Western Times News

Gujarati News

વાર્ષિક અંદાજે 25 લાખ મેટ્રિક ટન અનાજ 350 ગોડાઉનથી 17 હજાર વાજબી ભાવની દુકાનો સુધી પહોંચે છે

file

કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલી વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલ બેઠકમાં ગુજરાતનું સપ્લાય ચેઈન ઓટોમેશન બેસ્ટ પ્રેક્ટિસ તરીકે રજૂ થયું

લાસ્ટ માઈલ ડિલિવરી વધુ ઝડપી-સરળ બની છે.-મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની જાહેર વિતરણ વ્યવસ્થામાં પારદર્શી ફૂલપ્રૂફ અને સચોટ-સરળ – સપ્લાય ચેઈન ઓટોમેશન વિકસાવવામાં આવી છે

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને પૂનામાં યોજાયેલી વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં ગુજરાતના સપ્લાય ચેઈન ઓટોમેશન પ્રેઝન્ટેશને બેસ્ટ પ્રેક્ટિસીસ અંતર્ગત સરાહના મેળવી હતી.

આ બેઠકમાં સહભાગી ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર અને કેન્દ્ર શાષિત પ્રદેશ દીવ-દમણ, દાદરા-નગર હવેલીની એક-એક બેસ્ટ પ્રેક્ટિસીસનું પ્રસ્તુતિકરણ વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા પસંદ કરવામાં આવ્યું હતું. ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના સપ્લાય ચેઈન ઓટોમેશનની આ બેસ્ટ પ્રેક્ટિસીસ અન્વયે પસંદગી કરવામાં આવી હતી.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં વિશાળ અને સુસંચાલિત જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ પી.ડી.એસ., આઈ.સી.ડી.એસ. અને પી.એમ. પોષણ યોજના મળીને વાર્ષિક અંદાજે 25 લાખ મેટ્રિક ટન અને અંદાજે 8 હજાર કરોડથી વધુ મૂલ્યનું અનાજ ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા તથા રાજ્ય સરકારના 350 ગોડાઉન પરથી 17 હજારથી વધુ વ્યાજબી ભાવની દુકાનો સુધી વિતરણ થાય છે.

મુખ્યમંત્રીશ્રીના દિશા દર્શનથી આ વિતરણ વ્યવસ્થાને ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને સરળ અને ઝડપી તથા પારદર્શી બનાવવામાં આવી છે.

આ વ્યવસ્થા અન્વયે વાહનો પર જીપીએસ, લોડ સેન્સર, જિઓ-ફેન્સિંગ, સિસ્ટમ ઈન્ટિગ્રેશન અને ઓટોમેટિક એલર્ટ તથા સીસીટીવી જેવા અદ્યતન સાધનો દ્વારા આ સપ્લાય ચેઈનનું મોનિટરિંગ થતું હોવાથી માનવીય હસ્તક્ષેપ ઘટયો છે.

એટલું જ નહિ આ સિસ્ટમમાં વાર્ષિક 3.25 લાખ ટ્રક ટ્રિપનું સેન્ટ્રલ મોનિટરિંગ દ્વારા ટ્રેકિંગ થાય છે. પરિણામે છેવાડાના લાભાર્થીને પણ સમયસર અને યોગ્ય રીતે અનાજનું વિતરણ સરળતાથી થાય છે અને લાસ્ટ માઈલ ડિલિવરી સુનિશ્ચિત પણ થાય છે.

આ પદ્ધતિને પરિણામે રાજ્યના 75 લાખથી વધુ એન.એફ.એસ.એ. કાર્ડધારક પરિવારોના 3 કરોડ 70 લાખ લોકો, 17 હજાર વાજબી ભાવની દુકાનો, 52 હજાર આંગણવાડી કેન્દ્રો અને 30 હજાર પી.એમ. પોષણ સેન્ટર્સ સુધી ખાદ્યાન્ન અને સામગ્રી સરળતાએ પહોંચાડી શકાય છે. આ વિસ્તૃત વિતરણ સાથેનું પ્રેઝન્ટેશન અન્ન અને નાગરિક પુરવઠા અગ્ર સચિવશ્રી આર.સી.મીનાએ વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલમાં કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.