120 કરોડ સનાતનીઓમાંથી અડધાએ મહાકુંભમાં ભાગ લીધો

કુંભમાં મહાશિવરાત્રિના સ્નાન માટે ભારે ભીડ
(એજન્સી) પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે, જેમાં ૨૬મી ફેબુÙઆરીએ મહાશિવરાત્રિના દિવસે અંતિમ સ્નાન હોવાથી અસંખ્ય શ્રદ્ધાળુઓ અત્યારથી જ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. ૨૩મી તારીખે રવિવારની રજા અને ઉપરથી કુંભ મેળાનો અંતિમ વિકેન્ડ હોવાથી અસંખ્ય લોકો મેળામાં પહોંચી ગયા છે. જોકે બીજી તરફ ભારે ભીડને કારણે શ્રદ્ધાળુઓએ ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે.
પ્રયાગરાજની આસપાસ ૨૫ કિમી સુધી ટ્રાફિક જામ રહ્યો હોવાથી લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને બાળકો મુશ્કેલીમાં મુકાયા હતા.
પોલીસ પ્રશાસન પણ હાલ સતર્ક છે અને પ્રયાગરાજ તરફ જનારા લોકોની સુરક્ષા માટે ડ્રોનથી ચાંપતી નજર રખાઇ રહી છે. પ્રયાગરાજ ઝોનના આઇજી પ્રેમ ગૌતમ, એસપી બૃજેશ કુમાર શ્રીવાસ્તવ, એએસપી રાજેશસિંહ સહિત મોટા પ્રમાણમાં પોલીસ જવાનો હાલ હાઇવે પર ટ્રાફિક કન્ટ્રોલ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. એટલે કે યોગી સરકારે ભીડ અને ટ્રાફિકને ધ્યાનમાં રાખીને વધુ છ આઇપીએસ અધિકારી તૈનાત કર્યા છે.
૨૬મીએ એક સાથે લાખોની સંખ્યામાં લોકો પ્રયાગરાજમાં પહોંચશે તેને ધ્યાનમાં રાખીને હાલ પ્રયાગરાજ તરફના રસ્તાઓ પહોળા કરવાની સાથે ડાયવર્ઝન વધારી દેવામાં આવ્યું છે.શનિવાર અને રવિવારથી જ પ્રયાગરાજ તરફ જનારા રસ્તા પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. હાઇવેથી લઇને શહેર અને સંગમ તરફ જનારા વાહનોની લાંબી લાઇનો લાગી હતી. પ્રયાગરાજ શહેરમાં જ વ્યાપક જામ હોવાથી શ્રદ્ધાળુઓને પગપાળા ચાલવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
અહીંના નૈની તેમજ ઝૂંસી રેલવે માર્ગ, પ્રયાગરાજ જંક્શન, શાસ્ત્રી બ્રિજ, નૈની નયા પુલ સહિતના વિસ્તારોમાં રોડ અસંખ્ય વાહનોને કારણે જામ થઇ ગયા છે. ટ્રાફિક એટલો છે કે એમ્બ્યુલંસને જવા માટે પણ રસ્તો નથી મળી રહ્યો. જેને કારણે ગંભીર રીતે બીમાર દરદીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભીડને કારણે પ્રયાગરાજ અને આસપાસના વિસ્તારોમાં વેપાર પણ ઠપ રહ્યો.
હાલ વાહનોની સંખ્યા એટલી વધી ગઇ છે કે તેમને વચ્ચે જ તૈયાર કરાયેલા પાર્કિંગમાં પાર્ક કરાવાઇ રહી છે અને વાહનોમાં આવનારા શ્રદ્ધાળુઓને બાદમાં શટલ બસો, ઇ-રિક્ષાઓ કે પગપાળા જ સંગમ તરફ રવાના કરાઇ રહ્યા છે. દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે કહ્યું હતું કે સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મનું પાલન કરનારા ૧૨૦ કરોડ લોકોમાંથી અડધા સનાતનીઓ એટલે કે આશરે ૬૨ કરોડ શ્રદ્ધાળુઓેએ મહાકુંભનો લાભ લીધો હતો.