ખાનગી શૈક્ષણિક સંસ્થા પાસે ખંડણી માંગવા જતાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખના 5 નેતા પકડાયા

સુરત, સુરતમાં નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI) કોંગ્રેસની વિદ્યાર્થી પાંખના નેતાઓ ખાનગી શૈક્ષણિક સંસ્થા પાસે ખંડણી માંગવા જતાં પોલીસના હાથે પકડાયા છે.
આ અંગે ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે, સારોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારની અંદર રેન્ડ એન્ડ વ્હાઈટ મલ્ટી મીડિયા એજ્યુકેશન, ક્રિએટિવ ડિઝાઈન અને સ્કીલ એજ્યુકેશન ઈન્સ્ટીટયુટ આવેલી છે. એનએેસયુઆઈના રવિ રામજીભાઈ પૂછડિયા, ધીરેન્દ્રસિંહ મહેન્દ્ર સોલંકી સહિતના લોકોએ પ્રેસ કોન્ફરન્સ પણ કરી આ સંસ્થા યુનિવર્સિટીની બોગસ ડિગ્રી આપે છે.
ત્યારબાદ ઈન્સ્ટાગ્રામમાં આ સંસ્થા વિરૂદ્ધમાં રિલ્સ બનાવી એનો પણ ખૂબ પ્રચાર પસાર કર્યો હતો. પછીથી એ લોકોને કીધું કે જો તમે અમને એક કરોડ રૂપિયા નહીં આપો તો તમને દસ વર્ષથી વધુ સજાના ગુનામાં ફિટ કરાવી દઈશું. અમારી ખૂબ ઓળખાણ છે. અમારા વિવિધ લોકો સાથે ફોટા છે. સંસ્થાના સંચાલકોની રકઝકને અંતે ૬૦ લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું.
રૂ. ૧,પ૦,૦૦૦ તો અગાઉ જ ઈન્સ્ટીટયુટ પાસેથી બળજબરી કઢાવી લીધા હતા. ત્યારબાદ ર૦-૦ર-ર૦રપના રોજ બીજા પાંચ લાખ લેવા આવ્યા હતા ત્યારે આ લોકો પૈસા સ્વીકારતા રંગહાથ છૂપા કેમેરામાં કેદ થઈ ગયા હતા. રવિ રામજીભાઈ પૂછડિયા, પ્રીત ચાવડા, ધીરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સોલંકી, મિતેશ ધીરૂભાઈ અઢીયા તથા તુષાર ગોપાલભાઈ મકવાણા આ પાંચ આરોપી પકડાયા છે.
આ ઉપરાંત બે આરોપીઓ અભિષેક ચૌહાણને પકડવાના બાકી છે. આરોપીઓએ એનએસયુઆઈના પ્રમુખ તરીકે ઓળખાણ આપી હતી.