હોળીનો તહેવાર ઉજવશો તો લાશોનો ઢગલો કરી દઈશું

ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના બારાદરી પોલીસ સ્ટેશન વિસ્તારના હાજિયાપુર વિસ્તારમાં હિન્દુ સમુદાયના લોકો હોળીના કાર્યક્રમનું આયોજન કરી રહ્યા હતા ત્યારે અન્ય સમુદાયના લોકોએ હુમલો કર્યો
(એજન્સી)બરેલી, ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના બારાદરી પોલીસ સ્ટેશન વિસ્તારના હાજિયાપુર વિસ્તારમાં હોળીની ઉજવણીનું આયોજન કરી રહેલા લોકો પર અન્ય સમુદાયના યુવાનોએ હુમલો કર્યો હતો. આ ઘટના બાદ વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો.
મામલાને ગંભીરતાથી લઈને પોલીસે ૬ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. હિન્દુ સમુદાયના લોકોએ આરોપ લગાવ્યો છે કે હોળીની ઉજવણી પર લાશોનો ઢગલો કરી દેવાની ધમકી આપવામાં આવી છે.
બારાદરી પોલીસ સ્ટેશન વિસ્તારના હાજિયાપુર, જોગી નવાડા અને ચકમહમૂદ વિસ્તારમાં મિશ્ર વસ્તી હોવાથી અતિ સંવેદનશીલ વિસ્તાર ગણવામાં આવે છે. આ પહેલા પણ અહીં શ્રાવણ મહિનામાં ખટરાગ થયો હતો. જ્યારે કાવડીયાઓ પર પથ્થરમારો કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો.
એ જ રીતે તાજેતરમાં પણ નવો વિવાદ ઊભો થયો. આરોપ છે કે હાજિયાપુરના રહેવાસી લક્ષ્મણ, મુન્ના, શની અને આકાશ તેમના વિસ્તારમાં હોળીના કાર્યક્રમ વિશે ચર્ચા કરી રહ્યા હતા. તે જ સમયે, સ્થાનિક રહીશ એવા અયાન, સલમાન, અમન, રેહાન, ભૂરા અને આલમ સહિત અન્ય ઘણા યુવકો ત્યાં પહોંચ્યા અને તેમના પર અચાનક હુમલો કર્યો હતો.
આરોપ છે કે હુમલાખોરોએ ચારેય યુવકોને માર માર્યો એટલું જ નહીં, જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. અન્ય સમુદાયના આરોપીઓએ હોળીની ઉજવણી પર લાશોનો ઢગલો કરી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનામાં લક્ષ્મણ, મુન્ના અને આકાશ ઘાયલ થયા હતા. જે બાદ પીડિતે પોલીસને જાણ કરી હતી. લક્ષ્મણ અને તેના સહયોગીઓનું કહેવું છે કે, હુમલાખોરો જાણીજોઈને હોળી પહેલા વિસ્તારમાં વાતાવરણ બગાડવા માંગે છે.
ઘટના બાદ બારાદરી પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. ફરિયાદના આધારે પોલીસે છ આરોપીઓ સામે નામ જોગ ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી છે. આ મામલામાં સંવેદનશીલ વિસ્તારના બે સમુદાયો સંકળાયેલા હોવાથી પોલીસ સતર્ક છે અને વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. આ વિસ્તારમાં પહેલાથી જ સાંપ્રદાયિક તણાવ જોવા મળી રહ્યો છે.
શ્રાવણ મહિના દરમિયાન જોગી નવાડામાં વિવાદને કારણે પથ્થરમારો અને ફાયરિંગની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી હતી. બરેલી પોલીસે સ્થિતિને કાબુમાં લેવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. હવે, હોળી પહેલા વધુ એક વિવાદ સામે આવતાં વહીવટીતંત્ર વધુ સાવચેતી રાખી રહ્યું છે.
દરમિયાન, બારાદરી પોલીસ સ્ટેશનનું કહેવું છે કે કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈને તપાસ ચાલી રહી છે અને આરોપીઓને પકડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શાંતિ જાળવવા માટે પોલીસ સતત આ વિસ્તાર પર નજર રાખી રહી છે.