બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ સમયસર કેન્દ્ર પર પહોંચે તે માટે ટ્રાફિક પોલીસનું આયોજન

પ્રતિકાત્મક
ધો.૧૦ અને ૧રની બોર્ડ પરીક્ષાનું કાઉન્ટડાઉન શરૂ
(એજન્સી)અમદાવાદ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવી રહેલી ધો.૧૦ અને ૧રની પરીક્ષા ર૭ ફેબ્રુઆરીના રોજ શરૂ થઈ રહી છે. વિદ્યાર્થીઓને ખાસ સૂચના આપવામાં આવી રહી છે કે તેઓ પરીક્ષા સમયે બ્રિજ નીચેથી જાય તો તેમને ઘણા વિકલ્પ મળી શકે છે. આથી પરીક્ષા સમયે વિદ્યાર્થીઓએ બ્રિજનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ,
કેમ કે ઘણીવા બ્રિજ પર અકસ્માત થયો હોય કે કોઈ વાહન બંધ પડી ગયું હોય તો ટ્રાફિકજામ થઈ શકે છે. આવા સમયે પોલીસ કર્મીને પણ બ્રિજ પર પહોંચવું મુશ્કેલ બને છે. જેથી વિદ્યાર્થીઓ બ્રિજ નીચેથી જાય તો તેમને ઘણા વિકલ્પો મળી શકે છે એટલું જ નહીં પોલીસ પણ તેમને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડી શકે છે.
પરીક્ષાના પગલે અલગ અલગ ૧૧ પ્રકારની પ્રવૃત્તિઓ ને પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટર ત્રિજ્યામાં નહીં કરવાનું જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ધો.૧૦ અને ૧રની બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીઓને શાંતિ રહે અને લેખનકાર્યમાં અડચણ તેમજ વિશષ ધ્યાનભંગ થાય તેવી પ્રવૃત્તિ પરીક્ષા કેન્દ્રમાં ૧૦૦ મીટરથી વધુના વિસ્તારમાં નહીં કરી શકાય. ઉપરાંત પરીક્ષા કેન્દ્ર પાસે ઝેરોક્ષની દુકાનો પણ બંધ રાખવાની સાથે સાથે ૧૦૦ મીટર વિસ્તારમાં અનધિકૃત વ્યક્તિઓએ પ્રવેશ કરવો નહીં.
પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને ટ્રાફિક સમસ્યાનો સામનો ન કરવો પડે અને તેઓ સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે શહેર ટ્રાફિક શાખા દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા શરૂ થવાના સમયે તેમજ છૂટવાના સમયે ટ્રાફિક શાખાના અધિકારીઓ પોતાની જવાબદારીના વિસ્તારોમાં પેટ્રોલિંગ રાખશે.
ટ્રાફિક જામ થવાની શક્યતા ધરાવતી જગ્યાઓએ ખાસ પોલીસ તૈનાત કરવામાં આવશે જેથી વાહન વ્યવહાર સરળ બની રહે.
સમગ્ર શહેરના વિવિધ ટ્રાફિક રિઝિયન માટે ટીમની પણ ફાળવણી કરવામાં આવી છે. આ ટીમો સરકારી મોટર સાયકલ પર તૈનાત રહેશે અને કોઈ પણ વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાઈ જાય તો તેને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં મદદ કરશે. જો કોઈ પરીક્ષાથી ટ્રાફિકજામમાં ફસાઈ જાય તો ટ્રાફિક હેલ્પલાઈન પર કોલ કરીને મદદ મેળવી શકે.
પરીક્ષા માટે સમયસર નીકળવું અને ટ્રાફિકને ધ્યાનમાં રાખીને અડધા કલાક અગાઉ જ પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જવું. ખૂબ ભીડવાળી જગ્યાઓ અને ટ્રાફિક પ્રભાવિત વિસ્તારોને ટાળી વિકલ્પરૂપના રસ્તાઓ પસંદ કરવા. વિદ્યાર્થિનીઓ માટે ખાસ મહિલા પોલીસ કર્મચારીઓ મદદ માટે ફાળવવામાં આવ્યા છે. ટ્રાફિક હેલ્પલાઈન પર કોલ મળતાની સાથે જ પોલીસ પેટ્રોલિંગ ટીમને જાણ કરવામાં આવશે. ટ્રાફિકમાં ફસાયેલા વિદ્યાર્થીઓ માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે અને મજબૂત વ્યવસ્થાની ખાતરી પણ આપવામાં આવશે.
કેટલીક શાળાઓમાં ધો.૧૦ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓની રજૂઆત કરી હતી સાથે જ વિદ્યાર્થીઓને શુભેચ્છા સંદેશ-આશીર્વચન અપાયા હતા. ઉપરાંત પરીક્ષાલક્ષી સૂચનો પણ આપવામાં આવ્યા હતા. શાળા દ્વારા વર્ષ દરમિયાન યોજાયેલી વિવિધ પ્રવૃત્તિઓમા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઈનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
ધો.૧૦ અને ૧રની બોર્ડ પરીક્ષામાં ગેરરીતિને અટકાવવા માટે કલાસ-૧ અધિકારીઓને સ્કવોડની ડયુટી સોંપવામાં આવી છે તેમાં પરીક્ષાના ત્રણ કલાક સુધી અધિકારીને આપેલા પરીક્ષા કેન્દ્રમાં રહીને વિદ્યાર્થીઓ સમયસર આવી ગયા કે નહીં તે જોવાનું રહેશ. પ્રશ્નપત્ર આવવામાં નિયત કરેલા નિયમોનું પાલન થાય છે કે નહીં તેની જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત સીસીટીવી કેમેરા દ્વારા મોનિટરિંગ યોગ્ય રીતે કરવામાં આવે છે કે નહીં તે સહિતની માહિતી આપતી તાલીમ યોજવામાં આવી હતી.