સંસદની મંજૂરી વગર USAIDનું ફંડ રોકવાની કે તેને બંધ કરવાની સરકારને સત્તા નથી

ટ્રમ્પને કર્મચારી યુનિયનનો પડકાર
ટ્રમ્પે USAIDના વિશ્વભરના કર્મચારીઓને રજા પર ઉતાર્યા
વોશિંગ્ટન,
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે USAIDના ફંડમાંથી ચાલતી સંખ્યાબંધ યોજનાઓ પર કાતર ફેરવ્યા બાદ હવે કર્મચારીઓ પર હકાલપટ્ટીની તલવાર ઉગામી છે. રવિવાર અમેરિકા સરકારે દુનિયાભરમાં પથરાયેલા USAID (યુએસ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ)ના ૧૬૦૦ કર્મચારીઓને પાણીચુ પકડાવી દીધું છે તથા મોટાભાગના કર્મચારીઓને રજા પર ઉતારી દીધા છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને એલન મસ્કની જોડીએ અમેરિકામાં કોસ્ટ કટિંગને વધારે આક્રમક બનાવ્યું છે અને છેલ્લા છ દાયકાથી દુનિયાભરમાં પથરાયેલી USAIDને બંધ કરવાની દિશામાં મહત્ત્વનું પગલું ભર્યું છે. USAIDમાં કાપની સરકારની યોજના પર કામચલાઉ રોક લગાવવા કર્મચારીઓએ અરજી કરી હતી, જેને ડિસ્ટ્રિક્ટ જજ કાર્લ નિકોલસે ફગાવી દીધી હતી.
ફેડરલ જજે શુક્રવારે અમેરિકા તથા વિશ્વના અન્ય દેશોમાં ફેલાયેલા USAIDના કર્મચારીઓની હકાલપટ્ટી કરવા માટે સરકારને મંજૂરી આપ્યા બાદ સરકારે ત્વરિત ગતિએ તેનો અમલ કર્યાે છે. અમેરિકાના સમય પ્રમાણે રવિવારે રજાના દિવસે ટ્રમ્પ સરકારે USAIDના સીધા કર્મચારીઓ, સરકારે નિયુક્ત કરેલા કર્મચારીઓ અને ટોચના પદ પર કામ કરતા કર્મચારીઓને વિશ્વભરમાં રજા પર ઉતારી દીધા છે. અમેરિકાએ USAIDના ૧૬૦૦ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવાની નોટિસ આપી હતી. સરકાર દ્વારા કુલ ૨૦૦૦ કર્મચારીઓની છટણી કરવાનું આયોજન છે. USAIDની વોશિંગ્ટન ખાતે આવેલી કચેરીના સ્ટાફને રજા પર ઉતારી દેવાયો છે અને તેમની પણ ટૂંક સમયમાં હકાલપટ્ટી થશે. USAIDના ડેપ્યુટી એડમિનિસ્ટ્રેટર પીટ મારોક્કોના જણાવ્ય મુજબ, USAIDની ઓફિસ હવે માત્ર અમેરિકામાં જ રખાશે અને અહીંયા ફકત ૬૦૦ કર્મચારી જ હશે.
USAIDને કાયમી તાળા મારી દેવાની કવાયત છેલ્લા એક મહિનાથી ચાલી રહી છે. વોશિંગ્ટન ખાતે આવેલા વડામથક ઉપરાંત વિશ્વભરમાં ચાલતા USAIDના પ્રોજેક્ટ અટકાવી દેવાયા છે અને વિદેશમાં સહાય અટકાવી દેવાઈ છે. ટ્રમ્પ અને મસ્કે USAID પર લિબરલ પક્ષોના એજન્ડા ચલાવવાનો આરોપ મૂક્યો હતો અને આ સંસ્થાને સાવ નકામી ગણાવી હતી. સરકારના આ નિર્ણય સામે સરકારી કર્મચારી યુનિયનો અને USAID કોન્ટ્રાક્ટર્સ તથા અન્યોએ વિરોધ નોંધાવ્યો છે. અમેરિકી સંસદ (કોંગ્રેસ)ની મંજૂરીથી સ્વતંત્ર એજન્સી USAID દ્વારા કામગીરી હાથ ધરવામાં આવે છે અને તેથી સંસદની મંજૂરી વગર તેમાં કાપ મૂકવાની સરકારને સત્તા નહીં હોવાનો દાવો કર્મચારીઓએ કર્યાે છે.
કેલિફોર્નિયાની ફેડરલ કોર્ટમાં કર્મચારીઓએ એલન મસ્ક સામે કેસ કર્યાે છે અને કોઈ કારણ વગર હકાલપટ્ટી થઈ હોવાનો આક્ષેપ લગાવ્યો છે. અમેરિકા દ્વારા વિશ્વના અન્ય દેશો સાથે વ્યાપારી તથા રાજકીય સંબંધો જાળવવા USAIDનો ઉપયોગ થતો આવ્યો છે. USAIDના જે કોન્ટ્રાક્ટરોને સરકારની નોટિસ મળી છે તેમાં કોઈનું નામ લખવામાં આવ્યું નથી. કોન્ટ્રાક્ટરોના નામ, હોદ્દાના ઉલ્લેખ વગર નોટિસો આપવામાં આવી હતી, જેના કારણે સરકારે હાંકી કાઢેલા કર્મચારીઓને બેકારી ભથ્થુ મેળવવામાં સમસ્યા સર્જા શકે છે. SS1