સુરતની લાજપોર જિલ્લા જેલમાં પણ બોર્ડનું પરીક્ષા કેન્દ્ર, ર૬ કેદીઓ પરીક્ષા આપશે

સુરત, બોર્ડની પરીક્ષાઓ માટે સ્કૂલ સાથે સુરત જિલ્લાની લાજપોર જેલે પણ તૈયારી પુરી કરી છે. જેલમાં પણ બોર્ડની પરીક્ષાનું એક કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે. જેલમાં સજા ભોગવી રહેલા ર૬ કેદી વિદ્યાર્થીઓ માટે આ વર્ષે બોર્ડની પરીક્ષા માત્ર એક શૈક્ષણિક પડકાર નહી, પણ નવા ભવિષ્યની આશાનું કિરણ બની રહી છે.
ધો.૧૦ અને ૧રની પરીક્ષાઓ માટે જેલમાં જ અલગ સેલ ફાળવવામાં આવ્યા છે, જયાં કેદીઓ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે.
આ કેદી પરીક્ષાર્થીઓમાં ૧૮ કેદી ધો.૧૦ અને ૮ કેદી ધો.૧રની પરીક્ષા આપવા માટે અભ્યાસ કરી રહ્યા છે. આમાંથી ૧૦ કેદીઓ પાકા કામના કેદી હોવાથી સજા ભોગવી રહ્યા છે, છતાં પણ ભણવા માટેની તેમની તરસ ઓછી થઈ નથી. ગત વર્ષે અહીં ૯૦ ટકા જેટલું પરિણામ આવ્યું હતું, જે દર્શાવે છે કે જેલની દિવાલો ભવિષ્યના સપનાઓ રોકી શકતી નથી.
જેલ વહીવટીતંત્ર દ્વારા કેદી વિદ્યાર્થીઓ માટે અભ્યાસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેલમાં જ બીજા અનુભવી કેદીઓના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને તૈયારી કરાવવામાં આવી રહી છે. વેલ્ફેર અધિકારીની તાજેતરમાં બદલીઓ થઈ હોવા છતાં જેલ અધિક્ષક જે.એન.દેસાઈ અને અન્ય અધિકારીઓએ કેદી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી તેમને અભ્યાસ માટે અનુકુળ વાતાવરણ પુરું પાડયું છે.
ભલે કોઈએ ભૂતકાળમાં ભૂલ કરી હોય, પણ ભવિષ્ય સુધારવા માટે શિક્ષણ એક શક્તિશાળી હથિયાર છે. લાજપોર જેલના આ ર૬ કેદી વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા સજા માટે એક વિરામ નહી, પણ નવા આરંભનું એક મજબુત પાયું બની શકે છે. જેલમાં સખત સુરક્ષાની વચ્ચે સીસીટીવી કેમેરાની નજર હેઠળ કેદીઓ પરીક્ષા આપશે.
પરીક્ષાને ધ્યાનમાં રાખીને જેલના એક સેલને એકઝામ હોલની માફક તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રયાસો એટલો ખાસ છે કે જે માત્ર એક શૈક્ષણિક પગલું નહી, પણ કેદીઓના પુનઃવસવાટ માટેનો એક પ્રેરણાત્મક પ્રયોગ બની રહ્યો છે.