કેટરીના સાસુ સાથે પહોંચી પ્રયાગરાજઃ સ્વામી ચિદાનંદ સરસ્વતીજીના આશિર્વાદ લીધા

પરમાર્થ નિકેતન આશ્રમના સ્વામી ચિદાનંદ સરસ્વતીજી અને સાધ્વી ભગવતી સરસ્વતીજીના આશીર્વાદ લીધા હતા.-મહાકુંભનું છેલ્લું સ્નાન મહાશિવરાત્રી પર છે
(એજન્સી) પ્રયાગરાજ, વિશ્વના સૌથી મોટા ધાર્મિક અને સાંસ્કૃતિક મેળાવડા મહાકુંભે હવે ઇતિહાસ રચ્યો છે. મહાકુંભનો ૪૨મો દિવસ છે. શનિવારે બપોરે ૧૨ વાગ્યા સુધી ૭૧.૧૮ લાખ શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કર્યું હતું. ૧૩ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં લગભગ ૬૦.૦૨ કરોડ ભક્તોએ સ્નાન કર્યું છે.
અભિનેત્રી કેટરિના કૈફ પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં પહોંચી હતી, તેની સાથે તેની સાસુ પણ જોવા મળી હતી. આ દરમિયાન તેમણે પરમાર્થ નિકેતન આશ્રમના સ્વામી ચિદાનંદ સરસ્વતીજી અને સાધ્વી ભગવતી સરસ્વતીજીના આશીર્વાદ લીધા હતા.
પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન કરનારા ભક્તોની સંખ્યા ૬૦ કરોડને પાર પહોંચી ગઈ છે. શનિવારે બપોરે ૧૨ વાગ્યા સુધી ૭૧ લાખ ૧૮ હજાર ભક્તોએ દર્શન કર્યા હતા. મહાકુંભનું છેલ્લું સ્નાન મહાશિવરાત્રિ પર છે. સીએમ યોગી આજે નવ કલાક મહાકુંભમાં રહેશે. મહાશિવરાત્રી સ્નાનની તૈયારીઓની સમીક્ષા કરશે. અરૈલમાં ત્રિવેણી ગેસ્ટ હાઉસમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાનું સ્વાગત કરશે.
નડ્ડા સંગમમાં સ્નાન કરશે. વીકેન્ડ પર, પ્રયાગરાજમાં એન્ટ્રી પોઈન્ટથી શહેરની અંદર સુધી ભારે ટ્રાફિક જામ હોય છે. લોકોને ૫૦૦ મીટરનું અંતર કાપવામાં લગભગ બે થી ત્રણ કલાકનો સમય લાગી રહ્યો છે. મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે ૧૩ જાન્યુઆરીથી ૨૨ ફેબ્રુઆરી સુધી દેશની અડધી વસ્તીએ પવિત્ર ડૂબકી લગાવી છે. આ દુનિયાનો અત્યાર સુધીનો સૌથી મોટો કાર્યક્રમ છે, જ્યાં આટલી મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે અને સ્નાન કર્યું છે.
મહાકુંભનું છેલ્લું સ્નાન ૨૬ ફેબ્રુઆરીએ છે. આવી સ્થિતિમાં, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દિવસે રેકોર્ડ બની શકે છે. આ દાવો એટલા માટે પણ કરવામાં આવી રહ્યો છે કારણ કે જો આપણે અત્યાર સુધીના મુખ્ય સ્નાન ઉત્સવો પર નજર કરીએ તો ૧૩ જાન્યુઆરીએ પોષ પૂર્ણિમાના દિવસે ૧ કરોડ ૭૦ લાખ લોકો આવ્યા હતા.