અર્બન કો-ઓ. બેન્કો માટે સ્મોલ વેલ્યૂ લોનની મર્યાદા વધારી રૂ.૩ કરોડ કરાઈ

RBI એ નવી ગાઈડલાઈન તાત્કાલિક અસરથી અમલી બનાવી
અગાઉ અર્બન કો-ઓપરેટિવ બેન્કોએ તેમની સ્મોલ વેલ્યૂ લોન કુલ ધિરાણના ઓછામાં ઓછા ૫૦ ટકા રાખવી પડતી હતી
મુંબઈ, રિઝર્વ બેન્કે અર્બન કો-ઓપરેટિવ બેન્કો માટે સ્મોલ વેલ્યૂ લોનની વ્યાખ્યામાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યાે છે, જે અંતર્ગત લોન વેલ્યૂ રૂ.૨૫ લાખથી વધુ ન હોય અથવા તેમની ટિયર-૧ મૂડીના ૦.૪ ટકાથી (બેમાંથી જે વધારે હોય) તેને સ્મોલ લોન ગણાશે, જેમાં લોનધારકદીઠ મહત્તમ રૂ. ૩ કરોડની લોન મળી શકશે. નવી ગાઈડલાઈન તાત્કાલિક અસરથી અમલી બનાવી દેવાઈ છે. અગાઉ અર્બન કો-ઓપરેટિવ બેન્કોએ તેમની સ્મોલ વેલ્યૂ લોન કુલ ધિરાણના ઓછામાં ઓછા ૫૦ ટકા રાખવી પડતી હતી અને તેમાં પણ રૂ.૨૫ લાખથી વધુ ન હોય અથવા ટિયર-૧ મૂડીના ૦.૨ ટકા પૈકી જે વધુ હોય તે સ્મોલ વેલ્યૂ લોન ગણવામાં આવતી હતી અને લોનધારકદીઠ મહત્તમ રૂ.૧ કરોડની લોન આપવામાં આવતી હતી.
જોકે આરબીઆઈએ ટાઈમલાઈન અને ઈન્ટરમીડિયેટ ટારગેટ સહિતના નિયમો યથાવત્ રાખ્યા છે. આ ઉપરાંત આરબીઆઈએ કહ્યું કે અર્બન કો-ઓપરેટિવ બેન્કો દ્વારા રેસિડેન્શિયલ મોર્ગેજ (ઈન્ડિવિડ્યૂઅલ્સને અપાતી હાઉસિંગ લોન)નું એક્સપોઝર તેમની કુલ લોનના ૨૫ ટકાથી વધવું ન જોઈએ. રેસિડેન્શિયલ મોર્ગેજ સિવાય રિયલ એસ્ટેટમાં એક્સપોઝર કુલ ધિરાણના ૫ ટકાથી વધુ ન હોવું જોઈએ. આરબીઆઈએ અર્બન કો-ઓપરેટિવ બેન્કો માટે ટિયર-૧ માટે ઈન્ડિવિડ્યૂઅલ હાઉસિંગ લોનની મર્યાદા રૂ.૬૦ લાખ, ટિયર-૨ માટે રૂ.૧.૪૦ કરોડ, ટિયર-૩ માટે રૂ.૨ કરોડ અને ટિયર-૪ માટે રૂ.૩ કરોડ સેટ કરી છે. આરબીઆઈએ આ સાથે કહ્યું હતું કે યુસીબીના બોર્ડ સમયાંતરે લોન-સાઈઝ કેટેગરી મુજબ પોર્ટફોલિયો બિહેવિયરની સમીક્ષા કરશે અને જરૂર લાગશે ત્યાં લોનની મર્યાદા ઘટાડી શકે છે.SS1