંકલ્પના મહત્વ પર ભાર મૂક્યો.
શ્રી અમિત શાહે કહ્યું કે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીની વાત હોય કે શ્રીમતી દૌપદી મુર્મુજીને ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવાની વાત હોય, આ નિર્ણયોએ જનજાતીય સમાજના ગૌરવને એક નવા શિખર પર લઇ જવાનું કામ કર્યું છે. જનજાતીય સમાજનું ઉત્થાન તેમજ તેમનું સશક્તિકરણ અમારી પ્રાથમિકતા છે.
આઝાદી પછી જનજાતીય સમાજને તેમનું વાસ્તવિક સન્માન આપવાનું કામ મોદીજીએ કર્યું છે. શ્રી અમિત શાહે કહ્યું કે, “વિદ્યાર્થીઓ દેશની પ્રગતિનો પાયો છે, અને તેમનો પરિશ્રમ અને સમર્પણ ભારતને નવી ઉંચાઇઓ સુધી લઇ જશે.” તેમણે વિદ્યાર્થીઓને ડોક્ટર, એન્જિનિયર અને સિવિલ સર્વન્ટ જેવી કારકિર્દીઓમાં આગળ વધવા માટે પ્રેરિત કરતા જણાવ્યું કે, “તમે દેશના વિકાસને પોતાનું લક્ષ્ય બનાવશો, તો તમારો વ્યક્તિગત વિકાસ આપોઆપ સુનિશ્ચિત થશે. એટલે, તમારો મૂળ ઉદ્દેશ દેશના વિકાસ માટે કાર્ય કરવાનો હોવો જોઇએ.”
શ્રી શાહે વધુમાં જણાવ્યું કે મોદી સરકાર 50%થી વધુ આદિજાતિ (ST) વસ્તીવાળા અને ઓછામાં ઓછા 20,000 આદિવાસી લોકોવાળા પ્રત્યેક તાલુકામાં એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલની સ્થાપના દ્વારા આદિવાસી વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ કરાવી રહી છે. તબીબી, ઇજનેરી અને ટેક્નિકલ શિક્ષણમાં આદિવાસી વિદ્યાર્થીઓ માટે ભાષા હંમેશાં અવરોધરૂપ રહી છે, તે બાબતને ધ્યાનમાં રાખીને મોદી સરકારે માતૃભાષામાં પરીક્ષા આપવાનો વિકલ્પ પ્રદાન કર્યો છે. આ નિર્ણયોથી આદિવાસી વિદ્યાર્થીઓને એક નવી આશા બંધાઇ છે. આઝાદી પછીના છ દાયકાઓમાં દેશમાં ફક્ત એક જ સેન્ટ્રલ ટ્રાયબલ યુનિવર્સિટી હતી, જ્યારે છેલ્લા એક દાયકામાં અમારી સરકારે 3 નવી ટ્રાયબલ યુનિવર્સિટીઓ સ્થાપિત કરી છે.
વિદ્યાર્થીઓએ ગૃહમંત્રીશ્રીની સાથે શિક્ષણ અને કારકિર્દી અંગેના પોતાના વિચારોને શેર કર્યા. શ્રી શાહે વિદ્યાર્થીઓને સૂચન કર્યું કે કેવી રીતે તેઓ દેશની પ્રગતિમાં પોતાનું યોગદાન આપી શકે છે.
કાર્યક્રમના અંતે ગૃહમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને પરિશ્રમ અને પ્રામાણિકતાની સાથે પોતાના લક્ષ્યોની દિશામાં આગળ વધવા માટે પ્રેરિત કરતા કહ્યું કે, “રાષ્ટ્ર નિર્માણમાં વિદ્યાર્થીઓની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે અને તેમની સફળતા જ ભારતને અગ્રેસર બનવામાં મદદરૂપ થશે.”
આ પ્રસંગે ગુજરાત ભવનના રેસિડેન્ટ કમિશનર ડૉ. વિક્રાંત પાંડે અને સંતોકબા ધોળકિયા વિદ્યા મંદિર (ડાંગ)ના સંસ્થાપક અને સેક્રેટરી શ્રી પી.પી. સ્વામી પણ હાજર રહ્યા હતા. આ પહેલ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ યુવાનો સાથે સીધો સંવાદ અને તેમને પ્રોત્સાહિત કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ કાર્યક્રમ તમામ ગ્રામીણ અને આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત તો સાબિત થયો, સાથે તેમને દેશના ગૃહમંત્રી સાથે મોકળા મને વાત કરવાની તક પણ મળી.