Western Times News

Gujarati News

ખ્યાતિ હોસ્પિટલ: કાર્તિક પટેલ વિરૂધ્ધની પુરવણી ચાર્જશીટ પણ ટુંક સમયમાં કરાશે

ભારતીય ન્યાય સંહિતા અંતર્ગત કોઇ તબીબ પર સાપરાધ મનુષ્ય વધની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હોવાનો કદાચિત ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ કિસ્સો

Ø  ખ્યાતિ ઘટના પહેલા PMJAY-મા યોજના અંતર્ગત ગેરરિતી બદલ રાજ્યમાં કુલ ૫૨ હોસ્પિટલ અને ૦૩ ડૉકટર તેમજ ઘટના બાદ ૨૨ હોસ્પિટલ અને ૦૬ ડૉકટર્સ મળીને કુલ ૭૪ હોસ્પિટલ અને ૦૯ ડૉકટર્સ સસ્પેન્ડ કરાયા : હાલ ૨૮ હોસ્પિટલ સસ્પેન્ડ

Ø  અત્યાર સુધીમાં કુલ રૂ. ૧૯.૯ કરોડની પેનલ્ટી લગાવવામાં આવી.

Ø  એન્જીયોગ્રાફી સહિતની વિવિધ પ્રોસીઝરમાં ફરજીયાત વીડિયો કન્સેન્ટ(સંમતિ) લેવાની જોગવાઇ કરાઇ

Ø  આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવા CDHOની પરવાનગી અને સરકારી પ્રતિનિધિની હાજરી સુનિશ્ચિત કરાઇ

Ø  સારવાર સંબધિત કામગીરીનું સઘન મોનિટરીંગ કરવા સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ (SAFU)ને વધુ સુદ્રઢ કરીને છેતરપિંડીના બનાવો અટકાવવા માટે સરકારી તેમજ GMERS મેડિકલ કૉલેજમાંથી ૪૩ ટીમનું ગઠન કરાયુ

Ø  CDHO/MOH દ્વારા મહિનામાં ઓછામાં ઓછી બે હોસ્પિટલોની ઓડિટ વિઝિટ કરવાની  જોગવાઇ કરાઇ

Ø  કાર્ડિયોલોજીઓન્કોલોજીનિઓનેટલ કેર અને TKR/THR (ની અને હીપ રીપલેસમેન્ટ) માટે નવીન  SOP લાગુ કરાઇ

આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા, અને હોસ્પિટલમાં ગેરરિતી આચરતા લોકોને સરકાર ક્યારેય સાંખી લેશે નહીં. આવા લોકો સામે સરકારે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરી છે અને આગળ પણ ધરશે.

તાજેતરમાં અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટના સંદર્ભે ગુજરાત વિધાનસભામાં આજે પુછાયેલ પ્રશ્નોતરીના જવાબમાં આરોગ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ખ્યાતિ હોસ્પિટલમાં બનેલ ઘટના અમાનવીય છે.

 હોસ્પિટલમાં સંકળાયેલા તબીબો, સંચાલકો દ્વારા હાથ ધરવામાં આવેલ અમાનવીય કૃત્ય બદલ તેમની સામે સરકારે પ્રથમ ફરિયાદી બનીને સખ્તમાં સખ્ત કાર્યવાહી અને સજા થાય તેવા પ્રયાસો હાથ ધર્યા છે.

ભારતીય ન્યાય સંહિતા અંતર્ગત આ તમામ ગુનેગારો વિરૂધ્ધ સાપરાધ મનુષ્ય વધ, ખોટા દસ્તાવેજ ઉભા કરવા, છેતરપીંડી સહિતની કલમો લગાવામાં આવી છે.

સરકારે નિયત સમયમાં ચાર્જશીટ ફાઇલ કરીને તમામ ગુન્હેગારોને જલ્દી સજા મળે અને રાજ્યમાં અન્ય લોકો આ પ્રકારનું કૃત્ય કરતા ચેતે તે માટેના પ્રયાસો હાથ ધર્યા હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતુ. ટુંક સમયમાં હોસ્પિટલના માલિક કાર્તિક પટેલ વિરૃધ્ધ પણ પુરવણી ચાર્જશીટ દાખલ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ હતુ.

   અત્રે ઉલ્લેખનીય છે કે, આજે પ્રશ્નોતરી કાળમાં શરૂઆતના મુખ્ય ૨૦ પ્રશ્નોમાંથી લગભગ સાત જેટલા પ્રશ્નો ખ્યાતિ હોસ્પિટલમાં બનેલ ઘટના અને PMJAY-મા યોજના સંદર્ભે હતા .જે તમામના જવાબ આપવા અને ગૃહમાં ઉપસ્થિત તમામ લોકોને તમામ જરૂરી અને મહત્વની માહિતીથી માહિતગાર કરાવવા આરોગ્ય મંત્રીશ્રીએ પૂરેપૂરી તૈયારી દાખવી હતી.

ખ્યાતિ હોસ્પિટલ ઘટના સંદર્ભે વિવિધ ધારાસભ્યશ્રીઓ દ્વારા ગૃહમાં પુછવામાં આવેલ પ્રશ્નોના મંત્રીશ્રીએ આપેલ જવાબ

મંત્રીશ્રીએ જવાબમાં જણાવ્યું હતુ કે, આ ઘટના ધ્યાને આવતાં આરોગ્ય વિભાગ દ્વારા વિગતે તપાસ માટે યુ.એન.મહેતાના કાર્ડિયોલોજિસ્ટ, સોલા સિવિલ હોસ્પિટલની નિષ્ણાત ટીમ તથા સ્ટેટ એન્ટી-ફ્રોડ યુનિટની ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી.

