Western Times News

Gujarati News

પ્રજાના રૂપિયા, પ્રજા માટે ખર્ચ કરવામાં કેટલાક અમદાવાદના કોર્પોરેટરો કંજૂસ

કાઉન્સિલરોને ખાસ બજેટ આપવામાં આવે છે પરંતુ મોટાભાગના કાઉન્સિલરો તેમની આળશ કે અણઆવડતને કારણે બજેટનો યોગ્ય અને પુરતો ઉપયોગ કરતા નથી.

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને પ્રાથમિક સુવિધા ઝડપથી મળી રહે તે માટે કાઉન્સિલરોને ખાસ બજેટ આપવામાં આવે છે પરંતુ મોટાભાગના કાઉન્સિલરો તેમની આળશ કે અણઆવડતને કારણે બજેટનો યોગ્ય અને પુરતો ઉપયોગ કરતા નથી.

નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ૧૯ ફેબ્રુઆરી સુધી ૧૯૨ પૈકી ૭૦ જેટલા કોર્પોરેટરો ના રૂ.૫ લાખ કે તેથી વધુ રકમના બજેટ વણ વપરાયેલ છે. મતલબ કે, પ્રજા ના રૂપિયા, પ્રજા માટે ખર્ચ કરવામાં પણ નગરસેવકો કંજુસાઈ કરી રહ્યા છે. જેમાં પૂર્વ મેયર કિરીટભાઈ, પૂર્વ પક્ષ નેતા ભાસ્કર ભટ્ટ અને પૂર્વ દંડક અરૂણ રાજપૂનો પણ સમાવેશ થાય છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેટરોને તેમના વોર્ડમાં પ્રજાલક્ષી કામો કરવા માટે દર વર્ષે રૂ.૪૦ લાખનું બજેટ આપવામાં આવે છે. સામાન્ય રીતે કોર્પોરેટરોએ આ બજેટની રકમ ૩૧ ડીસેમ્બર સુધી લખવી પડે છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રૂ. ૪૦ લાખના બજેટ ઉપરાંત ૧૦ ટકા વધારાનું બજેટ આપવામાં આવે છે મતલબ કે ૪૦ લાખને બદલે તેઓ ૪૪ લાખ સુધી પ્રજાકિય કામો માટે નાણાંનો ઉપયોગ કરી શકે છે.

પરંતુ કોંગ્રેસ અને ભાજપના કેટલાક કોર્પોરેટરોએ મુદત પૂર્ણ થઈ હોવા છતાં તેમના મતદારો માટે બજેટનો ઉપયોગ કર્યો જ નથી. જેમાં રૂ.૧૦ લાખ કે તેથી વધુ રકમ હજી સુધી પ્રજા માટે ખર્ચ કરી નથી તેવા ૩૧ કોર્પોરેટર છે.

અમુક વોર્ડ એવા છે કે તેના તમામ ચાર કોર્પોરેટરો પ્રજાકીય કામો માટે નીરસ રહયા છે.જેમાં સૈજપુર બોઘા, વિરાટનગર, એસ.પી.સ્ટેડિયમ તેમજ સાબરમતી વોર્ડ મુખ્ય છે.

નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં રૂ.૫ લાખ થી રૂ.૧૦ લાખ સુધી જેમના બજેટ હજી સુધી ખર્ચ થયા નથી તેમાં કોર્પોરેટર/ધારાસભ્ય દિનેશ કુશવાહ ના રૂ.૫૨૧૬૪૭, કંચનબેન રાદડિયા ના રૂ.૬૯૮૫૦૪, સમીરા શેખ ના રૂ.૭૧૦૮૦૦, સુહાનાબેન મન્સૂરીના રૂ.૭૫૭૬૦૦, મહાદેવ દેસાઈના રૂ ૯૨૨૩૮૦, ભરતભાઈ કાકડીયાના રૂ.૯૭૮૪૦૩ અને કમલેશ પટેલ (ખોખરા)ના રૂ.૯૮૯૮૪૬ મુખ્ય છે.

જો કે, અહીં એ બાબતની પણ નોંધ લેવી જરૂરી છે કે ઘણી વખત કોર્પોરેટરો ઘ્‌વારા બજેટ લખી આપવામાં આવે છે પરંતુ તેની સમયસર નોંધણી ન થવાના કારણે પણ બજેટ વણવપરાયેલ રહે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.