Western Times News

Gujarati News

ટ્રમ્પે ફરી ભારત-ચીનને આપી ટૂંક સમયમાં ટેરિફ લાદવાની ધમકી

(એજન્સી) વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાની દોર સંભાળતા જ સપાટાબંધ આત્યંતિક કહેવાય એવા પગલાં ભરવા લાગ્યા છે. ટેરિફના મુદ્દે વાત કરીએ તો કેનેડા અને મેક્સિકો પર ૨૫ ટકાનો આકરો ટેરિફ ઝીંક્યા બાદ એમણે એના અમલને હાલ પૂરતી બ્રેક મારી છે, પરંતુ ચીન પર લાદેલા ૧૦ ટકા ટેરિફને તેમણે જાળવી રાખ્યો છે. હવે તેમણે ફરી ભારતમાં અઘરો ટેરિફ લાદવાની અને ચીન પરનો ટેરિફ વધારવાની વાત દોહરાવી છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, અમારું વહીવટી તંત્ર ‘ટૂંક સમયમાં’ ભારત અને ચીન જેવા દેશો પર પારસ્પરિક ટેરિફ લાદશે.’ આ વાત તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની તાજેતરની મુલાકાત દરમિયાન પણ કરી હતી.

અમેરિકાના વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકના શપથ ગ્રહણ સમારોહમાં બોલતા ટ્રમ્પે કહ્યું હતું કે, ‘અમે ટૂંક સમયમાં પારસ્પરિક ટેરિફ લાદીશું. તેઓ અમારી પાસેથી ચાર્જ લે છે, તો અમે પણ સામે તેમના પર ચાર્જ નાંખીશું. સાવ સાદી વાત છે. ભારત કે ચીન જેવો કોઈ દેશ કે પછી કોઈ કંપની અમારી પાસેથી ચાર્જ લે છે, તો અમે પણ ન્યાયી બનીને સામો ચાર્જ વસૂલીશું. અમે અગાઉ ક્યારેય આવું કર્યું નથી, પણ હવે અમે એવું કરવા તૈયાર છીએ.’

ટ્રમ્પે મજાક કરતા કહ્યું હતું કે, ‘ટેરિફ મારો પ્રિય શબ્દ રહ્યો છે, પરંતુ ‘કુટુંબ’, ‘પ્રેમ’ અને ‘ભગવાન’ પછી હું આ શબ્દને ચોથા સ્થાને મૂકું છું.’ ગયા વર્ષની અમેરિકન પ્રમુખ પદની ચૂંટણીના અભિયાન દરમિયાન ટ્રમ્પે ભારત દ્વારા વસૂલાતા ઊંચા ટેરિફની ટીકા કરી હતી અને ભારતનો ઉલ્લેખ વેપારના સંદર્ભમાં ‘મોટા દુરુપયોગ કરનારા દેશ’ તરીકે કર્યો હતો. ટ્રમ્પ અગાઉ એવી ગર્જના પણ કરી ચૂક્યા છે કે, ટેરિફ મુદ્દે મારા નિર્ણયોને દુનિયામાં કોઈ પડકારી શકશે નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.