ટીમ દ્વારા તમામ ૧૯ કેસના રેકર્ડની તપાસ કરાઇ. દાખલ દર્દીઓના કેસપેપર્સ તપાસવામાં આવ્યા. એન્જિયોગ્રાફી તથા એન્જિયોપ્લાસ્ટીના ડીજીટલ રેકર્ડ તપાસવામાં આવ્યા.

જેમાં મોટાભાગના કેસમાં સર્જરી માટે દર્દીઓ/સંબંધીઓની સંમતિ લેવામાં આવી ન હોવાનું,દર્દીઓના તબીબી રેકોર્ડની સમીક્ષામાં મોટાભાગના દર્દીઓમાં એન્જીયોગ્રાફી/એન્જિયોપ્લાસ્ટીની જરૂરિયાત ન હોવાનું, મૃત્યુનું કોઈ ચોક્કસ કારણ રેકોર્ડ પર જણાવેલ ન હોવાનું  તેમજ પ્રાથમિક દૃષ્ટિએ દર્દીઓને હૃદયની કોઈ ગંભીર બીમારી હોવાનું જણાયેલ ન હતું . તેઓને એન્જિયોગ્રાફી/એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવશે તેવી કોઈપણ પ્રકારની સમજ કે માહિતી આપવામાં આવી ન હોવાનું જણાયું હતુ.

ટીમના પ્રાથમિક તારણોને ધ્યાનમાં લીધા બાદ ખ્યાતી હોસ્પિટલના દાવાની રૂ. ૩.૧૭ કરોડની ચુકવણી અટકાવી (Payment Stop)દેવાઇ, યોજના અંતર્ગત ખ્યાતી હોસ્પિટલને યોજનામાંથી કાયમી ધોરણે ડી-એમ્પેનલ કરવામાં આવી તેમજ ડૉ. પ્રશાંત વજીરાણીને યોજનામાંથી કાયમી ધોરણે બરતરફ કર્યા. ગુજરાત મેડ઼િકલ કાઉન્સીલ(GMC) એ ડૉ. પ્રશાંત વજીરાણી અને ડૉ. સંજય પટોલીયાના લાયસન્સ ત્રણ વર્ષની સમયમર્યાદા માટે રદ્દ કર્યા છે.

ખ્યાતિ હોસ્પિટલ જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે લેવાયેલ સુધારાત્મક પગલા :

યોજના સંલગ્ન તમામ હોસ્પિટલોને મેડિકલ કેમ્પનું આયોજન કરવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની પરવાનગી અને કેમ્પમાં સરકારી પ્રતિનિધિની હાજરી સુનિશ્ચિત કરાઇ.

રાજ્યની તમામ હોસ્પિટલો ખાતે સારવાર સંબધિત કામગીરીનું સઘન મોનિટરીંગ કરવા માટે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ (SAFU)ને વધુ સુદ્રઢ કરીને છેતરપિંડીના બનાવો અટકાવવા માટે સરકારી તેમજ  GMERS Medical Collegesમાંથી જુદી-જુદી – ૪૩ ટીમનું ગઠન કરાયું.

CDHO/MOH દ્વારા માસિક ધોરણે ઓછામાં ઓછી બે હોસ્પિટલોની ઓડિટ વિઝિટ કરવાની રહે તે જોગવાઇ કરાઇ.

વીમા કંપની દ્વારા પણ વધુ સંખ્યામાં સ્પેશ્યાલિસ્ટ તથા સુપર સ્પેશ્યાલિસ્ટ ઉપલબ્ધ કરીને ડેસ્ક ઓડિટ તથા ફિલ્ડ ઓડિટ સઘન બનાવવામાં આવી.

ભવિષ્યમાં આવા કિસ્સા ન બને તે માટે કાર્ડિયોલોજી, ઓન્કોલોજી, નિઓનેટલ કેર અને TKR/THR (ની અને હીપ રીપલેસમેન્ટ) માટે નવીન  SOP બહાર પાડવામાં આવી. ખ્યાતિ હોસ્પિટલની ઘટના બાદ યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન કરનાર હોસ્પિટલો અને તબીબો વિરુધ્ધ કરાયેલ કાર્યવાહી :

મંત્રીશ્રી એ આ પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતુ કે, ખ્યાતિ હોસ્પિટલની ઘટના બાદ રાજ્યમાં PMJAY-મા યોજના અંતર્ગત ગેરરિતી બદલ કુલ-૨૨ હોસ્પિટલ સસ્પેન્ડ કરીને અંદાજીત રૂ. ૩.૧૩ કરોડ અને તે પહેલા કુલ ૫૨ હોસ્પિટલ સસ્પેન્ડ કરીને કુલ રૂ. ૧૬.૭૭ એમ મળીને અત્યારસુધીમાં કુલ-૭૪ હોસ્પિટલ સસ્પેન્ડ કરીને અંદાજીત રૂ.૧૯.૯ કરોડની પેનલ્ટી લગાવામાં આવી હતી.

ખ્યાતિ ઘટના પહેલા યોજના અંતર્ગત ગેરરિતી બદલ ત્રણ તબીબો અને ઘટના બાદ ૬ મળીને કુલ ૯ તબીબોને યોજનામાંથી સસ્પેન્ડ/બરતરફ કરાયા હોવાનું મંત્રી શ્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.