એકલા સલમાનને લઈ ૫૦૦ કરોડ બજેટની ફિલ્મ બનાવવા નનૈયો

એટલી સાથેની ફિલ્મમાં મડાગાંઠ સર્જા સલમાન એકલા હાથે નફો નહિ અપાવી શકે, સાઉથના મોટા સ્ટારને કાસ્ટ કરવા આગ્રહ
મુંબઈ,
સલમાન સાઉથના મોટા ડાયરેક્ટર એટલીની એક એકશન ફિલ્મ કરી રહ્યો હોવાનું લાંબા સમયથી ચર્ચાય છે. જોકે, હવે સાઉથના ફિલ્મી વર્તુળોમાં થતી કાનાફૂસી અનુસાર આ ફિલ્મ કો સ્ટારને કાસ્ટ કરવા મુદ્દે હાલ અટકી પડી છે. એટલીએ સલમાનને લઈ ૫૦૦ કરોડનાં બજેટની ફિલ્મ બનાવવાનો મનસૂબો સેવ્યો છે. જોકે, ફાઈનાન્સિઅર્સ માને છે કે સલમાન એકલા હાથે ૫૦૦ કરોડના બજેટની ફિલ્મનો ભાર ઉપાડી શકે નહિ. આ ફિલ્મ તેનું બજેટ પણ કાઢી લે અને તે ઉપરાંત સારો એવો નફો પણ રળી શકે તે માટે ફિલ્મમાં સાઉથનો કોઈ મોટો સ્ટાર પણ હોવો જરુરી છે.
જેની પાન ઈન્ડિયા અપીલ હોય અને ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ નામ હોય તેવા હિરોના ભરોસે જ આટલું મોટું રોકાણ કરી શકાય. એટલીએ સલમાન સાથે સાઉથના કેટલાક સ્ટાર્સને લેવાનું વિચાર્યું છે પરંતુ તેઓ એટલા સેલેબલ નથી કે સાઉથની માર્કેટમાં પણ ફિલ્મ ઊંચકી શકે. સલમાન પણ પોતાની ફિલ્મની સફળતાનું શ્રેય સાઉથનો કોઈ મોટો સ્ટાર ખાટી જાય તેમ ઈચ્છતો નથી. આમ, કો સ્ટાર મુદ્દે મડાગાંઠ સર્જાતાં આ ફિલ્મના પ્રોજેક્ટને હાલ ગ્રહણ લાગી ગયું છે. આ મુદ્દાનો નિવેડો નહિ આવે તો આ ફિલ્મ કદાચ કાયમ માટે બાજુ પર મૂકાઈ જાય તેવી પણ શક્યતા સાઉથના ફિલ્મી વર્તુળોમાં ચર્ચા રહી છે. SS1