સૌરવ ગાંગુલીની બાયોપિકમાં સૌરવના અવતારમાં જોવા મળશે રાજકુમાર રાવ

ધોની અને કપિલ દેવ પછી હવે સૌરવ ગાંગુલીની બાયોપિક બનશે
સૌરવે કહ્યું, મેં જે સાંભળ્યુ છે એ મુજબ રાજકુમાર રાવ રોલ કરવાનો છે, પરંતુ તારીખોની સમસ્યા છે
મુંબઈ,
સૌરવ ગાંગુલીએ પોતાની બાયોપિક વિશે જાહેરાત કરી દીધી છે અને એમ પણ કહ્યું છે કે તેનો રોલ રાજકુમાર રાવ કરશે. સૌરવે કહ્યું, “મેં જે સાંભળ્યુ છે એ મુજબ રાજકુમાર રાવ રોલ કરવાનો છે..પરંતુ તારીખોની સમસ્યા છે, તેથી આ ફિલ્મને મોટાં પડદે આવવામાં એક વર્ષ જેટલો સમય થઈ જશે.”બધા સૌરવ ગાંગુલી પરની બાયોપિકની રાહ તો જુએ છે પરંતુ આ વિશે હજુ કોઈ પાસે વધારે માહિતી નથી. આ પહેલાં આ રોલ માટે આયુષ્યમાન ખુરાના અને રણબીર કપૂરના નામ પણ ચર્ચા ચૂક્યા છે. પરંતુ હવે ગાંગુલીએ પોતે આ જાહેરાત કરી દીધી છે. પશ્ચિમ બંગાળના બર્ધમાન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ગાંગુલીએ ગુરુવારે મીડિયા સાથે વાત કરતી વખતે આ જાહેરાત કરી હતી.
રાજકુમાર રાવ આ પહેલાં જ્હાન્વી કપૂર સાથે મિસ્ટર એન્ડ મિસીસ માહી કરી ચૂક્યો છે, જે એક ક્રિકેટ પર આધારીત ફિલ્મ હતી. તેમાં તેણે એક કોચનો રોલ કર્યાે હતો. આ ફિલ્મ પહેલાં રાજકુમાર ફરી એક મેડોક ફિલ્મ્સ સાથે ‘ભુલ ચૂક માફ’માં જોવા મળશે. જે વારાણસીમાં બનતી એક વિચિત્ર ઘટના પર આધારીત ફિલ્મ છે. તે ૧૦ એપ્રિલે રિલીઝ થશે. ત્યાર બાદ તે એ એક એક્શન થ્રિલર ફિલ્મ ‘માલિક’માં જોવા મળશે, તેમાં ઘણાં લાંબા સમય પછી રાજકુમાર એક ગેંગસ્ટર તરીકે નેગેટીવ રોલમાં જોવા મળશે. આ પહેલાં તેણે ‘ઓમેર્તા’માં એક આતંકવાદીનો રોલ કર્યાે હતો. તે ફિલ્મ ૨૦ જૂને રિલીઝ થશે. આ સાથે તેણે પત્ની પત્રલેખા સાથે મળીને શરૂ કરેલાં પ્રોડક્શન હાઉસની ફિલ્મ ‘ટોસ્ટર’ પણ નેટફ્લિક્સ પર આવશે, જેમાં તેની સાથે સાન્યા મલ્હાત્રા, અભિષેક બનેર્જી અને અર્ચના પુરણસિંઘ સહિતના કલાકારો છે. SS1