Western Times News

Gujarati News

યુટયુબ સહિતના સોશિયલ મીડિયા પર લગામ કસવા કેન્દ્રની તૈયારી

social media addiction

પ્રતિકાત્મક

(એજન્સી) નવી દિલ્હી, યુટયુબ પર રીલીઝ કરાયેલા એક શોમાં યુટયુબર રણવીર અલ્હાબાદીયાની માતા પિતા અંગે અભદ્ર ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર અંકુશ વધારવાની માગણી ઉઠી રહી છે. એવામાં કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે સોશિયલ મીડિયા પર અપલોડ કરાતી નુકસાનકારક સામગ્રીને કાયદાકીય રીતે અંકુશમાં રાખવા અંગે તપાસ શરૂ કરી દીધી છે.

તાજેતરની જે જોગવાઇ છે તેમાં વધુ આકરી જોગવાઇ ઉમેરવા તરફ હાલ વિચારણા ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. કોમ્યુનિકેશન પર સંસદીય બાબતોની સમિતીને લેખીતમાં આપેલા જવાબમાં મંત્રાલયે કહ્યું છે કે બંધારણે આપેલા અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારોનો દુરુપયોગ કરીને ડિજિટલ પ્લેટફોર્મ પર હિંસક અને વાંધાજનક સામગ્રીઓ લોકોને આપવામાં આવી રહી છે જેને લઇને સમાજમાં ચિંતા વધી રહી છે.

ભાજપ સાંસદ નિશિકાંત દુબેની આગેવાનીમાં ગઠીત સ્ટેન્ડિંગ કમિટીને મંત્રાલયે જણાવ્યું હતું કે હાલમાં ડિજિટલ પ્લેટફોર્મ પર વાંધાજનક સામગ્રીને અટકાવવા માટે માગણી વધી રહી છે. મંત્રાલયે તેની નોંધ લીધી છે અને હાલમાં અંકુશ રાખવા માટેના જે નિયમો અને જોગવાઇ છે તેની તપાસ ચાલી રહી છે. જેમાં નવા ધારાધોરણો અને કાયદેસરના નિયમો કેવી રીતે ઉમેરી શકાય તે દિશામાં કામ ચાલી રહ્યું છે.

મંત્રાલયે કહ્યું હતું કે ઘણી હાઇકોર્ટો અને સુપ્રીમ કોર્ટે, સાંસદો તેમજ રાષ્ટ્રીય મહિલા પંચ વગેરેએ પણ આ મુદ્દો ઉઠાવ્યો છે, સોશિયલ મીડિયા ઇન્ફ્લૂઅેંસર અલ્લાહાબાદીયાની વાંધાજનક ટિપ્પણી બાદ આ દિશમાં લોકોનું ધ્યાન વધુ ગયું છે. રણવીર અલ્લાહાબાદીયાએ માતા પિતા અંગે કરેલી ટિપ્પણી બાદ તેની સામે કેટલાક રાજ્યોમાં એફઆઇઆર થઇ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.