Western Times News

Gujarati News

સુરતમાં કિશોરી પર પિતા અને દાદાએ દુષ્કર્મ આચર્યું

Files Photo

સુરત: જિલ્લામાં માનવતા શર્મસાર કરનારી એક ઘટના સામે આવી છે. સુરત જિલ્લાના કામરેજ ખાતે ૧૫ વર્ષીય કિશોરી સાથે સાવકા પિતા અને દાદાએ બળાત્કાર ગુજાર્યો છે. આ મામલે કિશોરીએ રાજકોટ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ કરતા આ કેસ સુરત પોલીસને ટ્રાન્સફર કર્યો છે.


સુરત જિલ્લાના કામરેજ ખાતે એક એવી ઘટના સામે આવી છે, જેના વિશે સાંભળીને ભલભાલાના રુંવાડા ઉભા થઇ જાય. અહીં ૧૫ વર્ષીય કિશોરી પર પહેલા દાદા અને ત્યાર બાદ પિતાએ દુષ્કર્મ આચર્યું હતું. કામરેજ તાલુકાના વેલંજા ગામે રહેતી ૧૫ વર્ષીય કિશોરીના પિતાનું મોત થતા તેની માતાએ મૂળ મહેસાણાના એક વ્યક્તિ સાથે બીજા લગ્ન કર્યા હતા. માતા બીજા પતિના ઘરે તેની દીકરીને સાથે લઈ ગઈ હતી.

જ્યાં ત્રણ વર્ષ પહેલા કિશોરીની માતાનું મોત થયું હતું. આ સમયે કિશોરી નવમાં ધોરણમાં અભ્યાસ કરતી હતી. માતાના મોત બાદ કિશોરી સાવકા પિતા અને સાવકા દાદા સાથે એકલી રહેતી હતી. ત્રણ વર્ષે પહે કિશોરી ઘરે એકલી હતી, ત્યારે એકલતાનો ગેરફાયદો ઉઠાવીને તેના સાવકા દાદાએ તેણી પર નજર બગાડી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

તે બાદમાં અવારનવાર તેની સાથે બળજબરી કરીને તેણીને ગર્ભવતી બનાવી દીધી હતી. આ હકીકત કિશોરીના સાવકા પિતાને ખબર પડતા પિતાએ આ મામલે ફરિયાદ કરવાના બદલે કિશોરીનો ગર્ભપાત કરાવી સમગ્ર ઘટના પર પડદો પાડ્‌યો હતો. થોડા સમય પછી ખુદ સાવકા બાપે કિશોરી પર નજર બગાડી હતી. પહેલા સાવકા દાદા અને પછી સાવકા પિતાએ કિશોરી પર નજર બગાડીને તેણી સાથે વારંવાર શરીર સંબંધ બાંધ્યો હતો.

એક દિવસ કિશોરી રાજકોટ રહેતા તેના મામાના ઘરે ગઈ હતી. કિશોરીએ આ અંગે તેના મામાને વાત કરતા તેમણે રાજકોટ પોલીસમાં આ અંગે ફરિયાદ આપી હતી. જે બાદમાં રાજકોટ પોલીસે કિશોરીના સાવકા પિતા અને સાવકા દાદા સામે ફરિયાદ નોંધીને આ ફરિયાદ સુરત પોલીસને ટ્રાન્સફર કરી હતી. આ મામલે સુરત ગ્રામ્ય મહિલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.