પાન મસાલાની જાહેરાત કરવા બદલ શાહરુખ, અજય અને ટાઈગર શ્રોફને લીગલ નોટિસ મળી

(એજન્સી) કોટા, બોલીવિડના સુપર સ્ટાર શાહરુખ ખાન, અજય દેવગન અને ટાઈગર શ્રોફને બોલો જુબાં કેસરી પાન મસાલાની વિજ્ઞાપન કરવી ભારે પડી છે. હાલમાં જ રાજસ્થાનના કોટામાં એક સામાજિક કાર્યકર્તાએ આ ત્રણેય એક્ટર વિરુદ્ધ કન્ઝ્યૂમર કોર્ટમાં ફરિયાદ કરી દીધી છે. ફરિયાદમાં કહેવાયું છે કે, બોલો જુબાં કેસરીમાં આ એક્ટર કેસર યુક્ત પાન મસાલાનો પ્રચાર કરીને યુવાનોને ગુમરાહ કરી રહ્યા છે.
તેના પર આયોગે ન ફક્ત આ બોલીવુડ સ્ટારને પણ આ પ્રોડક્ટ બનાવતી કંપનીને પણ નોટિસ ફટકારી ૨૧ એપ્રિલ સુધીમાં જવાબ માગ્યો છે. કોટામાં ભાજપના નેતા અને સિનિયર વકીલ વિવેક નંદવાના સાથે ઈંદ્ર મોહન હનીએ ગ્રાહક સુરક્ષા અધિનિયમની ધારા ૮૯ અંતર્ગત ફરિયાદ દાખલ કરી હતી.
તેમનું કહેવું છે કે કેસર એક મોંઘો મસાલો છે, જેની કિંમત હજારો રુપિયા પ્રતિ ગ્રામ હોય છે. ત્યારે આવા સમયે પાન મસાલા, જે ખૂબ જ મામૂલી કિંમતે વેચાય છે, તેમાં અસલી કેસર હોવાનો દાવો શંકાસ્પદ છે.
અરજીકર્તાએ તર્ક આપ્યો છે કે, આ દાવાની કોઈ વૈજ્ઞાનિક પુષ્ટિ નથી થઈ. તેમનો આરોપ છે કે આ જાહેરાત યુવાનોને પાન મસાલા ખાવા માટે ઉકસાવી રહી છે, જેનાથી સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે. આ ઉપરાંત પાન મસાલા પેકેટ પર ચેતવણી નાના અક્ષરોમાં લખાયેલી હોય છે, જેને વાંચવી પણ મુશ્કેલ છે.