સાવલી પાસેના મોકસી ગામેથી 3.5 કરોડના એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે ઝડપાયા

પ્રતિકાત્મક
વડોદરા, વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મોકસી ગામની સીમમાં આવેલ અવાવરું ખેતરના ઝૂંપડા, મકાનોમાં જિલ્લા એસઓજીની ટીમે દરોડા પાડી ડ્રગ્સ બનાવવાની મશીનરી, રો મટીરિયલ સહિત મેફેડ્રોનનો જથ્થો ઝડપી પાડયો હોવાનું પોલીસ સૂત્રોથી જાણવા મળ્યું છે. સાડા ત્રણ કરોડના ડ્રગ્સ સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
જિલ્લા એસઓજી પોલીસને બાતમી મળી હતી કે સાવલી તાલુકાના મોકસી ગામની સીમમાં રાણીયા જવાના રસ્તા પર જગદીશભાઈ મહુડા પોતાના ખેતરમાં પ્રેમચંદ મહંતો સાથે આવેલ અવાવરું ખેતરના ઝૂંપડા, મકાનોમાં ડ્રગ્સનો કાળો કારોબાર કરી રહ્યો છે. જે બાતમીના આધારે એસઓજી પોલીસની ટીમે મોડી રાતે બેટરીના અજવાળાના સહારે મોકસી ગામની સીમમાં આવેલા અવાવરું ખેતરના ઝૂંપડા, મકાનોમાં દરોડો પાડયો હતો.
મધરાત સુધી ચાલેલી આ કાર્યવાહીમાં શંકાસ્પદ સિન્થેટિક ડ્રગ્સનો જથ્થો મળી આવતા એસઓજી પોલીસે એફએસએલની મદદ લીધી હતી. દરોડા અને શંકાસ્પદ જથ્થાની તપાસની કામગીરી ચાલી રહી છે. શંકાસ્પદ સિન્થેટિક ડ્રગ્સના જથ્થા સાથે એસઓજીની ટીમે જગદીશભાઈ જીતસિંહ મહીડા તથા મૂળ બિહારના તથા વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતા પ્રેમચંદકુમાર હરીનારીયણ મહંતો અટકાયત પણ કરી છે જેની હાલ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સાવલી તાલુકામાં મોકલી ખાતેથી ગુજરાત એટીએસએ દરોડા પાડી ડ્રગ્સ બનાવતી મીની ફેકટરી ઝડપી પાડી કરોડો રૂપિયાનો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો
ત્યારે વધુ એકવાર જિલ્લા એસઓજીની ટીમે મોકસી ગામની સીમમાં આવેલ અવાવરું ખેતરમાં ચાલતા ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ કરી ડ્રગ્સ બનાવવાની મશીનરી અને રો-મટીરિયલનો વિપુલ માત્રા જથ્થો ઝડપી પાડયો છે. પોલીસે કુલ સાડા ત્રણ કરોડની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું છે.
ઝડપાયેલા જગદીશભાઈ અગાઉ ગાંધીનગર સીઆઈડીના ગુનામાં પણ ઝડપાયા હતા. પોલીસે વડોદરાના ગુનામાં ચીરાગ ગિરીશ પટેલ, બિહારના ઔરંગાબાદના વિપુલસિંગ તથા અન્ય એકની શોધખોળ શરૂ કરી છે.