કુકાવાવનું આ ગામનું આયુષ્યમાન આરોગ્ય મંદિર બન્યું રાષ્ટ્રીય કક્ષાનું કેન્દ્ર

અમદાવાદ, કુકાવાવ તાલુકાના બાંટવા દેવળી ગામનું આયુષ્યમાન આરોગ્ય મંદિર હવે રાષ્ટ્રીય કક્ષાના માપદંડ ધરાવતું આરોગ્ય કેન્દ્ર બની ગયું છે. નેશનલ ક્વોલીટી એન્સોરન્સ માપદંડ મુજબ પસંદગી પામેલા આ કેન્દ્રની રાષ્ટ્રીય કક્ષાની ટીમે મુલાકાત લીધી હતી.
નિરીક્ષણ દરમિયાન ટીમે કેન્દ્રના સ્ટાફનો ઈન્ટરવ્યુ લીધો હતો અને રેકોર્ડ રજિસ્ટર તેમજ અન્ય આરોગ્યલક્ષી સેવાઓનું ઝીણવટભર્યું અવલોકન કર્યું હતું. આ તમામ બાબતોનો અહેવાલ કેન્દ્ર સરકારને રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બાંટવા દેવળી આયુષ્યમાન આરોગ્ય મંદિરને નેશનલ ક્વોલીટી એન્સોરન્સ સ્ટાન્ડર્ડનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
આ સિદ્ધિ મેળવવામાં જિલ્લા આરોગ્ય અધિકારી ડા. આર.એમ. જોષી, ડા. આર.કે. જાટ, ડા. વ્યાસ, ડા. ધડુક તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડા. ડી.બી. બલદાનિયાના માર્ગદર્શન હેઠળ કેન્દ્રના તમામ સ્ટાફે મહત્વનો ફાળો આપ્યો હતો. આ ઉપરાંત આશા વર્કર બહેનો શિલ્પાબેન, જાગૃતિબેન, કૈલાસબેન અને જયાબેન સહિતના કર્મચારીઓએ પણ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.