હૈદરાબાદ મનપાએ તાજ હોટેલની મિલકતને આ કારણસર ટાંચમાં લીધી

મહાનગરપાલિકાની કાર્યવાહી પછી, હોટેલ મેનેજમેન્ટે જણાવ્યું કે દિવસના અંત સુધીમાં બાકી ટેક્સની રકમ ભરી દેવામાં આવશે
હૈદરાબાદ, બનજારા હિલ્સ સ્થિત તાજ ફાઇવ સ્ટાર હોટેલે પ્રોપર્ટી ટેક્સ નહીં ભરતાં ગ્રેટર હૈદરાબાદ નગર નિગમે તેને ટાંચમાં લઇ લીધી છે. મહાનગરપાલિકાના અધિકારીઓએ કહ્યું કે તાજ બનજારાના મેનેજમેન્ટને કેટલીય નોટિસો આપી છતાં રૂપિયા ૧.૪૩ કરોડનો બાકી ટેક્સ ભરવામાં નિષ્ફળતા દાખવી છે.
જેથી હોટેલને રેડ નોટિસ આપ્યા પછી બાકી ટેક્સની રકમ ભરી નહીં, એટલા માટે અધિકારીઓએ બનજારા હિલ્સના રોડ નંબર ૩ પર આવેલી ઈમારતને સીલ કરવાનું પગલું ભર્યું છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, હોટેલ મેનેજમેન્ટે બે વર્ષથી પ્રોપર્ટી ટેક્સ ભર્યાે નથી.
જોકે, મહાનગરપાલિકાની કાર્યવાહી પછી, હોટેલ મેનેજમેન્ટે જણાવ્યું કે દિવસના અંત સુધીમાં બાકી ટેક્સની રકમ ભરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગ્રેટર હૈદરાબાદ નગર નિગમ (મહાનગરપાલિકા)ની હદમાં આવેલી ઈમારતોનો રૂપિયા ૯૮૦૦ કરોડનો પ્રોપર્ટી ટેક્સ વસૂલવાના બાકી છે.
પાલિકાના અધિકારીઓના કહેવા મુજબ પાકી ટેક્સની રકમ વસૂલવામાં કોઈ ખચકાટ અનુભવીશું નહીં. ચાલું નાણાકીય વર્ષમાં મહાનગરપાલિકાએ રૂપિયા ૨૨૦૦ કરોડના પ્રોપર્ટી ટેક્સની વસૂલાતનું લક્ષ્ય રાખ્યું છે.